ઉત્તરાખંડમાં રેસ્કયૂ:કેદારનાથમાં ફસાયેલા રાજકોટના 6 યાત્રાળુઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ, ‘બમ બમ ભોલે’ના નાદ લગાવ્યા, ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી હરિદ્વાર જવા રવાના

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટના 6 યાત્રાળુઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા.
  • આજે વાતાવરણ ચોખ્ખુ થવા લાગતા હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે, ત્યારે જાણીતી કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનનો પરિવાર અને પ્રોફેસર પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા હતા. હવે તમામ યાત્રાળુઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આજે કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ હિરાણીના પરિવાર સહિત 6 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળે પહોંચતા જ તમામે બમ બમ ભોલેના નાદ લગાવ્યા હતા. તેમજ ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેનું ગ્રુપ હરિદ્વાર જવા રવાના થયું છે.

તમામ યાત્રાળુઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી સાથે રહેલા તમામ યાત્રાળુઓ હરિદ્વાર જવા રવાના થયા છે અને ત્યાંથી રાજકોટ આવી પહોંચે તેવું જાણવા મળ્યું છે. ઉત્તરાખંડમાં હવામાન સામાન્ય થતા તમામ યાત્રાળુઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગઇકાલે ચોતરફ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી હેલિકોપ્ટર સેવા શરૂ થઇ શકી નહોતી, કેદારનાથમાં દવા અને ખોરાકનો મર્યાદિત જથ્થો જ લઇ જવાતો હોય છે અને યાત્રાળુઓ ખરાબ આબોહવાને કારણે અટવાઇ જતાં દવા અને ભોજનની અછત ઊભી થઇ હતી. જોકે આજે વાતાવરણ ચોખ્ખુ થવા લાગતા હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધઃ પ્રોફેસર
રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોતે 30 લોકોની ટીમ સાથે ચારધામની યાત્રાએ નીકળ્યા છે અને હાલમાં કેદારનાથથી નીચે સીતાપુર બેઝ કેમ્પમાં પહોંચ્યા છે, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે, તેમની સાથેના તમામ યાત્રાળુઓ સલામત સ્થળે છે, પરંતુ ભારે વરસાદને કારણે યાત્રાને અટકાવવામાં આવી રહી છે, રસ્તામાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે.

ગઇકાલે ગટાટોપ વાદળો છવાયેલા હતા.
ગઇકાલે ગટાટોપ વાદળો છવાયેલા હતા.

ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું
કેદારનાથમાં હાલમાં ઘોડા, પાલખીની સેવા બંધ છે. રવિવારે કેદારનાથમાં 3 હજાર જેટલા શ્રદ્ધાળુઓ એકઠા થઇ ગયા હતા અને તેની સામે ઘોડા, પાલખી અને હેલિકોપ્ટર સહિતની વ્યવસ્થા મર્યાદિત હોવાને કારણે યાત્રાળુઓ પરેશાન થયા હતા. રવિવારે ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું તો કેટલાક લોકો દર્શન કર્યા વગર પરત ફરવા મજબૂર થયા હતા.

સોમવારે રાત્રે કેદારનાથમાં હિમવર્ષા થઇ હતી.
સોમવારે રાત્રે કેદારનાથમાં હિમવર્ષા થઇ હતી.

ગુજરાતથી કોઈ લોકો હાલ ચારધામની યાત્રાએ નીકળે નહીં
પ્રોફેસર ગોસ્વામીએ વધુમાં કહ્યું હતું કે જે લોકોએ હાલમાં ચારધામની યાત્રાનો પ્લાન કર્યો હોય તો પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને યાત્રા શરૂ કરવી નહીં. રાજકોટથી ચારધામની યાત્રાનું આયોજન કરનાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમની સાથે 35 લોકોનો સંઘ ચારધામની યાત્રામાં જોડાયો હતો અને હરિદ્વારથી બદ્રીનાથ જવા નીકળ્યા ત્યારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે તેમનો સંઘ સીકોટા પાસે અટકી ગયો હતો અને જ્યાં સુધી રસ્તો સાફ ન થાય અને વાતાવરણ ચોખ્ખું ન થાય યાત્રાળુઓને જ્યાં હોય ત્યાં જ સલામત સ્થળે રોકાય જવા તંત્ર દ્વારા સૂચના મળી હતી.

અન્ય સમાચારો પણ છે...