લમ્પી સ્કિન ડિસીઝ:લમ્પીથી વધુ 5 ગાયનાં મોત, સત્તાવાર મૃત્યુઆંક 21 થયો, 1174 પશુઓ ચેપગ્રસ્ત

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ જિલ્લાના 222 ગામડાંમાં વાઇરસનો ઉપદ્રવ, 49 ટુકડી દ્વારા સરવે-સારવારની કામગીરી
  • રાજકોટ શહેર સહિત જિલ્લામાં કુલ 11,282 પશુમાં વેક્સિનેશન કરાયું : વેક્સિનેશન મુદ્દે ગ્રામ્ય સ્તરે મચતો દેકારો, તંત્રની ધીમી ગતિની કામગીરી સામે રોષ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ નામના વાઇરસે ભરડો લીધો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં સત્તાવાર રીતે વધુ 5 ગાયના મૃત્યુ નીપજતા સરકારી ચોપડે પશુઓનો કુલ મૃત્યુઆંક 21 થયો છે. મંગળવારે તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 222 ગામડાંને લમ્પી સંલગ્ન અસરગ્રસ્ત જાહેર કર્યા છે.

રાજકોટ જિલ્લા પશુપાલન તંત્ર દ્વારા અત્યાર સુધી પશુઓમાં જેટ ગતિએ ફેલાઇ રહેલા વાઇરસને સામાન્ય ગણાવાતો હતો, એક તરફ માલધારીઓ મોટી સંખ્યામાં પશુઓનાં મોત થઇ રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે જિલ્લા પશુપાલન અધિકારી ખાનપરા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ‘સબ ખૈરિયત’ની ગુલબાંગો વચ્ચે લમ્પીથી મરણનું પ્રમાણ માત્ર દોઢથી બે ટકા જ હોય છે, કોઇ ચિંતાની વાત નથી, તેવું કહેવામાં આવી રહ્યું હતું,

ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જિલ્લા પશુપાલન તંત્ર દ્વારા 49 ટુકડી બનાવી શહેર અને જિલ્લામાં સર્ચ-સરવેની કામગીરી હાથ ધરતા અત્યાર સુધીમાં જિલ્લાના 222 ગામડાંઓમાં 1174 દુધાળા પશુઓ ચેપગ્રસ્ત જણાયા હતા, તો છેલ્લા 24 કલાકમાં વધુ 5 સહિત કુલ 21 પશુનાં મોત નીપજ્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા મંગળવારે 11,282 સહિત અત્યાર સુધીમાં 43,623 પશુમાં વેક્સિનેશન કરાયું હતું.

લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ ઉકાળીને પીવું, અન્યથા ચામડીના રોગ, તાવ આવવો તેવું બની શકે!

સવાલ : લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પી શકાય ? આવું દૂધ પીવાથી કોઇ નેગેટિવ અસર થાય?

એક્સપર્ટ : લમ્પીવાળી ગાયનું દૂધ ચોક્કસ પી શકાય, પરંતુ દૂધનો ખાસ ઉકાળીને-ગરમ કરીને જ ઉપયોગ કરવો જોઇએ. કેમ કે, દૂધમાં જીવાણુઓ, વાઇરસના અંશો, તેમજ ગાયના આંતરિક સ્ત્રાવનો ભાગ રહેતો હોવાથી આવા દૂધમાં ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા પણ હોવાની સંભાવના રહેલી છે.

સવાલ : લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ ઉકાળ્યા વગર કાચું પીવાથી કોઇ પ્રકારની આડઅસર થાય ?

એક્સપર્ટ : લમ્પી એ ચામડીના રોગનો પ્રકાર છે, જેથી જો ઉકાળ્યા વગર લમ્પીગ્રસ્ત ગાયનું કાચું દૂધ પીવામાં આવે તો સંભવત: ચામડીના રોગોને લઇને આડઅસર થવી તેમજ હળવો તાવ આવવો આવી સમસ્યા ઉદભવી શકે છે.

સવાલ : લમ્પીવાળી ગાયનું દૂધનો ઉપયોગ કઇ રીતે કરી શકાય?

એક્સપર્ટ : લમ્પીવાળી ગાયનું દૂધ પીવાથી કોઇ પ્રકારના ગંભીર રોગ થયાનો કિસ્સો સામે આવ્યો નથી, પરંતુ મેડિકલ સાયન્સની દૃષ્ટિએ વાઇરસગ્રસ્ત પશુના દૂધને ઉકાળીને પીવું હિતાવહ છે.

સવાલ : તંદુરસ્ત પશુ હોય તો તેનું કાચું દૂધ પી શકાય?

એક્સપર્ટ : કોઇ પણ પશુ દૂધ આપે ત્યારે તે પશુના શરીરના આંતરિક સ્ત્રાવો દૂધમાં આવતા જ હોય છે, જો પશુને કોઇ પણ નાનો મોટો પણ રોગ હોય, અથવા તો પશુ કોઇ પણ આડઅસરથી પીડાતું હોય તો તેનું કાચું દૂધ પીવાથી તેના વધતા ઓછા પ્રમાણમાં નેગેટિવ અંશો વ્યક્તિના શરીરમાં પ્રવેશે તેવું બની શકે. જોકે, આવા કિસ્સામાં કેવી અને કેટલી નેગેટિવ અસર થાય તેનો આધાર વ્યક્તિની તાસીર પર રહેતો હોય છે. - ડો.કુલદીપ છાટબાર, પશુચિકિત્સક અધિકારી

લમ્પીગ્રસ્ત ગાયના લોહીના નમૂનાનું પશુચિકિત્સા સંસ્થામાં પૃથક્કરણ થશે
જામનગર શહેર-જિલ્લામાં ગાયમાં લમ્પી રોગચાળાએ માઝા મૂકતા કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ આવી હતી. વૈજ્ઞાનિકોની ટીમે ધ્રોલ અને અલિયાબાડામાં ગાયમાં ફેલાયેલા રોગચાળાનો ચિતાર મેળવવાની સાથે લમ્પીગ્રસ્ત ગાયના લોહીના અને ઇતરડી કે જેના કરડવામાંથી ગાયને લમ્પી થાય છે તેના નમૂના લીધા છે. જેનું પૃથક્કરણ દેશની સૌથી જૂની પશુચિકિત્સા સંસ્થા ઇન્ડિયન વેટરનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પરીક્ષણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...