તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ધોરણ 12ના 54% વિદ્યાર્થીઓને પરીક્ષા ફોબિયા, 27% ને મૂડ ડિસઓર્ડર, 22% ને ભોજન અરુચિ, 18%ને ઊંઘમાં તકલીફ

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પરીક્ષાના એક મહિના અગાઉ જ બોર્ડના 621 વિદ્યાર્થીના કરેલા સરવેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી

હાલના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ કે અન્ય માનસિક બીમારીઓનો ભોગ બનેલા છે. ધોરણ 12ની પરીક્ષાને આડે હવે એક માસનો સમય બાકી રહ્યો છે ત્યારે જ બોર્ડના 621 વિદ્યાર્થીના કરાયેલા સરવેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. વિદ્યાર્થીઓમાં સ્વભાવમાં ચીડિયાપણું, મૂડ ડિસઓર્ડર અને ભવિષ્યની ચિંતા જોવા મળી રહી છે.

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની ભટ્ટ કર્તવી અને પ્રોફેસર ડૉ.ધારા આર. દોશીએ ધોરણ 12ના 621 બાળકનો સંપર્ક કર્યો હતો. બાળકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. મોટાભાગના વાલીઓ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા અનુભવે છે કે પરીક્ષા આપવા જાય અને કશું થઈ જશે તો! ધોરણ 12ના 54% વિદ્યાર્થીઓને પરીક્ષા ફોબિયા, 27% ને મૂડ ડિસઓર્ડર, 22% ને ભોજન અરુચિ, 18%ને ઊંઘમાં તકલીફ સહિતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

બાળકોનો શાળામાં જે વિકાસ થતો તે એક વર્ષમાં રૂંધાયો

 • 54% વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફોબિયા એટલે કે પરીક્ષાનો ભય જોવા મળ્યો છે. બાળકો આખું વર્ષ ઓનલાઇન ભણ્યા અને હવે ફાઇનલ પરીક્ષામાં પેપર સમયે વાંચેલું ભુલાય જશે તો, પરીક્ષામાં વ્યવસ્થિત જવાબ લખી શકાશે તેવો બાળકોમાં ભય જોવા મળ્યો.
 • બાળકો એક વર્ષ થી ઘરમાં છે. જેના કારણે 27%માં મૂડ ડિસઓર્ડર જોવા મળે છે. બાળકોનો શાળામાં જે વિકાસ થતો હોય તે વિકાસ આ એક વર્ષમાં રૂંધાયો છે. હાલ ઘરે હોવાથી બાળકો અંદરો અંદર મૂંઝાય છે પરિણામે બાળકો ચીડિયા બન્યા છે અને નાની વાતમાં ગુસ્સે થાય છે.
 • 22% બાળકોને ભોજન અરુચિ છે. બાળકોનો ખોરાક ઓછો થઈ ગયો છે. તેનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે, ચિંતાના કારણે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે. શરીર વધારે માત્રમાં એસિડ અને શર્કરા બનાવે છે જેની અસર પાચનક્રિયા પર પડે છે.
 • બાળકો મોટાભાગનો સમય ઘરમાં રહે છે. કોઈ શારીરિક કસરત થતી નથી, બાળકો થાકતા નથી. આ સિવાય સતત મોબાઈલ અથવા ટીવી સ્ક્રીન સામે રહેતા હોવાથી 18% બાળકોને ઊંઘમાં તકલીફ છે. બાળકો રાત્રે મોડે સુધી સૂઈ નથી શકતા જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે.

ઉકેલ : બાળકો સાથે ભણવા સિવાયની અન્ય વાતો કરવી

 • માતાપિતાએ બાળકો સાથે ભણવા સિવાયની અન્ય વાતો પણ કરવી જોઈએ.
 • ક્યારેક બાળક ઘરમાં રહીને કે અભ્યાસથી કંટાળી ચીડાય તો તેનું કારણ સમજીને તેની સાથે વર્તન કરવું.
 • બને ત્યાં સુધી બાળકો સામે નકારાત્મક સમસ્યાઓની ચર્ચા ટાળવી.
 • આર્થિક સમસ્યાઓની બાળકોને જાણ હોવી જરૂરી છે, પરંતુ તેની સતત ચર્ચા બાળકોની સામે ન કરવી.
 • ઘરનું વાતાવરણ બને ત્યાં સુધી સકારાત્મક અને શાંત રાખવું.
 • બાળકોની સાથે તેને ગમતી રમત રમવી.
અન્ય સમાચારો પણ છે...