તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજકોટમાં અનુભવી સ્ટાફે એક વાયસમાંથી 10ને બદલે 11ને ડોઝ આપતા 5% વધુ રસીકરણ થયું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 18 થી 44 વર્ષ માટે 37,720 ડોઝ મળ્યા પણ રસીકરણ 39,949 યુવાનોનું થયું
  • રસીના એક વાએલમાં 10 ડોઝ હોય છે પણ અનુભવી વેક્સિનેટર 11 ડોઝ કાઢી શકે: ડો.વાંઝા

18થી 44 વર્ષના લોકોનું રસીકરણ થઈ રહ્યું છે પણ હાલ રસીના સ્ટોકની મર્યાદા હોવાથી 10 જ શહેરોમાં પરવાનગી મળી છે ત્યારે જેટલા ડોઝ અપાય છે તેમાંથી ઓછામાં ઓછો બગાડ થાય તેવી સૂચના છે પણ રાજકોટ મહાનગરપાલિકાએ બગાડ તો દૂર જેટલા ડોઝ આપ્યા છે તેના કરતા પણ વધારે વેક્સિનેશન કરીને વિક્રમ સર્જ્યો છે.

4 કલાકમાં વાયલ વાપરી લેવાની હોય છે
કોરોનાની રસીની ખાસિયત છે કે, એક વખત વાએલમાં સીરીંજ જાય એટલે 4 કલાકમાં વાપરી લેવાની અને ન વપરાય તો તેને ફેંકી દેવાની હોય છે આ કારણે સ્વાભાવિક છે કે થોડો ઘણો બગાડ થાય પણ રાજકોટ શહેરમાં બગાડ તો દૂર જથ્થા કરતા પણ વધુ રસીકરણ થઈ રહ્યું છે.

3 હજારથી વધુ વાયલ વપરાઈ
મનપાના આરોગ્ય અધિકારી ડો. એલ. ટી. વાંઝા જણાવે છે કે, ‘1 તારીખથી વેક્સિનેશન શરૂ થયું ત્યારે અત્યાર સુધીમાં 3772 રસીના વાએલ (શીશી) વપરાઈ છે એક વાએલમાં 10 ડોઝ હોય એટલે 37720 લોકોને રસીનો પ્રથમ ડોઝ તેમાંથી આપી શકાય પણ રાજકોટ મનપાએ 39949ને રસી આપી નિયત જથ્થા કરતા 2229 એટલે કે 5 ટકા વધુ લોકોને રસી આપી છે.’ 10 ડોઝની શીશી હોય તો 11 કઈ રીતે મળે તે મામલે ડો. વાંઝા જણાવે છે કે, ‘વાએલમાં 10 ડોઝ લખ્યા છે પણ અનુભવી વેક્સિનેટર હોય તો તેઓ સીરીંજ જ એ રીતે ઈન્સર્ટ કરે છે કે જેથી રસી યોગ્ય રીતે ભરાય અને તેથી જ 11 ડોઝ નીકળે છે અમુક આરોગ્ય કર્મીઓએ 12 ડોઝ પણ કાઢ્યા છે. આવા અનુભવી કર્મીઓને કારણે જ વધુમાં વધુ બચત થઈ શકી છે.’

3.56 લાખ ડોઝ સામે 3.59 લાખને રસી
આરોગ્ય અધિકારી જણાવે છે કે, રસીની પ્રથમ વાએલ ખોલી ત્યારે જ ખબર પડી ગઈ હતી કે 11 ડોઝ નીકળી શકે છે. આ કારણે ત્યારથી જ રસીની બચતની શરૂઆત કરી છે. જેને કારણે રાજકોટમાં કદી રસીનો બગાડ થયો નથી. 45 કરતા વધુના રસીકરણમાં અત્યાર સુધીમાં 35639 વાએલ વપરાયા જે મુજબ 100 ટકા ઉપયોગ કરીએ તો 3,56,390 ડોઝ નીકળે પણ મનપાના આરોગ્યકર્મીઓએ 3,59,524 ડોઝનું વેક્સિનેશન કર્યુ છે એટલે કે 3134 ડોઝ વધારે ઉપયોગમાં લીધા છે.

કેન્દ્ર રસીના વેસ્ટેજને ગંભીરતાથી લેશે
કેન્દ્ર સરકારે 18થી 44 વર્ષ સુધીનામાં રસીકરણ ચાલુ કરતા પહેલા માર્ગદર્શિકા જાહેર કરી હતી તેમાં ઉલ્લેખ છે કે, 45 કરતા વધુ ઉંમર માટે રસી કેન્દ્ર આપશે પણ તે ફાળવણી માટે રસી કેટલી ઝડપી અપાય છે તે જોવાશે અને રસીના વેસ્ટજનો દર પણ જોશે અને તેની અસર આગામી સપ્લાય પર પડશે. રાજકોટમાં સપ્લાય કરતા વધુ રસીકરણ થતાં સૌથી સારા કેન્દ્રોના લિસ્ટમાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...