રાજકોટની ગ્રામ્ય પ્રજા સાયબર ક્રાઇમથી અજાણ:54%ને સાયબર ફ્રોડ શું તેની ખબર જ નથી, 63% લોકો નેટ બેન્કિંગ કરતા ડરે છે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શહેર, રાજ્ય અને દેશ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્જેક્શન જોખમરૂપ બન્યું છે. સાયબર ક્રાઇમના ગુનામાં દિવસેને દિવસે વધારો થતાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડ અંગે સર્વે કરવામાં આવ્યો હતો.

6372 લોકો પર સર્વે કરવામાં આવ્યો
જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તથા અધ્યાપક ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી અને ડો. હસમુખ ચાવડાના માર્ગદર્શનમાં ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દ્વારા 6372 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. 54% ગ્રામ્ય પ્રજા સાયબર ક્રાઇમથી અજાણ છે જયારે 63% લોકો નેટ બેન્કિંગ કરતા ડર અનુભવે છે

સર્વેના તારણો

 • 45% હેકિંગથી અજાણ
 • 46%ના મતે ઈન્ટરનેટથી ગુનાખોરી વધી
 • 18% ફેક આઇડી, 4% ફેક ન્યુઝ, 3% નંબરથી છેતરાયા
 • ઈન્ટરનેટમાં 9% પાસે સહાયના નામે છેતરપિંડી થઈ
 • 81%ના મતે સાયબર બુલિંગથી અજાણ
 • 50% સોશિયલ મીડિયાના કાયદાથી અજાણ છે
 • 54%ને ઓનલાઈન શોપિંગ પર ભરોસો નથી

સાયબર ક્રાઇમ કોને કહેવાય?
કોમ્પ્યુટર, નેટવર્ક અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગથી કોઈપણ વ્યક્તિને નુકસાન કરવાના ઇરાદે કોઈ ગુનો કરે તેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધમકી, નાણાંકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે. હાલના સમયે સોશિયલ હેરેસમેન્ટ અને નાણાંકીય ફ્રોડના બનાવ વધુ બનતા હોય છે જેને અટકાવવા ખૂબ જ જરૂરી છે.

સાયબર ક્રાઇમથી બચવા શું ધ્યાન રાખવું

 • ફોન અને એકાઉન્ટના પાસવર્ડ બદલતા રહેવું.
 • ઓનલાઇન શોપિંગમાં બને ત્યાં સુધી કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો
 • વિવિધ શાળા, કોલેજો માં જાગૃતિ આપવી જોઈએ.
 • અજાણ્યા નંબરથી આવતા વીડિયો અટેન્ડ ન કરવા
 • કોઈપણ એપમાં વાચ્યા વગર "Allow" ના વિકલ્પ ને પસંદ ન કરવો
 • ઓનલાઇન સ્કીમની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ તેનો ઉપયોગ કરવો
અન્ય સમાચારો પણ છે...