કોરોનાવાઈરસ:વધુ 6 પોઝિટિવઃ જંગલેશ્વર, અમદાવાદ અને મુંબઈ રાજકોટને જકડી રાખે છે વાઈરસમાં

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં એક જ દી’માં 6 કેસ પોઝિટિવ, શાપર-ગોંડલના શ્રમિકો ચેપગ્રસ્ત બન્યા઼
  • જંગલેશ્વર ઉપરાંત હવે કેવલમ સોસાયટી ક્લસ્ટર કન્ટેઈનમેન્ટ ઝોન

રાજકોટ કોરોનામુક્ત થવાની પૂરેપુરી સંભાવના હતી ત્યાં જ લોકડાઉનમાં છૂટછાટ મળતાં શહેરમાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી હજારોની સંખ્યામાં લોકો આવ્યા અને ફરી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધવા લાગી છે. અગાઉ માત્ર જંગલેશ્વરમાંથી જ કોરોનાના કેસ બહાર આવતા હતા પરંતુ હવે અમદાવાદ, મુંબઈ અને સુરતથી આવતા લોકોમાં કોરોના પોઝિટિવ આવી રહ્યો છે ત્યારે કોરોનાની દૃષ્ટિએ સુરક્ષિત થવા જઈ રહેલું રાજકોટ શહેર ફરી કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યું છે. રાજકોટમાં ગુરુવારે એક સાથે 6 પોઝિટિવ આવતા કુલ કેસનો આંક 105 થયો છે. 6 કેસમાંથી 2 શાપર, 1 નાના વડિયા ગામ જ્યારે બીજા ત્રણ કેસ રાજકોટ શહેરના છે. 6 કેસમાંથી 3ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે જ્યારે બાકીના 3ને ક્યારે ચેપ લાગ્યો તેની તંત્રને ખબર નથી. 

કોર્ટમાં હાજર કરતા પહેલા ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો
કેવલમ રેસિડેન્સી, કાલાવડ પર રહેતા જસુમતીબેન લક્ષ્મીદાસ વિષ્ણુ(ઉ.વ.87) અને અર્ચનાબેન કલ્યાણદાસ અગ્રાવત(ઉ.વ.27) 25મીએ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા. જસુમતીબેને અમદાવાદમાં હાડકાનું ઓપરેશન કરાવ્યું હતું અને જે ડોક્ટરે સર્જરી કરી તે પોઝિટિવ આવતા જસુમતીબેન અને તેમની સંભાળ રાખતા અને દોહિત્રના પત્ની અર્ચનાબેનના સેમ્પલ લેવાયા હતા જે પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ શહેરના રાજીવનગર આવાસ યોજના(કિટીપરા)માં રહેતા હસુબેન રાઠોડ કે જે દેશી દારૂના કેસમાં પકડાતા કોર્ટમાં હાજર કરતા પહેલા ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. તેમને ચેપ ક્યાંથી લાગ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ જ રીતે નાના વડિયા ગામની 18 વર્ષની પાયલબેન સાગઠિયા નામની યુવતીને તાવ તમેજ ગળામાં ચાંદાની સમસ્યા રહેતા સેમ્પલ લેવાયા હતા અને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે શાપરમાં પોલીસ અને પત્રકાર પર હુમલો કરનાર લગાન મોરતો(ઉ.વ.27) અને ગોંડલમાં જામવાડી જીઆઈડીસીમાં કામ કરવા માટે રાજસ્થાનથી 23મીએ આવેલો મજૂરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...