જસદણ-વીંછિયાના કોળી આગેવાન મુકેશ રાજપરા પર વીંછિયામાં 6 શખસે જીવલેણ હુમલો કર્યો હતો. મુકેશ રાજપરાએ આ હુમલા પાછળ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આજે સવારે વીંછિયા બંધનું એલાન મુકેશ રાજપરા દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ એ પહેલાં જ મુકેશ રાજપરા સાથે બાઇક અથડાવી પગના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરી છ જેટલા શખસે લોખંડની પાઇપ સહિતનાં હથિયારો સાથે હુમલો કર્યો હોવાનો અને પગમાં ગોળી વાગ્યાનો મુકેશ રાજપરાએ આક્ષેપ કર્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો સંપર્ક કરતાં તેમના પ્રતિનિધિએ ફોન ઉપાડ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે સાહેબ હાલ વિધાનસભા ગૃહમાં છે.
મુકેશ રાજપરાને રાજકોટ હોસ્પિટલ ખસેડાયા
મુકેશ રાજપરાને ગંભીર ઇજા પહોંચતાં પહેલાં જસદણ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુકેશ રાજપરા કોળી સમાજના અગ્રણી છે અને વીંછિયા વિસ્તારના લોકોના પ્રશ્નો અવારનવાર ઉઠાવતા હોય છે. તાજેતરમાં જ મુકેશ રાજપરાએ કુંવરજીભાઈ બાવળિયાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરેલા આપઘાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હુમલો કરવા આવેલા શખસોએ પણ લોકોના પ્રશ્નો ઉઠાવતા હોવાનું કહી હુમલો કર્યો હતો. વીંછિયા પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી છે અને મુકેશ રાજપરાની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે.
પાણીના પ્રશ્ને આજે વીંછિયા બંધનું એલાન કર્યું હતું
મુકેશ રાજપરાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સાહેબ તમને તો ખ્યાલ જ છે કે હું સામાજિક કાર્યકર છું. આજે અમારે પાણીના પ્રશ્નને લઈને વીંછિયા ગામ બંધ રાખવાનું હતું. છેલ્લે 50 કરોડનું ત્યાં કૌભાંડ છે. અગાઉ કુંવરજી બાવળિયાની શૈક્ષણિક સંસ્થામાં એક દીકરીએ આત્મહત્યા કરી એ મુદ્દે મેં થોડી લડત લડી હતી. આ બધાનો ખાર રાખી કેબિનેટ મંત્રીએ લુખ્ખાઓ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરાવ્યો છે. હું મારા ઘરેથી મારી ઓફિસે જવા નીકળ્યો ત્યારે પ્રથમ આ શખસોએ બાઇક મારી બાઇક સાથે અથડાવી પાડી દીધી હતી.
તમંચાથી મારા પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું
તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ત્યાર બાદ તમંચાથી મારા પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ કુહાડીનો ઘા માથા પર મારવા ગયા ત્યારે મારો હાથ આડો આવતાં માથું બચી ગયું હતું. લાકડી અને પાઈપથી આ શખસો તૂટી પડ્યા હતા. લાકડી અને પાઈપના અનેક ઘા માર્યા પછી હું બેભાન અવસ્થામાં આવી ગયો હતો. કુલ 6 શખસ હતા, જેમાં એકને ઓળખું છું, જેનું નામ રાજેશ ધાધલ છે. તેની સાથે બીજા 5 આજાણ્યા શખસ હતા.
કુંવરજીભાઈના કહેવાથી જ બનાવ બન્યો
મુકેશ રાજપરાએ વધુમાં જણાવ્યું હતું કે એક શખસ બાઇક પર અને પાંચ શખસ કાળા કલરની આઇ-20 કાર લઈને આવ્યા હતા. આ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈના કહેવાથી જ બનાવ બન્યો છે, કારણ કે હું ત્યાં ગરીબ લોકોના નાના-મોટા પ્રશ્નો ઉઠાવું છું, એટલે એ લોકોને આ ગમતું નથી. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય ત્યાં ત્યાં અમે અવાજ ઉઠાવીએ છીએ અને એ લોકો દબાવવા માટે પ્રયાસો કરે છે.
અગાઉ પણ મારી પર ફાયરિંગ કરાવ્યું હતું
મુકેશ રાજપરાએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ મારી પર ફાયરિંગ કરાવ્યું હતું. જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ આ જ રીતે મારી ઉપર પાંચ શખસે આવી ફાયરિંગ કર્યું હતું. આજે ફાયરિંગ કર્યું એમાં અજાણ્યા પાંચ શખસો હતા તેમાંથી કોઈ દ્વારા કરવામાં આવ્યું હતું. એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યાર બાદ હું બેભાન થઈને પડી ગયો હતો. પગની અંદર ગોળી વાગતાં ઈજા પહોંચી છે.
ફરિયાદમાં બાવળિયાના નામનો કે ફાયરિંગનો કોઈ ઉલ્લેખ કર્યો નથી
ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, વીંછિયામાં મુકેશભાઈ પર હુમલો થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આથી વીંછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા સાહેબ રૂબરૂ ફરિયાદ લેવા આવ્યા હતા. ફરિયાદ જોતા મુકેશભાઈ આજે સવારે 8.30 વાગ્યે આંબલી ચોકીથી નવકાર કોમ્પલેક્સ છે ત્યાં જતા હતા, ત્યારે બાઇક અથડાયું હોય તો ત્યાં રાજુભાઈ ધાધલ અને કાળા કલરની કારમાં ત્રણ વ્યક્તિ આવ્યા હતા. ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, રાજુભાઈએ ભડલી ખાતે પુલનું કામ રાખ્યું હોય જે અનુસંધાને મુકેશભાઈએ કલેક્ટરને અરજી કરી છે. તેમજ રાજુભાઈ ધાધલે વીંછિયામાં ઢોરો છે તેમાં કોમન પ્લોટ દબાવેલો હોય તે બાબતે પણ મુકેશભાઈએ કલેક્ટરને અરજી કરી છે. આ બાબતનો ખાર રાખી રાજુભાઈ સહિત ચાર શખસોએ બન્ને પગમાં અને હાથમાં ફ્રેક્ચર કર્યું છે. ફરિયાદમાં કુંવરજી બાવળિયાના નામનો કે ફાયરિંગનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.