ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં જ સોની બજારની ચમક ઝાંખી પડે છે. અહીં રોજ કરોડો રૂપિયાનો સ્થાનિક અને દેશભરમાં થાય છે. વેપારીઓ પોતાના જ અંગત માણસની સાથે માલ મગાવે છે કે મોકલે છે, તો કોઈ આંગડિયા પેઢી મારફત વ્યવહારો કરે છે. પરંતુ હાલ આચારસંહિતાને કારણે રોકડ-દાગીનાની હેરાફેરીને લઈને ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. તેથી હાલ 50 ટકા વેપાર-પાર્સલ આવતા બંધ થઈ ગયા છે. રોકડમાં અને આંગડિયા પેઢીમાં થતી હેરાફેરી થતી અટકી ગઈ છે.
અત્યારે સૌ કોઈ જોખી-જોખીને જ જોખમ લે છે. એટલું જ નહિ વેપારીઓને ચેકિંગના નામે થતા તોડની પણ બીક લાગે છે. રાજકોટમાં રોજ રાજસ્થાન, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા સહિત દેશ-દુનિયાભરમાં વેપાર થાય છે. રોકડની હેરફેર માટે જે રકમની મર્યાદા નક્કી કરવામાં આવી છે તે વધારવામાં આવે. કારણ કે અત્યારે એક દાગીનો પણ લાખો- કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. દરેક વખતે ચૂંટણી પંચની મંજૂરી લેવી અને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું મુશ્કેલ છે.
વેપારીઓએ ચૂંટણી પંચ સમક્ષ મદદ માગી કહ્યું કે, માર્ગદર્શન આપો
રાજકોટના વેપારીઓને દેશભરમાં પોતાનો વેપાર છે. સાધારણ રીતે દરેક દસ્તાવેજો સાથે રાખતાં જ હોય છે, પરંતુ હાલમાં સોના-ચાંદીના વેપાર અંગે ગમે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ચેકિંગ કરે તેની સામે વાંધો નથી. પરંતુ ખોટી રીતે હેરાનગતિ બંધ થવી જોઇએ. હાલમાં અત્યારે આચારસંહિતા લાગુ છે.
ત્યારે ક્યા મુદ્દાને ધ્યાને રાખીને કાળજી રાખવી જોઇએ? અને ક્યા ડોક્યુમેન્ટ સાથે રાખવા જેથી હેરાનગતિ ન થાય. તે માટે માર્ગદર્શન માગતો પત્ર ચૂંટણી કમિશનર, રાજ્ય ચૂંટણી આયોગને રજૂ કરાયો હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના સેક્રેટરી મયૂરભાઈ આડેસરા જણાવે છે.
કોને શું ડર છે?
માલ-મોકલનાર-મગાવનાર
કાયદેસર હોવા છતાં હાલ બીજા રાજ્ય કે શહેરમાંથી માલ મગાવવાનું અને મોકલવાનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. માલ-મોકલનાર અને મગાવનાર બન્નેને એક જ ડર સતાવી રહ્યો છે કે જો પાર્સલ પકડાઇ જશે તો કાયદેસર હોવા છતાં તેને સાબિત કરવામાં અને રિલીઝ કરવામાં બે દિવસથી લઈને એક સપ્તાહ જેટલો સમય નીકળી જાશે. કારણ કે દસ્તાવેજ રજૂ કરીએ અને ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
સ્થાનિક ખરીદનાર
સ્થાનિક ખરીદનાર પણ ડરમાંથી બાદ નથી. લગ્ન પ્રસંગ માટે જે સોનું ખરીદવું છે. એને એવો ડર સતાવી રહ્યો છે કે, સોનું ખરીદવા જતા કે વળતા ચેકિંગ દરમિયાન અટકાવાશે. ખુલાસો રજૂ કરવો પડશે અને કાયદાકીય પ્રક્રિયા માટે લગ્ન પ્રસંગમાં જ IT-પોલીસ કચેરીના ધક્કા ખાવા પડશે.
વેપારી
વેપારીઓ અત્યારે દુકાનમાં મર્યાદિત અને ઓર્ડર પૂરતો જ માલ રાખે છે. જો દુકાનમાં વધુ માલ રાખવામાં આવે અને ચેકિંગ આવે તો તેનો ખુલાસો રજૂ કરવો પડે. એટલું જ નહિ માલ મગાવીએ કે મોકલીએ અને તે અધવચ્ચે પકડાઈ જાય તો જે ઓર્ડર છે તેે સમયસર પૂરો કરવામાં મુશ્કેલી પડે. આમ વેપાર પર અસર થવાની સંભાવના છે.
હવે શું થશે?
ગુજરાતભરમાં મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ત્યાં સુધી હાલ આવો જ માહોલ રહેશે. હાલ અત્યારે લગ્નની ખરીદી પુરબહારમાં ચાલુ હોય છે. દુકાનમાં પગ મુકવાની જગ્યા હોતી નથી. તેના બદલે અત્યારે ચિત્ર તદન વિપરીત છે. મતગણતરી બાદ આચારસંહિતા દૂર થશે. ત્યારબાદ સોની બજારમાં વેપાર રાબેતા મુજબ થશે. જોકે આચારસંહિતામાં વેપારને અસર થશે તેની જાણ સૌ કોઈને હોવાથી કેટલાકે તો આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ કરોડો રૂપિયાના વેપાર- વ્યવહારો કરી લીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.