તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનાકાળમાં કરિયાણાની ખરીદીમાં 50 ટકા વધારો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આખું વર્ષ અનાજ બજારમાં તેજી રહી
  • પ્રથમ અને બીજી લહેર વખતે લોકડાઉનના ડરને કારણે ડિમાન્ડ અને ખરીદી બંને વધ્યા

કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે રાજકોટની અનાજ- કરિયાણાની બજાર તેજીમાં રહી હતી. આ બંને લહેર વખતે લોકોમાં એક જ ડર હતો કે લોકડાઉન લંબાશે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ નહીં મળે તો હેરાન થવું પડશે. આ કારણોસર લોકોએ જરૂરિયાત કરતા વધુ ખરીદી કરી હતી. પરિણામે રસોડામાં ઉપયોગી ચીજવસ્તુની ખરીદી વધુ રહી હતી. જે લોકોને 5 કિલો ચોખાની જરૂરિયાત હોય એમને 10 કિલો ચોખાની ખરીદી કરી. તો આ જ પરિસ્થિતિ તુવેરદાળ અને અન્ય ચીજવસ્તુમાં જોવા મળી હતી તેમ દાણાપીઠના વેપારી પ્રકાશભાઈ ઠકરાર જણાવે છે.

વધુમાં તેમના જણાવ્યાનુસાર કોરોનાની બીજી લહેર માર્ચ, એપ્રિલ અને મે માસમાં આવી હતી. આ સમય બારેમાસના ઘઉં અને મસાલા ભરવાની સિઝન હોય છે તેથી ખરીદી એમ પણ વધુ રહી હતી. આ સિવાય મહામારીને કારણે લોકો ઘરે જ અલગ અલગ વાનગી બનાવતા શરૂ થઈ ગયા હતા એટલે લોકોની રૂટિન કરતા જરૂરિયાત વધુ રહી હતી. સામાન્ય દિવસોમાં એક વેપારી અઠવાડિયે એક વખત માલનો ઓર્ડર આપતો હોય છે એના બદલે વેપારીઓને અઠવાડિયામાં બે વખત માલનો ઓર્ડર આપવો પડતો હતો.

ઘઉં, ચોખા, તુવેરદાળ, ચના, ચણાદાળ, તેલ, બારેમાસ વપરાતા મસાલા વગેરેની ડિમાન્ડ ડબલ રહી હતી.એકલા માત્ર ચોખા અને તુવેરદાળની જ ગણતરી કરીએ તો રાજકોટમાં દર મહિને 400 ગાડી ચોખા અને 400 ગાડી તુવેરદાળની જોઈ જાય છે. એક ગાડીમાં અંદાજિત 20 ટન માલ આવતો હોય છે. પરંતુ કોરોનાની મહામારીમાં ચોખા અને તુવેરદાળની 700 ગાડી દર મહિને જરૂરિયાત રહી હતી.

સેવાભાવી લોકો તરફથી પણ કિટની ખરીદી હતી
કોરોનાની પ્રથમ અને બીજી લહેર બંને વખતે રાજકોટ અલગ અલગ સેવાભાવી સંસ્થા તરફથી ગરીબોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હજુ પણ ચાલુ છે. આ સિવાય લોકોને ભોજન પણ આપવામાં આવતું હતું .આમ સામાન્ય લોકોની સાથે સાથે સેવાભાવી સંસ્થા તરફથી ખરીદી ચાલુ રહી હતી. જેમાં ખાંડ, ચાની ભૂકી, તેલ, ચોખા વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...