ભાસ્કર એનાલિસિસ:બે વર્ષમાં 55 પાણીકાપ; સફાઈ, નર્મદા લાઈનના શટડાઉનને કારણે શહેરીજનોને સરેરાશ મહિને બે વખત પાણી ન મળ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજનનો અભાવ, અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રકચર, પરિણામે પાણીકાપ
  • 12 વખત લાઈન અને વાલ્વમાં ભંગાણ થયા, 14 વખત GWILએ લાઈન બંધ કરી દીધી, મનપાએ હથિયાર હેઠા નાખી વિતરણ અટકાવી દીધું

રાજકોટ શહેરમાં પાણીકાપ ઝિંકાઈ રહ્યા છે જો કે વિપક્ષી નેતાએ પૂછેલા સવાલમાં આપેલા જવાબનું વિશ્લેષણ કરતા માત્ર બે જ વર્ષમાં 55 વખત કાપ નાખીને શહેરીજનોને પાણીવિહોણા રાખવામાં આવ્યા છે જેમાં સૌથી મોટા કારણોમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટ અને ટાંકાઓની સફાઈ તેમજ નર્મદાનું પાણી લાવતી લાઈનમાં શટડાઉન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં જે પણ ઈએસઆર એટલે કે પાણીના વિશાળ ટાંકાઓ છે તેમજ ફિલ્ટર પ્લાન્ટની છે તેની નિયમિત સફાઈ કરવી જરૂરી છે પણ જો સફાઈ કરવી હોય તો લાઈન બંધ રાખવી પડે તેને કારણે વિતરણ પણ બંધ રહે છે કારણ કે મનપા પાસે બીજી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી.

બીજી તરફ 30 ટકા જેટલો જળજથ્થો રાજકોટને નર્મદાલાઈનથી અપાય છે જે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કે જે સરકાર હસ્તકની કંપની છે તે સંભાળે છે. આ લાઈનમાં બે બે વખત પમ્પિંગ કરીને પાણી પહોંચાડાય છે તેથી ટેક્નિકલ ખરાબી અને મરામત માટે લાઈન બંધ થાય તો પણ 30 ટકા રાજકોટ પાણીવિહોણું રહે છે. આ બંને કારણોસર રાજકોટમાં બે વર્ષમાં 28 વખત પાણીકાપ ઝીંકાયો છે.

રાજકોટમાં બ્રિજના કામો ચાલી રહ્યા છે તેના કારણે લાઈન શિફ્ટિંગ અને નવા જોડાણ તેમજ વાલ્વ ફિટ કરવા જેવા કામો માટે પણ લાઈન બંધ કરવી પડે છે જેથી 12 વખત પાણીકાપ આવ્યો છે. આ ઉપરાંત અવારનવાર પાણીની લાઈનોમાં ભંગાણ પડે છે. ઘણા કિસ્સાઓમાં રાતો રાત રિપેર કરાય છે જેથી પાણીવિતરણ મોડુ થાય છે પણ ઘણી વખત ભંગાણ વધારે મોટા તેમજ લાઈન ઊંડી હોવાથી ફરજિયાત પાણીકાપ રાખવો પડે છે. આવા 12 બનાવ બની ચૂક્યા છે.

એક જ દિવસમાં 3 ભંગાણ, રાતોરાત રિપેરિંગ
​​​​​​​શહેરમાં ન્યારી ડેમથી રૈયાધાર પ્લાન્ટ સુધી જતી એક્સપ્રેસ ફિડર લાઈનમાં ગત રાત્રીના એક જ સાથે 3 જગ્યાએ ભંગાણ થયા હતા. વોટર વર્કસના સિટી એન્જિનિયરના જણાવ્યા અનુસાર સડાને કારણે લાઈન તૂટી હતી પણ જાણ થઈ જતા ટીમ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરાયું જેને કારણે સવારે પાણીના વિતરણને કોઇ અસરથઈ નથી.

સંગ્રહક્ષમતા વધે તો પાણીકાપની સંખ્યા અડધી થાય, બે વર્ષથી મુદ્દો પેન્ડિંગ

​​​​​​​ઉકેલ:- રાજકોટ મહાનગરપાલિકા પાસે પાણી પૂરું પાડવાની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી. હાલ રાજકોટને જે દૈનિક 325 એમએલડી પાણી અપાય છે તે પણ 300ની ક્ષમતાના પ્લાન્ટમાંથી ધરાર ઉલેચાય છે. મનપા પાસે એક ઝોનનું પાણી બીજા ઝોનમાં લઇ જવા પાણીની લાઈન તો છે પણ તેને ફિલ્ટર કરી પહોંચાડી શકાય તેટલી ક્ષમતા જ નથી. આ કારણે જો નર્મદા લાઈનથી આવતું 100 એમએલડી પાણીમાંથી અડધું પાણી પણ કોઇ કારણસર મળતું બંધ થાય તો પણ મનપાને પાણીકાપ આપવો પડે છે. આ સમસ્યાનુ સૌથી મોટું કારણ એ છે કે મનપા પાસે પાણીની પૂરતી સંગ્રહ ક્ષમતા જ નથી. બે વર્ષ પહેલાના બજેટમાં 150 એમએલડીના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જોગવાઈ કરાઈ હતી જો આ બંને પ્લાન્ટ તૈયાર થાય તો રાજકોટની પાણીની સંગ્રહ અને ફિલ્ટર ક્ષમતા બમણી થઈ જાય જેથી જો કોઇ એક સ્ત્રોતમાંથી પાણીની અછત આવે તો સંગ્રહિત કરેલા પાણીથી તેટલી ઘટ પૂરી કરી શકાય છે. આ બંને પ્લાન્ટ પાછળ આશરે 300 કરોડ રૂપિયા જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે જે મનપા ખર્ચ કરી શકે નહિ તેથી રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માગ કરાઈ છે જો કે હજુ સુધી આ ફાઈલ માત્ર ફિઝિબિલીટી રિપોર્ટ પૂરતી જ મર્યાદિત રહી છે.

અન્ય સમાચારો પણ છે...