ભલામણ કાંડની સજા:સેનેટની ચૂંટણી સમયસર નહીં થતા 6 સિન્ડિકેટ સભ્યની હકાલપટ્ટી નિશ્ચિત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યુનિવર્સિટી-પાર્ટીની છબી ખરડાતા હાઈ કમાન્ડનું સફાઈ અભિયાન
  • આગામી 23 મે બાદ યુનિવર્સિટીના છ સિન્ડિકેટ સભ્ય તેમનું પદ ગુમાવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 23 મેના રોજ સેનેટની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે હજુ સુધી મતદાર યાદી કે ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ નહીં કરાતા છ સિન્ડિકેટ સભ્ય પોતાનું સેનેટ પદની સાથે સાથે સિન્ડિકેટ સભ્ય પદ પણ ગુમાવશે તે હવે નિશ્ચિત થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનિવર્સિટીમાં ભરતીકાંડમાં સિન્ડિકેટ સભ્યોએ કરેલી ભલામણનો વિવાદ રાજ્યભરમાં ગુંજ્યો હતો.

આ ઉપરાંત માટી કૌભાંડ, નેકમાં લખલૂંટ ખર્ચા સહિતના વિવાદોમાં સૌથી વધુ સિન્ડિકેટ સભ્યોનું રાજકારણ કેન્દ્ર સ્થાને રહ્યું હોવાનું બહાર આવતા યુનિવર્સિટી અને પાર્ટીની છબી ખરડાઈ છે. તેથી જ ભલામણ કાંડની સજારૂપે જ યુનિવર્સિટીના છ સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણી, નેહલ શુક્લ, ડૉ. ભાવિન કોઠારી, ડૉ. ભરત રામાનુજ, ડૉ. પ્રવીણસિંહ ચૌહાણ અને હરદેવસિંહ જાડેજાની સિન્ડિકેટ સભ્ય તરીકે હકાલપટ્ટી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

23 મેના રોજ સેનેટની મુદત પૂર્ણ થતી હોય તેના 49 દિવસ પહેલા ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવું અને તેના અગાઉ સેનેટની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ જાણે ઈરાદાપૂર્વક સેનેટની ચૂંટણી ન થવા દીધી હોય તેમ જાન્યુઆરીમાં મતદાર યાદી પ્રસિદ્ધ ન કરી, હજુ સુધી મતદાર યાદીમાં સુધારણા ચાલી રહ્યા છે અને હવે સેનેટની ચૂંટણી યોજાય તેવી સંભાવના નહીંવત છે ત્યારે સેનેટની ચૂંટણી નહીં યોજાતા હવે અગામી તારીખ 23 મે બાદ યુનિવર્સિટીના છ સિન્ડિકેટ સભ્ય તેમનું પદ ગુમાવશે તે નિશ્ચિત છે.

યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થી અને શિક્ષણને બદલે રાજકારણને કેન્દ્ર સ્થાને રાખીને સત્તામંડળના સભ્યોએ કરેલા નિર્ણયોથી અનેક વિવાદો થયા છે. ભૂતકાળમાં ભરતીકાંડ, માટી કૌભાંડ, નેકમાં એક કરોડનો ખર્ચ કર્યો છતાં એક સમયે રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી ‘બી’ ગ્રેડ થઇ ગઈ. આવા મોટાભાગના વિવાદો આંતરિક રાજકારણને લીધે જ થયા હોય જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પાર્ટીની છબી ખરાબ થઇ હોવાની પણ નોંધ સરકારે લીધી છે.

તેથી જ સેનેટની ચૂંટણી નહીં યોજીને પરોક્ષ રીતે વર્ષોથી સિન્ડિકેટ પદ નહીં છોડતા સિન્ડિકેટ સભ્યોને ઘરભેગા કરી દેવાશે. જોકે સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને સેનેટની ચૂંટણી મુદ્દે અનેક રજૂઆતો કરી, દબાણ કર્યું પરંતુ આખરે ચૂંટણી જાહેર નહીં થતા છ જેટલા સિન્ડિકેટ સભ્યની વિદાય નિશ્ચિત હોવાનું યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...