છેતરપિંડી:પોલેન્ડની કંપનીની ઓળખ આપી 5 શખસે રાજકોટની પ્યોર ફાર્મ્સ ઓર્ગેનિક કંપની સાથે 37.59 લાખની ઠગાઈ કરી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંપીનીના ફાયનાન્સ મેનેજરે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
કંપીનીના ફાયનાન્સ મેનેજરે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર).
  • કંપનીએ જુદા જુદા તબક્કે રૂ.37.59 લાખનું ઓઈલ ખરીદી તેનું પેમેન્ટ બેંકથી કર્યું હતું

રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશન સામે લાખાણી એસ્ટેટ બિલ્ડિંગમાં આવેલ પ્યોર ફાર્મ્સ ઓર્ગેનિક કંપની સાથે પોલેન્ડની કંપનીની ઓળખ આપી 5 શખસે રૂ.37.59 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ કંપની સાથે જે રીતે છેતરપિંડી થઈ તે જ રીતથી રાજકોટના હેન્ડીક્રાફ્ટના વેપારી સાથે પણ રૂ.3 લાખની છેતરપિંડી થયાની ગઈકાલે જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

કંપનીના ફાયનાન્સ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
કંપનીના ફાયનાન્સ મેનેજર શિલ્પેશ દેવેન્દ્રભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 31 માર્ચના રોજ તેની કંપનીના ઈ-મેઈલ આઈડી ઉપર એર્લજેન પીએલ કંપનીના પરચેસ ઓફિસર તરીકે ઓળખ આપનાર અન્ના જાન નામ ધારણ કરનારે ઈ-મેઈલ કરી એક્ષટ્રેક ઓઈલની 50 લીટરની ખરીદી માટે ઈચ્છા દર્શાવી હતી. સાથોસાથ પોતાના મોબાઈલ નંબરમાંથી કંપનીના ભાગીદાર દર્શનભાઈને વોટ્સએપ કોલ કરી એવી વાત કરી હતી કે તેઓ આ મટિરિયલની સીધી ભારતની કંપની પાસેથી ખરીદી કરે તો તેમનું કમિશન ઓછું થઈ જાય છે. આથી તમારી કંપનીને વચ્ચે રાખીને તેમને ખરીદી કરવી છે. જેનાથી બંનેની કંપનીને વધુ કમિશન મળશે.

કંપનીને ઈ-મેલથી 850 લીટર ઓઈલ ખરીદીનો ઓર્ડર મોકલ્યો
આટલું કહ્યા બાદ મુંબઈ ખાતે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની કંપનીના પુનમ યાદવનો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડીની વિગત મોકલી હતી. આથી પુનમ યાદવનો સંપર્ક કરતા તેણે ઓર્ડરના નાણાંની લેતીદેતી સાંઈ એન્ટરપ્રાઈઝ નામની પેઢીથી કરતા હોવાનું કહી મટિરિયલ, ક્વોટેશન અને બેંક ખાતાની વિગતો મોકલી હતી. ત્યારબાદ ગત 1 એપ્રિલના રોજ અન્ના જાનની પોલેન્ડની કંપનીના ડાયરેક્ટર ડો.કાસ્પર પકીએ તેની કંપનીને ઈ-મેલથી 850 લીટર ઓઈલ ખરીદીનો ઓર્ડર મોકલ્યો હતો. તે સાથે જ સૌથી પહેલા 500 એમએલની સેમ્પલ ખરીદી તેનો વીડિયો અન્ના જાનને મોકલવા કહેવાયું હતું. પરિણામે તેની કંપની દ્વારા મુંબઈની આર.કે. એન્ટરપ્રાઈઝ નામની કંપની પાસેથી જુદા જુદા તબક્કે રૂ. 37.59 લાખનું ઓઈલ ખરીદી તેનું પેમેન્ટ બેંક મારફત કરવામાં આવ્યું હતું.

લેબ ટેસ્ટિંગ કરાવતા ઓઈલની વધુ હાજરી મળી
એર્લજેન પીએલ કંપની દ્વારા ઓર્ડર આપતી વખતે સ્પષ્ટ જણાવાયું હતું કે, મટિરિયલ તેમના પ્રતિનિધિ જ સ્વીકારશે. જો મટિરિયલ સીલપેક અને જે-તે સ્થિતિમાં હશે તો જ સ્વીકારાશે. આથી તેની કંપનીને શંકા જતા ખરીદેલા ઓઈલનું લેબ ટેસ્ટિંગ કરાવતા તેમાં ઓઈલની વધુ હાજરી મળી હતી. આ પછી એર્લજેન પીએલ નામની કંપનીની વેબસાઈટમાં જણાવેલા મોબાઈલ પર સંપર્ક કરતા તેના ડાયરેક્ટરે તેની કંપનીએ ઓઈલ માટે કોઈ ઓર્ડર નહીં આપ્યાનું કહ્યું હતું. એટલુ જ નહીં તેની કંપનીના નામનો ગેરઉપયોગ થયાનું કહ્યું હતું. આ રીતે પોતે છેતરાય ગયાનો અહેસાસ થતા એર્લજેન પીએલ કંપનીના કહેવાતા પરચેસ મેનેજર, અન્ના જાન, કહેવાતા ડાયરેક્ટર ડો.કાસ્પર પકી, કહેવાતા પ્રતિનિધિ એલેકઝાન્ડર અર્ક અને સાંઈ એન્ટરપ્રાઈઝના પુનમ યાદવ સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.