ક્રાઇમ:5 હપ્તા ચડી જતા કોન્ટ્રાક્ટરને માર મારી સીઝરો કાર લૂંટી ગયા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ રોડ અવધના ઢાળિયા પાસે બનેલો બનાવ
  • કાર લઇ કોન્ટ્રાક્ટર મજૂરો મૂકવા જતા હતા

રામનાથપરામાં ગુરુવારે રાતે થયેલી રૂ.19.56 લાખની લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો નથી ત્યાં શનિવારે સવારે કાલાવડ રોડ પર કોન્ટ્રાક્ટરને માર મારી મોટરકારની લૂંટ ચલાવી બે શખ્સ નાસી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. હપ્તા ચડી જવાને કારણે સીઝરો કારની લૂંટ ચલાવી ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જામનગર રોડ, કલ્યાણપાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટર યોગેશભાઇ રાજુભાઇ ઘેડિયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની હાલ પરાપીપળિયા અને વાગુદળ ગામે બાંધકામની સાઇટ ચાલે છે. દરમિયાન પરાપીપળિયા ગામે જયેશભાઇ દેવાયતભાઇ મૈયડના નવા મકાનનું બાંધકામ ચાલુ હોય આજે સવારે ત્યાં પહોંચ્યો હતો. અહીંથી ચાર શ્રમિકને લઇ બીજી સાઇટ વાગુદળ લઇ જવાના હોય જયેશભાઇની ઇકો કાર માગી હતી. તેમને કારની ચાવી આપતા પોતે ચાર શ્રમિકને લઇ પહેલા રૈયા ચોકડી આવ્યા હતા. અહીંથી વધુ ચાર શ્રમિકને બેસાડી આઠેય શ્રમિકને વાગુદળ સાઇટ ઉતારવા નીકળ્યો હતો.

દરમિયાન નવેક વાગ્યાના અરસામાં કાર સાથે પોતે કાલાવડ રોડ અવધના ઢાળિયા પાસે પહોંચતા એક ટુ વ્હિલરે કાર ઊભી રખાવી હતી. જેથી કારને સાઇડમાં ઊભી રાખી દીધી હતી. બાદમાં બે શખ્સ પોતાની પાસે આવી કારની ચાવી આપી દેવાની વાત કરી હતી. શા માટે ચાવી આપું તેમ કહેતા બંને શખ્સે દબાણ કરી બળજબરી કરી ગાળો ભાંડવાનું ચાલુ કરતા હતા. જેથી પોતે કારની ચાવી કાઢી પેન્ટના ખિસ્સામાં મૂકી દેતા બંને શખ્સે માર માર્યો હતો. એક શખ્સે નેફામાંથી છરી કાઢી ચાવી આપી દે નહિતર આ છરી તારી સગી નહિ થાયની ધમકી આપી હતી.

બાદમાં એક શખ્સે ખિસ્સામાં હાથ નાંખી ચાવી કાઢી લીધી હતી. બંને શખ્સે ચાવી મેળવી લીધા બાદ કારમાં બેઠેલા શ્રમિકોને પણ ગાળો ભાંડી નીચે ઉતારી દીધા હતા. અને બે પૈકી એક શખ્સ કાર અને બીજો તેનું ટુ વ્હિલર લઇ મેટોડા તરફ નાસી ગયા હતા. કાર લૂંટી બે શખ્સ નાસી ગયા અંગે તુરંત માલિક જયેશભાઇને ફોન કરી જાણ કરતા તેમને ફરિયાદ કરવા જણાવતા પોતે તાલુકા પોલીસ મથક જઇ રૂ.3.50 લાખના કિંમતની કાર બે શખ્સ લૂંટી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને પગલે પીઆઇ એમ.આર.ગોંડલિયાએ કારના માલિકને પૂછપરછ કરવા પોલીસ મથક બોલાવ્યા હતા. જયેશભાઇ મૈયડની પૂછપરછમાં તેને ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઇ કાર ખરીદી હતી. જે લોનના પાંચેક હપ્તા ભરી નહિ શકતા ફાઇનાન્સ પેઢીના સીઝરો લઇ ગયા હોવાનું જણાવ્યું છે. પોલીસે ફાઇનાન્સ પેઢીની દિશામાં તપાસ આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...