ભાસ્કર એનાલિસિસ:સ્માર્ટ સિટી માટે 556 કરોડ ખર્ચાયા, 65% કામ પૂર્ણ, ‘જો’ 500 કરોડ મળે ‘તો’ માર્ચમાં તૈયાર થશે

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • નવા ટેન્ડર અને આયોજન પર લગામ બાદ કેન્દ્રએ છ મહિનાથી નથી આપી ગ્રાન્ટ
 • દેશના 100 શહેરમાંથી માત્ર રાજકોટ અને રાયપુરે જ નવા સ્થળે આખું સ્માર્ટ સિટી વસાવવાનો નિર્ણય લીધો

રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી સ્માર્ટ સિટી માટે થઈ છે, દેશમાં આવા 100 શહેર પસંદ થયા છે જેમને સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે જેમાં રાજ્ય સરકાર અને જે તે કોર્પોરેશને પણ ફાળો આપવાનો હોય છે.

રાજકોટ સ્માર્ટ સિટીમાં શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ, સ્માર્ટ સિગ્નલ, ફાયબર નેટવર્ક કેબલ સહિતના કામો થયા છે જેમાંથી મોટાભાગના કામ પૂરા થઈ ગયા છે પણ સૌથી મોટો પ્રોજેક્ટ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવર છે. આ બંને પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 556 કરોડ રૂપિયા વપરાઈ ગયા છે અને 65 ટકા કામ પૂરું થઈ ગયું છે આ કામગીરી માર્ચ સુધીમાં પૂરી થઈ જશે અને રાજકોટ શહેરમાં નવું આકર્ષણ ઊભું થશે પણ હાલ ગ્રાન્ટના પ્રશ્નોને કારણે પ્રોજેક્ટ ઠંડો પડી રહ્યો છે.

રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શહેરની પાયાની સુવિધાઓને રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવરી લેવાઈ છે અને સાથે જ અટલ સરોવર પણ તૈયાર કરાઈ રહ્યું છે જેનું કામ 70 ટકાએ પહોંચી ગયું છે. સ્માર્ટ સિટી મિશનમાં છેલ્લા 8 મહિનાથી કેટલાક પ્રતિબંધો લાગી રહ્યાં છે. સૌથી પહેલા તો નવા ટેન્ડર કરવા માટે પૂર્વ મંજૂરી કહી સદંતર મનાઈ ફરમાવી દેવાઈ છે. બાદમાં ગ્રાન્ટ મામલે ખુલાસા પૂછાઈ રહ્યાં છે. નિયમ મુજબ કેન્દ્ર સરકાર જે ગ્રાન્ટ આપે તેનાથી અડધી ગ્રાન્ટ રાજ્ય સરકારે આપવાની તેમજ જે તે શહેરે પણ ફાળો આપવાનો છે.

ઘણા સ્થળોએ એવી બાબત ધ્યાને આવી હતી કે, સ્માર્ટ સિટીમાં સૌથી પહેલા કેન્દ્રની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે આ કારણે ફંડનો વપરાશ યોગ્ય ન થતા માત્ર ફિઝિકલ પ્રોગ્રેસ મુજબ ગ્રાન્ટ આપવાને બદલે ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ પણ જોવાઈ રહી છે. રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેર ફિઝિકલ પ્રોગ્રેસમાં 65 ટકાએ છે જ્યારે ફાઇનાન્સિયલ પ્રોગ્રેસમાં 60 ટકાએ છે.

હાલની સ્થિતિએ ગ્રાન્ટ આપવામાં નિયમો કડક કરી દેવાતા શહેરી તંત્રોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એટલે કે પાયાથી શહેર ઊભું કરતા બંને શહેરને સમસ્યા ઊભી થઈ શકે છે. અત્યારે જેટલી ગ્રાન્ટ આવી છે જે વપરાઈ ગયા બાદ નવી ગ્રાન્ટ માટે સ્માર્ટ સિટીના મિશન ડિરેક્ટર સહિતનાઓને અત્યારથી જ પત્રો લખાઈ રહ્યાં છે.

અને માંગ કરાઈ છે કે, કેન્દ્ર સરકાર તાત્કાલિક 150 કરોડ આપે તો તેમાં રાજ્ય અને રાજકોટ મહાનગરપાલિકા પોતાનો હિસ્સો આપીને ઝડપથી કામ પૂરું કરાવી શકે છે પણ રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે કે, રાજકોટ સહિત તમામ શહેરોને હવે ગ્રાન્ટ મેળવવામાં નાકે દમ આવી જશે. જો ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળતા મળે અથવા તો મોડું થાય તો સ્માર્ટ સિટી રૈયા માટે સમસ્યા થઈ શકે છે.

કારણ કે હાલ ત્યાં ડ્રેનેજ, યુટિલિટી ડક, પીવાના પાણી જેવા ભૂગર્ભના કામો તેમજ મેટલિંગના કામો થયા છે હવે જ સપાટી પરના કામ આવ્યા છે જો તે નહિ થાય તો રાજકોટ મહાનગરપાલિકા પોતાના બજેટમાંથી ત્યાં ખર્ચ કરી શકે તેટલી સક્ષમ છે જ નહીં તેથી હવે સ્માર્ટ સિટીનું સપનું જો અને તો પર અટકાયું છે.

રેન્કિંગમાં ફોર્મ્યુલા બદલાતા રાજકોટ છેવાડે પહોંચી ગયું
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમયાંતરે રેન્કિંગ જાહેર કરાતા હતા જેમાં રાજકોટ શહેર ટોપ-10માં પણ આવી ચૂક્યું છે પણ હાલ તળિયે છે. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સૌથી પહેલા તેના ફોર્મ્યુલામાં ક્યું શહેર કેટલા કામ શરૂ કરે છે તેના આધારે હતું. રાજકોટ અને રાયપુરે એકસાથે બધા કામ ચાલુ કરી દીધા હતા અને રાજકોટે તો મોટાભાગના કામ માટે સિંગલ ટેન્ડર સિસ્ટમ અપનાવી હતી. બાદમાં ફોર્મ્યુલા બદલાઈ હતી અને જેમ જેમ કમ્પ્લીશન સર્ટિ. મળે તેમ તેમ માર્ક ગણાતા હતા. રાજકોટે એકસાથે બધા કામ શરૂ કરતા અને એક જ એજન્સી હોવાથી અલગ અલગ સર્ટિ. અપાઈ તેમ ન હોવાથી માર્ક મળતા નથી. જોકે માર્ચ સુધીમાં બધા કામ પૂરા થતા એકદમથી રેન્ક વધી ટોપ-10માં આવી શકે છે.

રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ સુવિધાઓ

 • પીવાના પાણીની લાઈન
 • ટ્રીટેટ પાણીની લાઈન
 • ડ્રેનેજ
 • સ્ટોર્મ વોટર ડ્રેનેજ
 • ડ્રેનેજ
 • ફૂટપાથ
 • સાઇકલ ટ્રેક
 • પાવર એન્ડ યુટિલિટી ડક
અન્ય સમાચારો પણ છે...