વેક્સિનેશન:રાજકોટમાં 17 દિવસમાં 6 કેસ, 16859 લોકોએ રસી લીધી જ નથી કોરોનાનો કહેર ઓછો થતાં બીજા ડોઝ માટે 65000 લોકો નિરસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારે આપેલા લક્ષ્યાંકે પહોંચવામાં હવે માત્ર 1.45 ટકાનું છેટું : પ્રથમ ડોઝ લીધા બાદ કુલ 496992 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી

રાજકોટ શહેરમાં 11.43 લાખ લોકોનું વેક્સિનેશન કરવા માટે સરકારે ટાર્ગેટ આપ્યો છે જેની સામે આજ સુધીમાં 1126141 લોકોએ પ્રથમ ડોઝ અને 629149ને બીજો લઇ લીધો છે. કુલ 1755290 ડોઝ અપાયા છે. રાજકોટમાં સરકારે આપેલા લક્ષ્યાંક મુજબ હવે માત્ર 16859 લોકો જ પ્રથમ ડોઝ લેવામાં બાકી છે બીજી તરફ 496992 લોકોને બીજો ડોઝ આપવામાં બાકી છે. જે પૈકી 65000 એવા છે જેમનો બીજા ડોઝ માટેનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી રસી લીધી નથી. રાજકોટમાં શહેરમાં વેક્સિનેશન 98.55 ટકા થયું છે જેના કારણે કોરોનાના કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

વેક્સિનેશન વધુ પ્રમાણમાં થયું હોવાથી રાજકોટમાં ચાલુ માસમાં માત્ર 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં બે વ્યક્તિ અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક વ્યક્તિ કોરોના સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં વેક્સિનેશન 100 ટકા થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું, દિવ્યાંગોને ઘરે જઇ વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેના પગલે હાલ રાજકોટમાં 98.55 ટકા સુધી વેક્સિનેશન કરવામાં સફળતા મળી છે. બીજી તરફ રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં માત્ર છ જ પોઝિટિવ કેસ આવ્યા છે.

જે પોઝિટિવ કેસ આવ્યા તેમાંથી મોટા ભાગના અન્ય રાજ્યમાં પ્રવાસ કરી પરત ઘરે આવ્યા હોય તેવા છે. બીજો ડોઝ પણ લોકો સમયસર લે તે માટે પણ મનપા જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. રાજકોટ શહેરમાં આજ સુધીમાં 42829 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યું હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

મનપાએ આજ સુધીમાં 1427406 કોરોના રિપોર્ટ કર્યા છે. શહેરમાં રિકવરી રેટ 98.93 ટકા સુધીનો છે. રાજકોટમાં ચાલુ માસમાં માત્ર છ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મનપા દરરોજ 1000 આસપાસ કોવિડ રિપોર્ટ કરી રહ્યું છે. રાજકોટમાં હવે કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે બીજી તરફ વેક્સિનેશનની કામગીરી 98 ટકાથી વધુ થઇ ચૂકી છે.

ત્રણ વખત રસીનો ટાર્ગેટ વધ્યો
મનપાની હદમાં વેક્સિનેશન માટે સરકારે ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શરૂઆતમાં 9.43 લાખ શહેરીજનોનું વેક્સિનેશન માટે લક્ષ્યાંક નક્કી કરાયો હતો. આ લક્ષ્યાંકના 98 ટકા સુધી વેક્સિનેશન થતા નવો ટાર્ગેટ 10.43 લાખ કરાયો અને આ નવા લક્ષ્યાંકના 98 ટકા વેક્સિનેશન થતા ફરી ત્રીજો ટાર્ગેટ 11.43 લાખ કરાયો છે. હવે આ ટાર્ગેટના 98.55 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે નવો ટાર્ગેટ નહીં આવે તેવું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

જિલ્લામાં 94.67 ટકાએ પ્રથમ ડોઝ લીધો,જ્યારે 46.15 ટકાને બીજો ડોઝ અપાયો
​​​​​​​રાજકોટ જિલ્લામાં 400થી વધુ ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન કામગીરી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ ડોઝ 10,66,015 લોકોએ એટલે કે 94.67 ટકા જ્યારે બીજો ડોઝ 5,19,655 લોકોએ એટલે કે 46.15 ટકાએ લઈ લીધો છે. જ્યારે બીજી તરફ વીંછિયા તાલુકાના માત્ર 11 ગામડાંમાં જ 100 ટકા વેક્સિનેશન થયું.

રાજકોટ જિલ્લાના 465 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકામાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરનાર ગામની વાત કરીએ તો ધોરાજીના-31, ગોંડલના - 57, જામકંડોરણા - 53, જસદણ - 34, જેતપુર - 50, કોટડાસાંગાણી - 33, લોધિકા - 38, પડધરી - 57, રાજકોટ - 92, ઉપલેટા - 40, વીંછિયા - 11 ગામ મળી કુલ 465 ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આરસીએચઓ ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગામડાંમાં આરોગ્ય કર્મચારી સામે ચાલીને લોકોને ઘરે વેક્સિન આપવા જઈ રહ્યા છે. તેમજ આગેવાનોને સાથે રાખીને લોકોને સમજાવાય છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...