ખેડૂતો ચિંતિત:ખેતી માટે 50 % વધુ વરસાદ પડ્યો, તલને 50 ટકાથી વધુ, મગફળી, કપાસમાં 25 અને બાજરામાં 40% નુકસાન થશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં એકધારો વરસાદ પડતા ખેતરો નીતરી રહ્યા છે, ખેડૂતો ચિંતિત

સૌરાષ્ટ્રમાં ખેતી માટે જરૂર હતી તેના કરતા 50 ટકા વધુ વરસાદ પડી ગયો છે. જેને કારણે તલ, મગફળી, કપાસ, કઠોળ, બાજરાના પાકને નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે. એકધારા વરસાદ અને ડેમ ભરાઈ જતા તેના દરવાજા ખોલાતા આ પાણી ખેતરમાં ભરાયેલા રહ્યા. સૂર્યપ્રકાશ જે મળવો જોઈએ એ ન મળ્યો. આ બધા કારણોસર આ વખતે સૌરાષ્ટ્રમાં કઠોળ, તલના પાકને 50 ટકા, મગફળી, કપાસમાં 25 ટકા અને બાજરામાં 40 ટકા નુકસાની જશે. આથી આ બધા પાકમાં ઉત્પાદન ઓછું આવશે.

એક્સપર્ટઃ ડો.ડી.એસ. હિરપરા, કૃષિ વૈજ્ઞાનિક તરઘડિયા કેન્દ્ર
જમીન ધોવાણના પ્રશ્નો થશે, દવા છંટકાવ શક્ય નથી
આ રીતના વરસાદને કારણે જમીન ધોવાણના પ્રશ્નો ઊભા થશે. હવે સૂર્યપ્રકાશ નીકળે તો જ પાકને રક્ષણ મળે અને બચાવી શકાય. હાલ પાકને જે સૂર્યપ્રકાશ મળવો જોઇએ તેટલો મળતો નથી. વરસાદી વાતાવરણમાં અને ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી પાક પર દવા છાંટવામાં આવશે તો પણ તે ટકી નહીં શકે.

ક્યા પાકને કેવા પ્રકારની નુકસાની જશે

  • 1. તલનો પાક નિષ્ફળ જશે કારણ કે, તેમાં સુકારો આવશે
  • 2. બાજરામાં ફૂલ ખરી જતા દાણા ભરાવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે
  • 3. કપાસ-ફૂલ ખરી ગયા છે અને ગુલાબી ઈયળ આવવાની શરૂઆત
  • 4.મગફળી-પોપટા બંધાશે નહીં અને સતત પાણી ભરાઈ રહેવાથી તે બળી જશે

ક્યા વિસ્તારમાં ક્યા પાકને નુકસાન જશે

  • રાજકોટ,માધવપુર ઘેડ, બરડા ડુંગર, જૂનાગઢ, સોમનાથ વિસ્તારમાં મગફળીના પાકને નુકસાન જશે કારણ કે, આ વિસ્તારમાં મગફળી બળી ગઈ છે. રાજકોટના કેટલાક તાલુકામાં મગફળીમાં નવો રોગ આવ્યો છે.જેમાં મગફળી સાવ પીળી પડી ગઇ છે.
  • તલના વાવેતર માટે સુરેન્દ્રનગર અને કચ્છ મુખ્ય વિસ્તાર ગણાય છે.આ વિસ્તારમાં પણ જરૂર કરતા વધુ વરસાદ આવી ગયો છે. તલનો પાક નાજુક હોવાથી તે વધુ વરસાદ ખમી ન શકે તે માટે આ વિસ્તારમાં તલનું વાવેતર નિષ્ફળ જશે.
અન્ય સમાચારો પણ છે...