રાજકોટમાં ગુંડાગીરીનાં LIVE દૃશ્યો:મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા 5 ભૂમાફિયાએ નશામાં સોસાયટીના લોકોને માર માર્યો

રાજકોટ7 મહિનો પહેલા
ગત રાત્રે રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ કરેલો હુમલો સીસીટીવીમાં કેદ થયો. - Divya Bhaskar
ગત રાત્રે રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ કરેલો હુમલો સીસીટીવીમાં કેદ થયો.
  • 70થી 80 લાખનાં મકાનો 18 લાખમાં માગી ભૂમાફિયાઓ અવારનવાર હેરાન કરે છે
  • ભૂમાફિયાઓ મહિલાઓની છેડતી કરતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો
  • ભૂમાફિયાઓએ​​​​​​​ સ્થાનિકો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણ કરી મહિલાઓની છેડતી કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે ગઇકાલે રાત્રિના પણ 5 જેટલા ભૂમાફિયાએ નશાની હાલતમાં સ્થાનિકો પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે આ બનાવમાં સ્થાનિક લોકો સામે ભૂમાફિયાઓએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભૂમાફિયા સામે પણ સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ આપતા બન્ને પક્ષે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી
શહેરના યુનિવર્સીટી રોડ પર રાધે ક્રિષ્નાના સોસાયટીમાં રહેતા રમેશ સોમા વાઢેરે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં હુમલાખોર તરીકે કારખાનેદાર અવિનાશ ધુડેશીયા, રાજુ ધુડેશીયા, દિવ્યરાજસિંહ બારડ, બે મહિલા સહિતના શખસોનાં નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી સામાવાળાઓએ ગઈકાલે રાત્રે ફરિયાદી અને હીરેન વાઢેર સાથે ઝઘડો કરી લુખ્ખા તત્વો સોસાયટીમાં ઘૂસી ગયા છે. તેમ કહી હડધૂત કરી ધોકા વડે માર મારતા ફરીયાદીને ટચલી આંગળી ભાંગી ગઈ છે જ્યારે હીરેનને પણ ઈજા પહોંચી હોવાનું જણાવ્યું છે.

3થી 4 વર્ષથી ભૂમાફિયાઓ હેરાન કરે છે
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલની સામે રાધેક્રિષ્ના સોસાયટીમાં 18 જેટલાં મકાનો ઓછી કિંમતે માગી ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લાં 3થી 4 વર્ષથી સ્થાનિકોને હેરાન કરવામાં આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગઇકાલે રાત્રિના 1 વાગ્યે ફરી 5 જેટલા ભૂમાફિયાઓ નશાની હાલતમાં આવી વાહનમાં તોડફોડ કરીને મહિલા સહિત 4થી 5 જેટલા લોકો પર હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જે હાલ ICU વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.

પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો સોસાયટીના લોકોનો આક્ષેપ.
પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો સોસાયટીના લોકોનો આક્ષેપ.

DCP આરોપીઓને છાવરી રહ્યા છેઃ ભોગગ્રસ્તનો પુત્ર
ગંભીર રીતે ઘાયલ અવિનેશભાઈ ધૂલેશિયાના પુત્ર બ્રિજેશ ધુલેશિયાએ જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રિના 1 વાગ્યા આસપાસ 5 જેટલા લોકો નશાની હાલતમાં ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. મારા પિતા ગંભીર રીતે ઘાયલ છે અને છેલ્લાં 4 વર્ષથી આ ભૂમાફિયાઓ અવારનવાર આવી મકાન ખાલી કરાવવા માટે આવી ગાળો ભાંડે છે. 70થી 80 લાખની કિંમતનાં મકાન 18 લાખમાં માગી રહ્યા છે. પોલીસને અમે રજૂઆત કરી છે, ફરિયાદ પણ કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ DCP મનોહરસિંહ જાડેજા આરોપીઓને છવારી રહ્યા છે.

ભૂમાફિયાના હુમલાથી વૃદ્ધને માથામાં ઇજા પહોંચી.
ભૂમાફિયાના હુમલાથી વૃદ્ધને માથામાં ઇજા પહોંચી.

સોસાયટીમાં પોલીસ-બંદોબસ્ત મુકાયોઃ DCP
બીજી તરફ અન્ય સ્થાનિક દિવ્યરાજ બારડે જણાવ્યું હતું કે અમે બે દિવસ પૂર્વે રાજકોટ યુનિવર્સિટી પોલીસ પાસે રક્ષણ માગ્યું હતું. આ રક્ષણ ન મળ્યું, માટે જ ગઈકાલે અમારા પર હુમલાની ઘટના બની છે. જોકે સમગ્ર મામલે DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પોલીસ-બંદોબસ્ત સોસાયટી બહારથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ આજે ફરી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભૂમાફિયાના હુમલાથી મહિલાને હાથમાં ઇજા પહોંચી.
ભૂમાફિયાના હુમલાથી મહિલાને હાથમાં ઇજા પહોંચી.