સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટે EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠક મળે છે, જ્યારે પેપર કાઢવામાં ભૂલ કરનાર અધ્યાપકોને સજા માટે EDIC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી ઇન્ક્વાયરી કમિટી)ની બેઠક બોલાવવાની હોય છે.
પરંતુ છેલ્લા બે વર્ષમાં પરીક્ષામાં ચોરી કરતા, ગેરરીતિ કરતા, મોબાઈલ સાથે પકડાયેલા, ચિઠ્ઠી સાથે પકડાયેલા કે ડમી વિદ્યાર્થી બેસાડ્યો હોય એવા કેસમાં પકડાયેલા 500થી વધુ વિદ્યાર્થીઓને 1થી લઈને 8 સેમેસ્ટર સુધી સસ્પેન્ડ કરવાની સજા ફટકારવામાં આવી છે એટલે કે, આ વિદ્યાર્થીઓ છ માસથી લઈને ચાર વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં પેપરમાં ભૂલ રહી ગઈ હોય, પેપરમાં માર્કમાં ભૂલ રહી હોય, શબ્દ કે વાક્યમાં ભૂલ રહી હોય, પેપરમાં ઓપ્શન આપવામાં ભૂલ રહી હોય તો પેપર કાઢનાર પ્રોફેસર સામે શિક્ષાત્મક પગલાં લેવાય છે પરંતુ યુનિવર્સિટીના જ સત્તાધીશો પ્રોફેસરોને છાવરી રહ્યા હોય એમ છેલ્લા ઘણા સમયથી EDICની મિટિંગ જ બોલાવી નથી.
યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટે ઈડીએસીની મિટિંગ 4 ફેબ્રુઆરી-2020, 3 માર્ચ-2020, 20 ઓક્ટોબર-2020, 29 ડિસેમ્બર-2020, 28 જાન્યુઆરી-2021, 12 જુલાઈ-2021, 13 સપ્ટેમ્બર-2021, 20 ઓક્ટોબર-2021, 17ડિસેમ્બર-2021, 18 ફેબ્રુઆરી-2022, 2 માર્ચ-2022, 22 માર્ચ-2022, 27 એપ્રિલ-2022ના રોજ મળી હતી. બે વર્ષમાં ઈડીએસીની 13 બેઠક મળી અને 500થી વધુ વિદ્યાર્થીઓને સજા ફટકારી પરંતુ પેપરમાં ભૂલ કરનાર પ્રોફેસરોને સજા ફટકારવા માટે છેલ્લા કેટલાક વર્ષથી મિટિંગ જ બોલાવતા નથી.
એક લાખથી વધુનો પગાર લેતા પ્રોફેસરને માત્ર ઠપકો?
યુનિવર્સિટીએ પેપર કાઢનાર પ્રોફેસરે ભૂલ કરી હોય તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા મિટિંગ બોલાવી નથી. અત્યાર સુધીમાં જુદા જુદા 22 જેટલા કેસ પ્રોફેસરો સામે થયા છે જેનો નિર્ણય ઈડીઆઈસીમાં કરવામાં આવશે. ગેરરીતિ કરનાર વિદ્યાર્થી સામે જેમ યુનિવર્સિટી કડક કાર્યવાહી કરે છે તેમ પ્રોફેસરો સામે પણ કરી શકશે કે માત્ર ઠપકો આપીને છોડી મૂકશે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.