લાંચિયા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી:રાજકોટમાં અકસ્માતના કેસમાં લાંચ લેનાર ASIને 5 વર્ષની જેલ અને 15 હજારનો દંડ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં અકસ્માત સર્જનાર ટ્રકને ઝડપી છોડાવી દેવાનું કહી રૂ. 15000ની લાંચ માંગી હતી જેમાં રૂ. 7500 સ્વીકારતા પોલીસ કર્મચારી સિદ્દીક સતાર સાયરાને ઝડપાયા હતા. જેને આજ રોજ કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી રૂ. 15 હજારનો દંડ કરવા હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
વર્ષ 2008માં ફરીયાદી જીવાભાઈ લખમણભાઈ ગોઢાણીયા ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવતા હતાં. આ દરમ્યાન તેઓની ટ્રક મુંબઈથી મચ્છી ભરીને આવી રહેલ હતો ત્યારે એક સ્કુટરને હડફેટે લેતા ટ્રકનો ડ્રાઈવર સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. ફરીયાદી થોરાળા પોલીસ સ્ટેશના એ.એસ.આઈ.સીદીક સાયરાને મળેલા અને ડ્રાઈવર આરોપીને તાત્કાલીક રજુ કરી દેવાના તથા ટ્રકમાંથી બધી મચ્છી બીજા ટ્રકમાં ટ્રાન્સફર કરી અકસ્માતવાળા ટ્રકને છોડાવી આપવાના અવેજ પેટે રૂ. 15,000 ની લાંચ માંગેલ હતી જે રકજકના અંતે આ લાંચની રકમ રૂ. 7500 નકકી થયેલ આ મુજબની ફરીયાદીએ ફરીયાદ કરતા એ.સી.બી.ની ટ્રેપ દરમ્યાન આરોપી પોલીસ કર્મી સીદીકભાઈ રૂ. 7500 લેતા રંગે હાથ પકડાઈ ગયેલ.

રૂ. 7500ની રકમ મળી આવી
આરોપી સામેનો આ કેસ ચાલવા પર આવતા લાંચની રકમ રૂ. 7500 સ્વીકારતા રંગેહાથ પકડાયેલ ASI સાયરા સામેના કેસમાં આરોપી વતી બચાવ લઈ પ્રોસીકયુશનના કેસમાં નાની-નાની ત્રુટીઓ અને બીનજરૂરી વિસંગતતાઓ તરફે ખાસ અદાલતનું ધ્યાન દોરવામાં આવેલ હતું. સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે વર્ષ 2008ની ટ્રેપ અંગેની સાહેદોની જુબાની જયારે દસ વર્ષના સમયગાળા બાદ આપવામાં આવતી હોય ત્યારે ત્રુટીઓ અને વિસંગતતાઓ સહજ અને સ્વાભાવિક છે ટ્રેપ દરમ્યાન આરોપીન ટીર્શટના ખીસ્સામાંથી લાંચની રૂ. 7500ની નોટો મળી આવેલ હોય અને આવી નોટો મળી આવ્યાની સ્વીકૃતી રૂપે આરોપીએ જયારે સીઝર મેમોમાં સહી કરેલ હોય ત્યારે આરોપીએ આવી સહી અંગે વ્યાજબી ખુલાસો આપવો જરૂરી છે.

રકમ લાંચ હોવાનું આપોઆપ સાબીત થાય છે
આ મુજબનો કોઈ ખુલાસો ન હોય ત્યારે આરોપીએ લાંચ સ્વીકાર્યની હકીકત કબુલ હોવાનું સાબીત થાય છે. આ ઉપરાંત કોઈપણ પોલીસ અધિકારી કોઈ પણ કાર્ય માટે રોકડ રકમ સ્વીકારવા માટે અધિકૃત નથી સરકાર માન્ય વસુલાત પણ કેશીયર પાસે જમા કરાવવાની દરેક સરકારી કચેરીમાં વ્યવસ્થા છે. આ મુજબ કોઈ પણ સરકારી અધિકારી પોતાની ઓફીસની બહાર કોઈ પણ રકમ સ્વીકારે તો તેવી રકમ લાંચ હોવાનું આપોઆપ સાબીત થાય છે.

લાંચની માંગણી લૂંટ સમાન છે
સરકાર તરફેની આ રજુઆતો ધ્યાનમાં લઈ અધિક સેશન્સ જજ બી.ડી.પટેલે આરોપી સીદીકભાઈ સાયરાને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની કેદની સજા અને રૂ.15,000 નો દંડ ફરમાવેલ છે. સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે આ પ્રકારની લાંચની માંગણી લૂંટ સમાન છે. અને વર્ષ 2008માં રૂ.7500ની રકમ ઘણી મોટી રકમ કહેવાતી હોય તેથી ત્રણ વર્ષથી વધુની સજા થવી જોઈએ કાયદાની જોગવાઈ મુજબ ત્રણ વર્ષ સુધીની સજા ફરમાવવામાં આવે તો આરોપીને તે જ સમયે જામીન ઉપર છુટવાનો હકક છે. પરંતુ જયારે ત્રણ કરતા વધુ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવે ત્યારે સેશન્સ અદાલત આવા આરોપીને જામીન આપી શકતા નથી. હાલના કેસમાં પાંચ વર્ષની સજા ફરમાવવામાં આવેલ હોય તેથી આ કેસના આરોપીને તાત્કાલીક જયુડીશ્યલ કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરવામાં આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...