જાહેરનામાથી ઝટકો:મોડ-3ના PSI બનવા 588 ASI પરીક્ષા આપી પાસ થયા પણ 200 પોસ્ટિંગ પહેલા જ નિવૃત્ત થઈ ગયા

રાજકોટ24 દિવસ પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા
  • કૉપી લિંક
જાહેરનામું - 2022 - Divya Bhaskar
જાહેરનામું - 2022
  • 2014માં બહાર પડાયેલા જાહેરનામાના અને બઢતીમાં વિચિત્ર નિયમના કારણે અનેક પોલીસ કર્મચારીઓ અધિકારી ન બની શક્યા

રાજ્ય સરકારના ગૃહ વિભાગે 2014માં બહાર પાડેલા એક ઝટકારૂપ જાહેરનામાને કારણે એએસઆઈમાંથી પીએસઆઈ બનવા માટે મોડ-3ની પરીક્ષા આપીને પાસ થઈ ગયેલા 588 એએસઆઈ માંથી 200 એએસઆઈને પીએસઆઈનું પોસ્ટિંગ મળે તે પહેલા જ તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.

કેટલાક આગામી દિવસોમાં નિવૃત્ત થઇ જાય તેવી સંભાવના
આશ્ચર્યની વાત એ છે કે, થોડા મહિનાઓ પહેલા લેવાયેલી પરીક્ષામાં કુલ પાસ થયેલામાંથી હજુ પણ 332થી વધુ એએસઆઈએ ખાતાકીય પરીક્ષા પાસ કરી લીધી છે આમ છતાં તેઓ પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે અને તેમાંથી પણ કેટલાક આગામી દિવસોમાં નિવૃત્ત થઇ જાય તેવી સંભાવના છે.

સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારીઓને પ્રમોશનમાં નડ્યું
બીજી બાજુ સરકારે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 56 એએસઆઈને થોડા દિવસો પહેલા જ પીએસઆઇ તરીકે પોસ્ટિંગ આપી દીધું છે ત્યારે એક વિચિત્ર જાહેરનામું સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારીઓને પ્રમોશનમાં નડી રહ્યું છે. આ અંગે આઈપીએસ અધિકારી વી. ચંદ્રશેખર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો કોઇ નિવેડો આવ્યો નથી.

મોડ-2માં સળંગ 15 વર્ષનો જયારે મોડ-3માં ઘરની ધોરાજી જેવો નિયમ
મોડ-2માં પીએસઆઈ બનવા માટે સળંગ 15 વર્ષની નોકરીનો નિયમ પણ મોડ-3 માટે એએસઆઈના પ્રમોશન પછી ફરજના 40 મહિના થયા હોય તો જ પીએસઆઈ બની શકે તેવા જાહેરનામાને કારણે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર વધુ 332 એએસઆઈને પોસ્ટિંગ માટે રાહ જોવી પડી રહી છે

હસવું પણ આવે અને ખીજ પણ ચડે તેવો નિયમ
શહેર અને જિલ્લામાં ફરજ નિભાવતા પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવા માટે કોઇ ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યો નથી. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીને બહુ મોડું પ્રમોશન મળે છે જ્યારે જિલ્લાના પોલીસ કર્મચારીને વહેલું પ્રમોશન આપી દેવાય છે. આ કારણોસર એક સાથે એક જ દિવસે ભરતી થયેલા પણ પોલીસ કમિશનરેટ અને જિલ્લા વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા આપ્યા બાદ પણ વહેલા મોડા પ્રમોશન મળે છે.

ઉદાહરણ તરીકે... એક્સ અને વાય બે કર્મચારી એકસાથે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હોય બંનેની નિમણૂક પોલીસ કમિશનરેટ વિસ્તારમાં થઈ હોય પણ તેમાંથી વાય કર્મચારી જિલ્લામાં બદલી કરાવે અને ત્યાં હેડ કોન્સ્ટેબલની જગ્યા ખાલી હોય તો તેઓને માત્ર બેથી ત્રણ વર્ષમાં જમાદારનું પ્રમોશન મળી જાય છે પણ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અને વાયની સાથે જ ભરતી થયેલા એક્સ કર્મચારીને મોડું પ્રમોશન મળે છે આથી વાય છે તે હેડ કોન્સ્ટેબલ બની જાય છે અને સળંગ 15 વર્ષની તેની નોકરી થઈ હોય તો તે મોડ-2ની પીએસઆઈની ખાતાકીય પરીક્ષા આપવા માટે લાયક ગણાય છે.

નિયમ મુજબ મોડ-2ની પરીક્ષા આપી શકતા નથી
બીજી બાજુ એક્સ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા હોવાથી અને તેઓને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું ન હોવાથી તેઓ નિયમ મુજબ મોડ-2ની પરીક્ષા આપી શકતા નથી આ માટે એક જ દિવસે ભરતી થયેલા બે કર્મચારીમાંથી એકને પ્રમોશન પણ મળી જાય છે અને તેઓ મોડ-2ની ખાતાકીય પરીક્ષા આપ્યા બાદ પીએસઆઈ પણ બની જાય છે જ્યારે તેમની સાથેના અને પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારી માત્ર કોન્સ્ટેબલ તરીકે જ ફરજ બજાવવી પડે છે.

આવી રીતે એક જ દિવસે ભરતી થયા બાદ હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મેળવનાર કર્મચારી પણ ઉપરોક્ત ઉદાહરણની જેમ પોલીસ કમિશનરેટ અને જિલ્લામાં બદલી કરાવે તો એએસઆઈ તરીકે જિલ્લાવાળાને વહેલું પ્રમોશન મળે અને તે ખાતાકીય પરીક્ષા આપી પીએસઆઈ બની જાય છે જ્યારે પોલીસ કમિશનરેટમાં ફરજ બજાવતા તેમના બેચમેટને પ્રમોશન ન મળ્યું હોવાને કારણે પીએસઆઈની ખાતાકીય પરીક્ષા પણ આપી શકતા નથી અને એએસઆઈનું પ્રમોશન પણ મળતું નથી.

ખાતાકીય પરિક્ષા માટે એક જાહેરનામામાં 40 મહિના અને બીજામાં 36 માસનો નિયમ
વિવાદની સંભાવના... અગાઉ 2014માં જે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તેમાં એએસઆઈના પ્રમોશન બાદ 40 મહિનાની ફરજ બજાવી હોય તેઓને લાયક ગણવામાં આવતા હતા જ્યારે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તેમાં એએસઆઈના પ્રમોશન બાદ 3 વર્ષના અનુભવનો નિયમ કરવામાં આવ્યો છે. આ બે જાહેરનામામાં વિસંગતતાઓ છે જેને કારણે એક વિવાદનો હજુ ઉકેલ આવ્યો નથી ત્યાં વધુ એક વિવાદ થવાની સંભાવના છે.

મોડ-3ની ખાતાકીય પરીક્ષા પાસ કરીને પીએસઆઈ બની શકશે
​​​​​​​
2014માં ગૃહ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું કે, એએસઆઈનું પ્રમોશન મળ્યા બાદ 40 મહિનાની ફરજ બજાવી હશે તો તેઓ મોડ-3ની ખાતાકીય પરીક્ષા પાસ કરીને પીએસઆઈ બની શકશે. આ જાહેરનામાને કારણે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર અંદાજે 200 જેટલા એએસઆઈ નિવૃત્ત થઈ ગયા પણ તેમને પ્રમોશન મળ્યું નથી

ASIનું પ્રમોશન મળ્યા બાદ 36 મહિને કર્મચારી લાયક ગણાશે
​​​​​​​​​​​​​​
ગૃહ વિભાગે 30 ઓગસ્ટ 2022ના રોજ નવું જ જાહેરનામું બહાર પાડ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે 30-09-2022ની સ્થિતિએ 3 વર્ષનો અનુભવ ધરાવતા અનાર્મ એએસઆઈ ખાતાકીય પરીક્ષામાં ઉમેદવારી કરી શકશે. એટલે કે એએસઆઈનું પ્રમોશન મળ્યા બાદ 36 મહિના થયા હોય તેવા કર્મચારી લાયક ગણાશે.

અન્ય સમાચારો પણ છે...