મતદાન જાગૃતિ અભિયાન:6 હજાર વિદ્યાર્થીએ સગા-સંબંધીઓને મતદાનનો અનુરોધ કરતા પોસ્ટકાર્ડ લખ્યા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ સ્વહસ્તે સંબંધીઓને મતદાન કરવા માટે પોસ્ટકાર્ડ લખી સંદેશ આપ્યો. - Divya Bhaskar
વિદ્યાર્થીઓએ સ્વહસ્તે સંબંધીઓને મતદાન કરવા માટે પોસ્ટકાર્ડ લખી સંદેશ આપ્યો.
  • 1500 વિદ્યાર્થીએ માતા-પિતા પાસે મતદાનના સંકલ્પપત્રો ભરાવ્યા

રાજકોટ જિલ્લાની શાળાઓમાં પણ જાણે ચૂંટણીનો જ માહોલ હોય એમ મતદાન જાગૃતિ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે શહેરની સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓએ જુદી જુદી રીતે સમાજમાં મતદાન જાગૃતિ આવે તેવા કર્યો કર્યા હતા. અંદાજિત 6000 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના સગા-સંબંધીઓને પોસ્ટકાર્ડ લખીને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો જ્યારે 1500થી વધુ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતા પાસેથી મતદાન કરવા માટેના સંકલ્પપત્રો ભરાવ્યા હતા.ધો. 5થી 12ના વિદ્યાર્થીઓએ પોતાનાં સગા-સંબંધીઓને પત્ર લખી અચૂક મતદાન કરવા માટે ભાવવાહી વિનંતી કરી હતી.

આ રાષ્ટ્રીયભાવનાના કાર્યમાં આશરે 6000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા. 1500થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનાં માતા-પિતા તેમજ પરિવારના સભ્યો પાસે મતદાન કરવા અંગે સંકલ્પપત્ર ભરાવ્યા હતા. શાળાનાં શિક્ષકો દ્વારા વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ સાધીને મતદાન કરવા અંગે જનજાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. રાષ્ટ્રનું ભવિષ્ય એવા કોલેજના 750 વિદ્યાર્થીએ રાષ્ટ્રભાવ સાથે અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ પાસે તેમનું નામ મતદારયાદીમાં હોવાની ખાતરી કરાવવા સમજાવશે.

તેમજ તેમના પરિવાર, ઘર, સગા-સંબંધીઓ, આડોશી-પાડોશીઓ અને જ્ઞાતિ-સોસાયટીના લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી નૈતિક મતદાનનો સંકલ્પ કરાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ માટે શાળાઓ દ્વારા મતદાનના મહત્ત્વ વિષયને ધ્યાનમાં રાખી સ્લોગન હરીફાઇ, ચિત્ર હરીફાઇ, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓના આયોજન તેમની શાળાકક્ષાએ કરાયા છે. રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં છેલ્લા ઘણાં દિવસોથી મતદાન જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...