આજે સ્વતંત્રતા દિવસે રાજકોટ જિલ્લામાં બે અકસ્માત બન્યા છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક યાત્રાળુઓની બસ પલ્ટી મારતા રાત્રે હાઇવે મુસાફરોની ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 40 યાત્રાળુને ઇજા પહોંચી હતી. બીજો બનાવ ગોંડલમાં બન્યો હતો. ગોંડલમાં એસટી બસ બ્રિજ સાથે અથડાતા 4થી 5 મુસાફરને ઇજા પહોંચી હતી.
સરધાર પાસે રાત્રે 4.45 વાગ્યે બસ પલ્ટી
55 યાત્રાળુઓ સાથે રણુજા, દ્વારકા અને સોમનાથની 3 દિવસની યાત્રા સાથે બસ નીકળી હતી. જોકે, રાજકોટ તાલુકાના સરધાર ગામ પાસે 55 યાત્રાળુ ભરેલી બસ પલ્ટી મારી જતા યાત્રાળુઓના જીવ તાળવે ચોટી ગયા હતા અને ચીચીયારીથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. દામનગર નજીકના એકલારા ગામની GJ 05 BT 9729 નંબરની બસ યાત્રાએ નીકળી હતી. ઇજાગ્રસ્ત તમામ યાત્રાળુને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
ગોંડલમાં એસટી બસ બ્રિજની દીવાલ સાથે અઠડાઇ
ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે GJ 18 Z 4644 નંબરની એસટી બસ અંડરબ્રિજની દીવાલ સાથે અથડાઇને ડિવાઇડર પર ચડી ગઈ હતી. બસની અંદર મુસાફરી કરતા 4થી 5 મુસાફરને સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
અઠવાડિયા પહેલા રાજકોટમાં કારની ઠોકરે ઉદ્યોગપતિનું મોત નીપજ્યું હતું
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના કેકે પાર્કમાં રહેતા વિજયભાઇ ચનાભાઇ સોરઠિયા (ઉં.વ.43) ગત રવિવારે વહેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ સાઇક્લિંગ કરવા નીકળ્યા હતા. સવારે 5 વાગ્યે વિજયભાઇ નાણાવટી ચોકથી રામાપીર ચોકડી તરફ બીઆરટીએસ રૂટ પર સાઇકલ ચલાવી રહ્યા હતા. ત્યારે રામાપીર ચોકડી તરફથી પ્રતિબંધિત બીઆરટીએસ રૂટ પર પૂરપાટ ઝડપે કાર ધસી આવી હતી, કારચાલકે સાઇકલને ઠોકરે ચડાવી હતી. વિજયભાઇ સાઇકલ સહિત ફંગોળાયા હતા. અકસ્માત થયો તે વખતે જ ખાનગી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતાં વિજયભાઇને તેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.