કોરોના રાજકોટ LIVE:ધોરાજીના 56 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત, વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો, ગ્રામ્યમાં 15 હજાર લોકોએ વેક્સિન જ લીધી નથી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • 3 મહિના બાદ કોરોનાથી મૃત્યુ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ

3 મહિના બાદ ગઇકાલે રાજકોટ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું હતું. રાજકોટના ધોરાજી ખાતે ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા 56 વર્ષીય પુરુષનું ગઇકાલે કોરોનાની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયં હતું. છેલ્લે 21 ઓગસ્ટે કોરોનાથી 5 માસના બાળકનું મોત હતું. ત્યારે ફરી કોરોનાનો આતંક સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતક વૃદ્ધે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો. તેમજ વિદેશથી આવેલા 42 લોકોને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 15 હજાર લોકોએ વેક્સિન જ લીધી નથી.

વૃદ્ધનો 26 નવેમ્બરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી ખાતે કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થયું છે. ગત તારીખ 26 નવેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થયેલ 56 વર્ષીય પુરુષનું ગઇકાલે ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક દર્દી કોઇ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. પરંતુ, તેઓ કોડીનાર ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હોવાથી કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે. આ સાથે તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા કોઈના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા નથી.

ગઇકાલે બપોર સુધીમાં વિદેશથી આવેલા 42 લોકોને હોમ ક્વોરન્ટીન કર્યા
રાજકોટમાં વિદેશથી આવેલા લોકોને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રાખવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે, જે અન્વયે ગઇકાલે બપોર સુધીમાં 42 લોકોને હોમ કવોરન્ટીન કર્યાં છે. કોરોના હળવો પડ્યો છે, ત્યાં જ વિદેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને દેખા દીધા છે, ત્યારે ગુજરાત સરકારની સૂચનાથી રાજકોટ મનપા દ્વારા આ નવા વેરિયન્ટ સામે સાવચેત રહેવા રાજકોટમાં વિદેશથી આવેલા લોકોને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રાખવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.

જિલ્લામાં 15 હજાર લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ 15 હજાર લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. તેમને ડોઝ લેવા માટે કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારી ગ્રાઉન્ડ પર જઈ ડોઝ લેવા સમજાવી રહ્યા છે. તેમ છતાં તેઓ ડોઝ લેવાની ના પાડતા હવે આરોગ્ય વિભાગ દ્વારા તેમની પાછળ સમય ન ખર્ચી પ્રથમ ડોઝનો સમય પૂર્ણ થતાં લોકોને મિશન મોડમાં બીજો ડોઝ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને શુક્રવારે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આરોગ્ય વિભાગની 450 ટીમ સહિત 1200 કર્મચારી જોડાયા હતા.