સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગોઠવણીકાંડ:5 ફેકલ્ટીના ડીનને VCનું તેડું, સરકાર તપાસ કરાવે તેવી સંભાવના; રાજકીય હેતુ સિદ્ધ ન થતાં સિન્ડિકેટ સભ્યએ અંદરની વાત ફોડી કાઢી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઈલ તસવીર
  • ‘સિન્ડિકેટ’ તૂટી: 88 અધ્યાપકના ભરતી પ્રકરણમાં કેટલાક શિક્ષણવિદોને છાંટા ઉડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 પ્રોફેસરની ભરતીમાં નામ જાહેર થાય તે પહેલા જ સંપૂર્ણ પ્રક્રિયા રદ કરી દેવામાં આવ્યા બાદ કુલપતિએ 5 ફેકલ્ટીના ડીનને તેડું મોકલ્યું છે. સોમવારે બેઠક થશે. બીજી બાજુ શિક્ષણવિભાગ પણ સરકારના આદેશની આ મામલે તપાસ કરાવે તેવી સંભાવના છે.

ભરતી કરવા પ્રકિયા શરૂ કરવામાં આવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટાભાગના ભવનમાં કાયમી પ્રોફેસરોની ઘટ છે. છેલ્લા 10 વર્ષમાં અનેક વખત અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ કાયમી ભરતી કરાય ન હતી. થોડા દિવસ પહેલા એવો નિર્ણય લેવામાં આવ્યો કે, આર્ટસ, કોર્મસ, સાયન્સ, હોમ સાયન્સ અને ફાર્મસીમાં 88 કરાર આધારિત અધ્યાપકની ભરતી કરવી અને તે માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ઈન્ટરવ્યૂ પણ લેવાઈ ગયા હતા. નામ ફાઈનલ કરીને કમિટીએ બંધ કવર કુલપતિને સોંપી આપ્યા હતા.

વહાલાંદવલાંનો આક્ષેપ કરવામાં આવ્યો હતો
કરાર આધારિત અધ્યાપકની ભરતી કરવાની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. લાગતાવળગતાઓને ગોઠવી દેવામાં આવશે તેવા આક્ષેપો પણ શરૂ થયા હતા. આમ છતાં યુનિવર્સિટીના સત્તાવાહકોએ ભરતી પ્રક્રિયા ચાલુ રાખી હતી. બંધ કવર કુલપતિને સોંપાઈ ગયા બાદ સ્ક્રીનશોપ વહેતા થયા હતા. સિન્ડીકેટ સભ્યે જ આ સ્ક્રીનશોટ ફરતા કર્યા હતા અને દિવ્ય ભાસ્કર પાસે પણ આવી ગયા હતા. કરાર આધારિત અધ્યાપકની ભરતીમાં કઈ ફેકલ્ટીમાં કોનું નામ છે તેનું લિસ્ટ પણ દિવ્ય ભાસ્કર પાસે આવી ગયું હતું. કુલપતિને પુછતા તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. પરંતુ ત્યારપછીની એક કલાકમાં જ નિર્ણય લેવાયો કે, આખી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે.

નામ કેવી રીતે લીક થયા તે અંગે તપાસ
કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, જે પાંચ ફેકલ્ટીમાં અધ્યાપકોની ભરતી કરવાની હતી તે પાંચેય ડીનને સોમવારે બોલાવવામાં આવ્યા છે અને નામ લીક કેવી રીતે થયા, ક્યા સિન્ડીકેટ સભ્યે સ્ક્રીનશોટ વહેતા કર્યા અને કોણે કોની ભલામણ કરી તે સંદર્ભે ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ તે અંગેનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવશે. બીજી બાજુ શિક્ષણવિદોમાંથી જાણવા મળતી વિગત મુજબ એક સિન્ડીકેટ સભ્યે રાજકીય હેતુ સિધ્ધ ન થતા ગ્રુપની અંદરની વાત જાહેર કરી દીધી હતી. આવું તેઓએ શા માટે કર્યું તે અંગે પણ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે અને આ મુદ્ે આગામી દિવસોમાં કેટલાક સિન્ડીકેટ સભ્યોને પણ છાંટા ઉડે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલના તબક્કે તો અધ્યાપકોનું ભરતી પ્રકરણ રાજકીય અખાડો બની ગયું છે.