રાજકોટના વિદ્યાર્થીનો સરવે:50% યુવાનો ભારતમાં ઉચ્ચ અભ્યાસ કરવા નથી માગતા, હાયર સ્ટડી માટે વિદ્યાર્થીઓમાં કોરિયા, કેનેડા, અમેરિકા ફેવરિટ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 56.70% લોકોએ વિદેશી શિક્ષણને અને 43.30%એ ભારતીય શિક્ષણ શ્રેષ્ઠ ગણાવ્યું

યુવાનોમાં વિદેશી ભૌતિક સુખ સુવિધાઓના કારણે તેમજ વિદેશમાં મળતી સ્વતંત્રતાના કારણે તેમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું ઘેલું ચડ્યું છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ.ધારા આર. દોશી તથા ડૉ. હસમુખ એમ.ચાવડા દ્વારા ભવનના અધ્યક્ષ ડૉ. જોગસણના માર્ગદર્શનમાં 1710 લોકો પર એક સરવે કરવામાં આવ્યો હતો. જેમાં 50% યુવાનો ભારતમાં ઉચ્ચ અભ્યાસ કરવા નહીં માગતાં હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે 20.40% લોકોએ કોરિયા કહ્યું, 10.40%એ કેનેડા, 10.20% લોકોએ અમેરિકા, અને 8.00% લોકોએ ઓસ્ટ્રેલિયા કહ્યું તથા 1.00% યુવાનોએ દુબઈ ઉચ્ચ અભ્યાસ કરવા પસંદગી ઉતારી હતી. ભારતીય અને વિદેશી શિક્ષણ પૈકી 56.70% લોકોએ વિદેશી શિક્ષણને અને 43.30%એ ભારતીય શિક્ષણ શ્રેષ્ઠ ગણાવ્યું હતું.

મનોવિજ્ઞાન ભવનમાં વિદેશની ઘેલછાના કિસ્સાઓનું કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે

9 થી 10 વર્ષની છોકરીને કોરિયન ભાષાનું વળગણ
ચોથું ધોરણ ભણતી એક છોકરી સતત કોરિયન ભાષામાં વાતો કરતી રહેવાથી તેના પિતાએ ઠપકો આપ્યો અને પોતાને કોરિયન ભાષા નથી આવડતી એવું કહેતા તેના પિતા સાથે તેણે બોલવાનું બંધ કરી દીધું. આ છોકરી સતત કોરિયન વીડિયો, સોંગ જોયા કરે છે.

ધો.10ની વિદ્યાર્થિની ઘેર કહ્યા વિના કોરિયા જવા નીકળી ગઈ!
10માં ધોરણમાં ભણતી છોકરી કોરિયન આઇડલ બનવા માગતી હોય ઘરેથી કોઈને કહ્યા વગર ફ્લાઈટમાં દિલ્હી પહોંચી ગઈ. ત્યાં ભય લાગતા તેણે પોતાના મામા અને પપ્પાનો સંપર્ક કરી કહ્યું મને પાછું આવવું છે તેની વ્યવસ્થા કરી દયો. વાતચીત કરતા જણાયું કે એક વર્ષથી આ છોકરી કોરિયન લોકોના સોશિયલ માધ્યમ થકી સંપર્કમાં છે. તે ગીતો જોઈ તેને ફોલો કરતી. ઓનલાઈન ઓડિશન આપવા તે ઘરેથી ચોરી કરીને બેંગ્લોર પહોંચી.

પૈસા કમાવવા હોય તો વિદેશ જ જવાની વાત ઘર કરી ગઈ
એક 18 વર્ષના યુવકના મનમાં એક જ વાત ઘર કરી બેસી ગઈ કે ભવિષ્યમાં રૂપિયા કમાવવા હોય તો વિદેશ જ જવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને કોરિયા જ્યાં ખૂબ આનંદ કરવા મળી શકે. તેણે પોતાની માતાની અવદશા જોઈ છે, ભારતમાં સ્ત્રીઓની દશા ખરાબ છે.

કેનેડા ભણવા મોકલેલી દીકરીએ મા-બાપને ધરાર ત્યાં બોલાવી લીધા
એક વિદ્યાર્થિનીની જીદને કારણે તેને કેનેડા ભણવા મોકલી. પિતા ખૂબ જ સારા પગારની રાજકોટમાં નોકરી કરતાં. હવે દીકરીની જીદને કારણે પિતાએ વીઆરએસ લઈને કેનેડા જવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...