પરીક્ષાની તૈયારી:સોશિયલ ડિસ્ટન્સથી ધો.12ની પરીક્ષા લેવા રાજકોટમાં 500 ક્લાસ ફાળવાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાયન્સ-કોમર્સની પરીક્ષા માટે 2 હજાર વર્ગ નક્કી કરાયા: કરણસિંહજી સ્કૂલમાં પેપર રખાશે

ધોરણ 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા આગામી તારીખ 1 જુલાઈથી લેવાનાર છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લેવાઈ રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સથી બેઠક વ્યવસ્થા ગોઠવવા ગયા વર્ષ કરતા આ વર્ષે 500 ક્લાસરૂમ વધુ ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષે ધોરણ 12 કોમર્સમાં એક હજાર જેટલા બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આ વર્ષે 1500 ક્લાસરૂમ ફાળવાયા છે. જેમાં ધોરણ 12 કોમર્સના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં પરીક્ષાના કેન્દ્ર, બિલ્ડિંગ, બ્લોક નક્કી કરાયા છે. તેમજ પ્રશ્નપત્ર પણ શહેરની કરણસિંહજી સ્કૂલના સ્ટ્રોંગરૂમમાં રખાશે.

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા જણાવે છે કે, એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થી જ બેસાડવાના હોવાથી વર્ગની સંખ્યા વધુ થશે. ધો.12 સાયન્સમાં 6 કેન્દ્ર, 52 બિલ્ડિંગ અને 560 બ્લોકમાં અંદાજિત 11500 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. જ્યારે ધોરણ 12 સમાન્ય પ્રવાહમાં 20 કેન્દ્રમાં 156 બિલ્ડિંગ અને 1500 જેટલા બ્લોકમાં 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં વીંછિયા, રૂપાવટી, ધોરાજી, ગોંડલ, જેતપુર, જસદણમાં કેન્દ્ર અપાયા છે.

લોધિકા અને કોટડાસાંગાણીના વિદ્યાર્થીઓએ રાજકોટ આવવું પડશે
રાજકોટ જિલ્લાના લોધિકા અને કોટડાસાંગાણીમાં ધોરણ 12ની પરીક્ષાનું કેન્દ્ર નહીં અપાયું હોવાને કારણે અને નજીકમાં અન્ય કોઈ કેન્દ્ર નહીં હોવાને કારણે અહીંના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા રાજકોટ શહેરમાં આવવું પડશે. આ ઉપરાંત લોધિકા અને કોટડાસાંગાણીથી સૌથી નજીકનું કેન્દ્ર રાજકોટ હોવાથી અને વિદ્યાર્થીઓને સરળતાથી વાહન વ્યવહારની પણ સુવિધા મળી જતી હોવાથી રાજકોટ સિટીમાં કેન્દ્ર ફાળવાય શકે છે.

સાયન્સમાં 50% MCQ, 50% થિયરી
ધોરણ 12 સાયન્સની પેપર સ્ટાઈલ પણ સરળ બનાવી છે જેમાં વિદ્યાર્થીને 50 ટકા પ્રશ્નો એમસીક્યુ આધારિત પૂછાશે અને બાકીના 50 ટકા પ્રશ્નો થિયરી આધારિત પૂછાશે. નિષ્ણાતો જણાવે છે કે પ્રથમ વખત સાયન્સમાં આ બદલાવ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...