તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીએ રૂ.25 હજારના ખર્ચે સોલર કાર બનાવી, 4 લોકોની ક્ષમતા સાથે 40 કિ.મી. ચાલે છે

રાજકોટએક મહિનો પહેલા
  • સૌર ઊર્જાથી કારની બેટરીને ચાર્જ થવા માટે 5 કલાકનો સમય લાગે છે

રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીએ પેટ્રોલના ભડકે બળતા ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી કારથી જ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ વિદ્યાર્થીઓએ સોલરથી ચાલતી ઇલેક્ટ્રિકલ કારનું નિર્માણ કર્યું છે. 8 મહિનાની મહેનતના અંતે તેમણે રૂ.25 હજારના ખર્ચે આ કારનું નિર્માણ કર્યું છે. એ 4 લોકોની ક્ષમતા સાથે 40 કિ.મી. ચાલે છે. દેશ અને દુનિયામાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક કાર બનાવી બજારમાં ઉતારી ચૂકી છે. યુવાનોએ બનાવેલી આ સોલર કાર અન્ય કારની તુલનામાં ખૂબ જ સસ્તી છે. વધતા પેટ્રોલ-ડીઝલના ભાવો અને પર્યાવરણ પ્રદૂષણના ભયને ધ્યાનમાં લઈને આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે.

આ સોલર કાર અન્ય કારની તુલનામાં ખૂબ જ સસ્તી છે.
આ સોલર કાર અન્ય કારની તુલનામાં ખૂબ જ સસ્તી છે.
કારની બેટરી સોલર ઊર્જાથી ચાર્જ થાય છે.
કારની બેટરી સોલર ઊર્જાથી ચાર્જ થાય છે.

કારની બેટરી સૌર ઊર્જાથી ચાર્જ થાય છે
આસમાને પહોંચેલા પેટ્રોલના ભાવથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. પેટ્રોલના વધતા ભાવથી બચવા લોકો કાર ખરીદવા તો ઈચ્છી રહ્યા છે, પરંતુ મોટી કંપનીનાં વાહનોની કિંમત સામાન્ય માણસને પરવડે એમ નથી. ત્યારે આત્મીય કોલેજ ખાતે B.E. ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરતા વૈભવ પંડ્યા, રઈશ સુમરા, અલતાફ પરમાર, દેવરત પંડ્યા, યશ નંદા તેમજ રવિ પરમાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોલર કારનું નિર્માણ કર્યું છે. કારની બેટરી સોલર ઊર્જાથી ચાર્જ થાય છે.

સોલર કાર બનાવનાર વિદ્યાર્થી રવિ પરમાર.
સોલર કાર બનાવનાર વિદ્યાર્થી રવિ પરમાર.

આ છે કારની વિશેષતાઓ
સોલર કાર બનાવનાર વિદ્યાર્થી રવિ પરમારે કારની વિશિષ્ટતા જણાવતાં કહ્યું હતું કે આ કારમાં અખૂટ તેમજ નિઃશુલ્ક સૂર્યશક્તિને ઉપયોગમાં લેવામાં આવે છે. ધુમાડો કે ઘોંઘાટ રૂપે થતું વાતાવરણનું પ્રદૂષણ અટકાવવામાં આવે છે. કોલસો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જે ઈંધણના રૂપમાં વપરાય છે એ બચાવી શકાય, નહિવત્ ખર્ચે કાર તૈયાર થઈ જાય છે. સોલર કાર 100 કિલોની ક્ષમતાવાળી તેમજ નાની જગ્યામાં પણ સરળતાથી વળાંક લઈ શકે એ માટે 4WD સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે 5 કલાકનો સમય લાગે છે.

(પિન્ટુ ભોજાણી, ગોંડલ )