બી.આઈ.એસ.ના દરોડા:હોલમાર્ક મુદ્દે ગેરરીતિ કરતા 2 વેપારીનું 500 ગ્રામ સોનું જપ્ત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝટકા મશીનનું લાઈસન્સ વિના વેચાણ થતું’તું
  • ચાર પેઢી પર બી.આઈ.એસ.ના દરોડા

રાજકોટમાં સાધુવાસવાણી રોડ ખાતે આવેલા વિજય ભગત ગોલ્ડ સ્મિથ એન્ડ જ્વેલર્સ અને ભાવનગર રોડ નજીક સ્થિત ગજાનન જ્વેલર્સ ખાતે બીઆઈએસ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આ સિવાય અમરેલી ખાતે આવેલા મેસર્સ ક્રિષ્ના ઈલેક્ટ્રિક એન્ડ મોટર રિવાઇડિંગ પેઢી અને રાજકોટ ખાતે આવેલા એચ.વી. એન્ટરપ્રાઈઝ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી.

આ પેઢીના માલિકે બીઆઈએસનું લાઇસન્સ લીધું ન હતું અને ઝટકા મશીન પર જાતે જ માર્કો લગાવીને તેનું વેચાણ કરતા હતા. જ્યારે સોની વેપારીઓ ખોટા હોલમાર્ક અને હોલમાર્ક વગર દાગીનાનું વેચાણ કરતા હતા. બન્નેને ત્યાંથી મળીને 500 ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા અધિકારી એસ.ડી.રાણેએ જણાવ્યું હતું કે, કુલ ચાર જગ્યાએ દરોડા પાડ્યા હતા. સોની વેપારીઓએ ખોટી રીતે દાગીના પર હોલમાર્ક લગાવીને તેનું વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે એક પેઢીના માલિકે તો હોલમાર્કનું લાઇસન્સ લીધું જ નહોતું. આ કામગીરીમાં કુલ પાંચથી વધુ અધિકારી અને કર્મચારીની ટીમ જોડાઈ હતી. જ્યારે અન્ય બે પેઢીના માલિક ખેતીના ઉપયોગમાં લઈ શકાય તે સાધનોનું વેચાણ કરતા હતા. જેમાં લાઇસન્સ લીધા વગર તેનું વેચાણ કરવામાં આવતું હતું. ચારેય સ્થળેથી માલ-સામાન કબજે કરવામાં આવ્યો છે. આ કેસ કોર્ટમાં ચાલશે અને કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...