અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાની લાઇન ખૂલી છે. રાજકોટ જિલ્લા પોલીસે સોમવારે આટકોટ અને લોધિકા પાસેથી કુલ 31 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ જિલ્લા પોલીસની શાપર પોલીસે વધુ 18 લાખની કિંમતની વિદેશી દારૂ ભરેલી રાજસ્થાન પાસિંગની ટ્રક પકડી પાડી છે.દારૂ-જુગારના દૂષણને ડામવાના ભાગ રૂપે રાજકોટ જિલ્લા પોલીસે છેલ્લા બે દિવસથી ડ્રાઇવ ચલાવી રહી છે. ત્યારે શાપર પોલીસ મથકના પીએસઆઇ એસ.જે.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે સમયે પારડી-પડવલા રોડ પરથી એક શંકાસ્પદ ટ્રક પસાર થઇ રહી હોવાની માહિતી મળતા પોલીસ ટીમ તુરંત ત્યાં દોડી ગઇ હતી.
પોલીસને રાજસ્થાન પાસિંગની ટ્રક મળી આવતા તેના ચાલકને ઊભું રહેવા ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રક ઊભી રાખવાને બદલે ચાલકે ટ્રકને થોડે દૂર સુધી ભગાવી અવાવરું સ્થળે ઊભી રાખી અંધારાનો લાભ લઇ ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં ટ્રક પાસે પહોંચેલી પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકના પાઇપ જોવા મળ્યા હતા. પરંતુ ટ્રક ભાગી હોવાથી તેમાં કંઇક હશેનું માલૂમ પડતા ઝીણવટભરી તપાસ કરી હતી.
ત્યારે પ્લાસ્ટિક પાઇપના જથ્થાની પાછળથી એક ચોરખાનું મળી આવ્યું હતું. અને જેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 5940 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.18,77,400ના કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂ.27,750ની કિંમતના પ્લાસ્ટિક પાઇપના 70 બાચકા, રાજસ્થાન પાસિંગની ટ્રક મળી કુલ રૂ.29,05,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને દારૂ ભરેલી ટ્રક મૂકી નાસી ગયેલા ચાલકને તેમજ ટ્રક નંબરના આધારે મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.