નોટા ઉમેદવારોનું ગણિત બગાડશે!:રાજકોટના 5.11 લાખ મતદારો વોટિંગથી અળગા રહ્યા, નોટાની ગણતરી બાકી, 8મીએ સસ્પેન્સ ખૂલશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં દસે'ક ટકાના વધારા સાથે રાજકોટમાં મતદાન સીત્તેર ટકા આસપાસ પહોંચાડવાની ચૂંટણી તંત્રની ગણતરી- મથામણ હતી છતાં મતદાન 60.62 ટકાએ જ સીમિત રહી ગયું છે ત્યારે અન્ય દ્રષ્ટિએ જોતાં જિલ્લામાં 23,07 લાખમાંથી 9.08 લાખ મતદારો મતદાન વિમુખ રહ્યા છે. જે શહેરે મુખ્યમંત્રી અને વડાપ્રધાન પણ આપ્યાં છે એ રાજકોટમાં જ 12.78 લાખ પૈકી 5.11 લાખ મતદારોએ તો મત આપવા માટે ઘર બહાર નીકળવાનું જ ટાળીને શાસક- વિપક્ષ સહિત સહૂ રાજકારણીઓને નારાજગીનો સ્પષ્ટ અણસાર આપ્યો છે, તો હજુ 'નોટા' મતો નીકળવા તો બાકી જ છે!

મતદારો મતદાનથી વિમુખ
રાજકોટ પૂર્વ મતવિસ્તારના 54196 પુરૂષ મતદારો અને 58286 મહિલા મતદારો, રાજકોટ પશ્ચિમમાં અનુક્રમે 70508 અને 81434, રાજકોટ દક્ષિણમાં 48554 અને 57588 તેમજ રાજકોટ ગ્રામ્યમાં 63355 પુરૂષો તથા 75249 મહિલા મતદારોએ મતદાન ટાળ્યું છે. જસદણમાં કુલ 96176 , ગોંડલમાં 85000, જેતપુરમાં 1,01,230 તથા ધોરાજી મતવિસ્તારમાં મહત્તમ- 1,14,917 મતદારો મતદાન વિમુખ રહ્યા છે.

ઉદાસિનતા કામ કરી ગઈ
લગ્નસરાની સીઝન નડી ગયાનાં હાથવગાં બહાના વચ્ચે વાસ્તવમાં શહેરમાં મોંઘારત, બેરોજગારી, કથળેલી માળખાંગત સુવિધા વગેરે મુદ્દે અનેક લોકોની 'કોઈને પણ ચૂંટીએ તો પણ ફરક ક્યાં કશો પડવાનો છે' એવી ઉદાસિનતા પણ ક્યાંક ને ક્યાંક કામ કરી ગઈ છે, તો ગામડાંમાં કૃષિ પેદાશોના સરખા ભાવ નહીં મળતા હોવાથી માંડીને ભંગાર રસ્તા, કંગાળ આરોગ્ય સવલત સહિતના મુદ્દે અનેક લોકોને શાસક કે વિપક્ષ કોઈને માથે બેસાડવાનો જાણે ઉત્સાહ રહ્યો નથી એવી છાપ ઉપસી છે.

'નોટા' ગણિત બગાડશે!
પડેલાં 60 ટકામાંથી જેને- જેને વધુ મત નીકળશે એ વિજેતા જાહેર થશે, પરંતુ વાસ્તવમાં તે બહુમત તો નહીં જ હોય! હજુ તા. 8મીએ મતગણનામાં કંઈ કેટલાંય 'નોટા' મત નીકળે અને એ રીતે પણ અનેક મતદારો તેમને કોઈ ઉમેદવાર પસંદ ન હોવાનું જણાવે એ સંભાવના તો છે જ. ઓબ્ઝર્વર તથા રિટર્નિંગ ઓફિસરોએ કાઉન્ટિંગ સેન્ટર પર જે- તે વિસ્તારના ઉમેદવારો સાથે ચર્ચા કરીને મતદાન પ્રક્રિયા સામે વાંધા- સૂચન હોય તો જણાવવા કહ્યું હતું, તેમજ અસામાન્ય ઓછાં- વધુ મતદાન ધરાવતાં બૂથોની પ્રિસાઈડિંગ ડાયરી વગેરેની ચકાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...