રિચાર્જ કરો વીજળી મેળવો:સૌરાષ્ટ્રમાં આગામી વર્ષથી 56 લાખ સ્માર્ટ પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે

રાજકોટ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • PGVCLએ દિલ્હીમાં MOU કર્યા: પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર આવરી લેવાશે : 2025 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો ટાર્ગેટ
 • સ્માર્ટ મીટરમાં સીમકાર્ડ લગાવાશે, મોબાઈલ એપથી કામ કરશે : વીજગ્રાહકો પોતે જ રિડિંગ જોઈ શકશે

સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે. પીજીવીસીએલના એમડી વરુણકુમાર અને ચીફ એન્જિનિયર આર.જે.વાળાએ 56 લાખ સ્માર્ટ મીટર માટે દિલ્હી ખાતે RECPDCL સાથે એમઓયુ કર્યા હતા.

આવતા ત્રણ વર્ષમાં એટલે કે 2025 સુધીમાં પીજીવીસીએલ 56 લાખ સ્માર્ટ મીટર લગાવશે. પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે જેમાં સૌથી પહેલા દરેક સરકારી કચેરી, અમૃત સિટી, ડિસ્ટ્રિબ્યૂશન ટ્રાન્સફોર્મર પરના મીટર, ફિડર મીટરમાં પ્રિ-પેઈડ મીટર લગાવાશે. સ્માર્ટ મીટરમાં સીમકાર્ડ લગાવાશે, મોબાઈલ એપથી કામ કરશે: વીજગ્રાહકો પોતે જ રિડિંગ જોઈ શકશે: મીટર રિડિંગ કરવા કે બિલ ભરવા લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

આવી રીતે કામ કરશે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર

 • ગ્રાહક ઈચ્છે તેટલી રકમ એડવાન્સમાં ભરીને વીજળી મેળવી શકશે. જ્યારે બેલેન્સ પૂરું થવાનું હશે ત્યારે વોર્નિંગ સિગ્નલ પણ મળશે.
 • સ્માર્ટ મીટરમાં વર્તમાન વપરાશ સહિત છ માસનો ડેટા રેકોર્ડ થશે તેના કારણે કોઈ ફોલ્ટ સર્જાય તો પણ રિડિંગના પ્રશ્નો નહીં થાય
 • સ્માર્ટ મીટરમાં મીટર રિડરની જરૂર નહીં રહે, રિડિંગ સીધું કંપનીમાં પહોંચી જશે.
 • સ્માર્ટ મીટરને કારણે બિલ આપવા નહીં પડે તેથી કાગળની પણ બચત થશે.
 • ગ્રાહકોને આખા મહિનાનું બિલ એક વખતમાં ચૂકવવાની જરૂરિયાત પડશે નહીં. પોતાની જરૂરિયાત મુજબ બિલની ચૂકવણી કરી શકે છે.
 • મીટર રિડિંગ કરવા કે બિલ ભરવા લાઈનમાં ઊભા રહેવામાંથી લોકોને મુક્તિ મળશે

59,00,961 વીજ કનેક્શન સૌરાષ્ટ્ર-કચ્છમાં અપાયેલા છે.

 • 13,260 કર્મચારીઓ પીજીવીસીએલ સાથે જોડાયેલા છે
 • 246 સબ ડિવિઝનો સૌરાષ્ટ્ર-કચ્છમાં કાર્યરત છે
 • 45 ડિવિઝનો પીજીવીસીએલ વર્તુળમાં જુદા-જુદા સ્થળોએ આવેલા છે.
 • 99,771 સ્ક્વેર કિલોમીટરમાં પીજીવીસીએલની કાર્યક્ષેત્ર છે

સીધી વાત: વરુણકુમાર બરનવાલ, એમડી, PGVCL
મીટરની કિંમત 6000 છે, ગ્રાહકે પૈસા ચૂકવવાના નથી પ્રોજેક્ટ ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે?
જવાબ: આવતા સપ્તાહે કંપની સાથે મિટિંગ છે, તેમાં નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા કરીશું, 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો થશે.

સ્માર્ટ મીટરની કિંમત કેટલી છે? તેના પૈસા ગ્રાહકો પાસેથી વસૂલાશે?
જવાબ: એક મીટરની કિંમત રૂ.6000 છે, ના, ગ્રાહકો પાસેથી કોઈ પૈસા નહીં લેવાય, તમામ રકમ PGVCL ચૂકવશે.

સ્માર્ટ મીટરથી પાવરચોરી બંધ થશે?
જવાબ: બંધ થશે એમ નહીં કહી શકીએ પરંતુ અંકુશ આવશે.

સ્માર્ટ પ્રિ-પેઈડ મીટરમાં સીમકાર્ડ આવશે? કેવી રીતે કામ કરશે?
જવાબ: હા, મીટરમાં સીમકાર્ડ આવશે, મોબાઈલની જેમ જ કામ કરશે, રીચાર્જ કરશો એટલી વીજળી વાપરવા મળશે.

ગ્રાહકોને શું ફાયદો થશે?
જવાબ: ઘણા ફાયદા છે. બિલ ભરવા ધક્કા બંધ થશે, મીટર રિડિંગ બંધ થશે, ખૂદ વપરાશ ચેક કરી શકશે, દિવસે-રાત્રે કેટલો વપરાશ તે પણ ચેક કરી શકશે.

સીમકાર્ડ જેવી જ હશે પ્રિ-પેઈડ મીટરની સમગ્ર સિસ્ટમ
સ્માર્ટ મીટરમાં મીટર રિડરની જરૂર જ રહેશે નહીં. સ્માર્ટ મીટરમાં બિલિંગ સાઈકલ પૂરી થયે રિડિંગ સીધું કંપનીમાં પહોંચી જશે. સમગ્ર પ્રક્રિયા મોબાઈલના પ્રિ-પેઈડ સીમકાર્ડ જેવી હશે. મધ્યમવર્ગના ગ્રાહકોને તેથી લાભ થશે. હવે માસિક ચૂકવણીના બદલે જરૂરિયાત મુજબ અનુકૂળ દિવસો કે કલાકો માટે પણ ચૂકવણી થઈ શકશે.

કંટ્રોલરૂમમાં બેઠા બેઠા બિલ ન ભરનારનું કનેક્શન કપાશે
આ તમામ સ્માર્ટ મીટરને વીજકંપનીમાં બનેલા કંટ્રોલરૂમથી જોડવામાં આવશે. કર્મચારી સ્કાડા સોફ્ટવેર દ્વારા કંટ્રોલ રૂમથી મીટર રિડિંગ નોટ કરી શકશે. આ સાથે જો કોઇ મીટરની સાથે છેડછાડ કરે છે તો તેનો સંકેત કંટ્રોલ રૂમમાં મળશે. કોઇ ગ્રાહક સમય મુજબ વીજળી બિલ ભરતો નથી, તો કંટ્રોલરૂમથી જ તેનું મીટર કનેક્શન પણ કાપી નાખવામાં આવે છે.

ગણિત - 3 વર્ષમાં ટાર્ગેટે પહોંચવા રોજ 5114 મીટર લગાવવા પડે
PGVCL દ્વારા આગામી ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક રખાયો છે. નિયત સમયમર્યાદામાં ટાર્ગેટ પૂરો કરવા માટે દિવસ માત્ર 1095 છે અને મીટર 56 લાખ કરવાના છે એટલે કે પ્રત્યેક દિવસે 5114 મીટર ફિટ કરવા પડે. જો કે આગામી સપ્તાહે વીજકંપનીમાં આ અંગે એક ખાસ મિટિંગ પણ બોલાવી છે.

અન્ય સમાચારો પણ છે...