તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બેંકના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં રાજકોટમાં 16 બેંકના 500 કર્મચારીઓ હડતાળ પર, બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

રાજકોટ10 મહિનો પહેલા
રાજકોટના જ્યુબેલી ખાતે બેંકના કર્મચારીઓ એકત્ર થયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા - Divya Bhaskar
રાજકોટના જ્યુબેલી ખાતે બેંકના કર્મચારીઓ એકત્ર થયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા
  • બેંકની સાથોસાથ BSNL, LIC અને પોસ્ટલ યુનિયનના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા

બેંકના ખાનગીકરણના વિરોધમાં આજે દેશભરના બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રાજકોટની SBI સિવાયની 16 બેંકના 500 જેટલા કર્મચારીઓ આજે એક દિવસ હડતાળ પર ઉતર્યા છે. આજે બેંકના કર્મચારીઓ જ્યુબેલી ખાતે એકત્ર થઈ બેનર બતાવી સુત્રોચ્ચાર કર્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આજે 5 હજાર બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સૌરાષ્ટ્રમાં આજે બેંકના કર્મચારીઓની હડતાળથી 1 હજાર કરોડથી વધુ ક્લિયરિંગ ઠપ્પ થશે. બેંકના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થતા જોવા મળ્યાં હતા.

ખાનગીકરણના વિરોધમાં BSNLના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા
ખાનગીકરણના વિરોધમાં આજે બેંક હડતાલની સાથોસાથ દેશભરમાં BSNL, LIC અને પોસ્ટલ કર્મચારીઓએ પણ સજ્જડ હડતાળ પાડતા તમામ કચેરીઓ સૂમસામ ભાંસતી નજરે પડી હતી. BSNLના રાજકોટના 350થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 4G સેવા, ત્રીજુ પગારપંચ, પગાર અનિયમીત, મેડિકલ બિલ, મોંઘવારી ભથ્થામાં કાપ, પેન્શન સહિતના મુદ્દે BSNLના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

LIC અને પોસ્ટલ યુનિયનના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
આવી જ રીતે LIC દ્વારા પણ કર્મચારીઓએ હડતાળને ટેકો જાહેર કરી હડતાળ પર ઉતરી જતા પ્રિમીયમ ભરવા સહિતની કામગીરીને ભારે વિક્ષેપ પડ્યો છે. અરજદારોને ધક્કા થયા હતા, રાજકોટ ડિવીઝનના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયને પણ હડતાલને ટેકો જાહેર કર્યો છે. આમ રાજકોટમાં આ યુનિયનના 45 કર્મચારીઓ હડતાળમાં જોડાતા તમામ કામગીરી અટકી ગઈ છે. પોસ્ટલના અન્ય બે યુનિયનો લડતમાંથી ખસી જતા તેમાં જોડાયેલા કર્મચારીઓએ સામાન્ય કામગીરી ચાલુ રાખી છે.