ભલામણો કોઈની ન ચાલી:અર્થશાસ્ત્રમાં 5, કેમિસ્ટ્રી, ગણિત, ફિલોસોફી, એજ્યુકેશન ભવનને એક-એક પ્રોફેસર ન મળ્યા!

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઈલ તસવીર
  • 24 ભવનમાં 60 પ્રોફેસરને 45 દિવસની નોકરીના ઓર્ડર અપાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરની ભરતીના 8 અને 9 જૂને ઈન્ટરવ્યૂ કર્યા બાદ શુક્રવારે 24 ભવનમાં પસંદ થયેલા 60 જેટલા પ્રોફેસરનું લિસ્ટ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરાયું છે.

છેલ્લા કેટલાક સમયથી કરાર આધારિત પ્રોફેસરની ભરતીને લઈને છાનેખૂણે અનેક ભલામણો માનીતાઓને લેવા માટે થઇ હતી પરંતુ કોઈની ભલામણ આખરે ચાલી ન હતી અને ઉમેદવારના રિસર્ચ સ્કોર અને ઈન્ટરવ્યૂમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ઉમેદવારને જ પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં 5 જગ્યા માટે 15 ઉમેદવાર ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે ક્વોલિફાઇ થયા હતા પરંતુ ઈન્ટરવ્યૂ દરમિયાન એકપણ ઉમેદવાર લાયક નહીં ઠરતા કોઈની પસંદગી કરવામાં આવી ન હતી. તમામ 5 જગ્યા ખાલી રહી હતી.

જ્યારે કેમિસ્ટ્રીમાં ભવનમાં 6 જગ્યા માટે 7 ઉમેદવાર ઈન્ટરવ્યૂ માટે લાયક થયા હતા જેમાંથી 5ની પસંદગી થઇ છે, એક જગ્યા ખાલી રહી છે. એવી જ રીતે ગણિતમાં કુલ 4 જગ્યામાંથી 1 ખાલી રહી છે. ફિલોસોફીમાં 3 ઉમેદવાર પૈકી કોઈપણ પ્રોફેસર માટે લાયક નહીં થતા તમામ જગ્યા ખાલી રહી છે. એજ્યુકેશનમાં 2 જગ્યા પૈકી 1 ખાલી રહી છે. રસાયણશાસ્ત્રમાં બે જગ્યા માટે એક જ ઉમેદવારની અરજી આવી હતી. આમ કુલ 24 ભવનના 60 પ્રોફેસરોને 45 દિવસના કરાર આધારિત ભરતીના ઓર્ડર અપાશે.

ડૉ. આંબેડકર, MS અને કચ્છ યુનિવર્સિટીની ભરતીમાં પણ અનામત નીતિનો અમલ નહીં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરની ભરતીમાં અનામત નીતિનો અમલ નહીં કરવામાં આવતા વિવાદ થયો છે અને હાલ પસંદ થયેલા પ્રોફેસરોને માત્ર 45 દિવસની જ નોકરી આપી છે ત્યારે તાજેતરમાં જ ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીમાં પણ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં પણ અનામત નીતિનો અમલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત રાજ્યની એકપણ યુનિવર્સિટીમાં કરારી ભરતીમાં અનામત નીતિ લાગુ કરી નથી.

અનામતનો અમલ કેમ કરવો? યુનિ. મૂંઝવણમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી દિવસોમાં રાજ્ય સરકારને કાગળ લખીને 45 દિવસ બાદ નવેસરથી કરાર આધારિત પ્રોફેસરની ભરતીમાં અનામત નીતિનો અમલ કેમ કરવો તેનું માર્ગદર્શન માંગશે. રાજ્યની કોઈ યુનિવર્સિટીમાં કરારી પ્રોફેસરની ભરતીમાં અનામત લાગુ કરી નથી, આપણે કોના આધારે કરવી, કુલ જગ્યાના કેટલા ટકા અનામત આપવું, ભવનમાં એક જ જગ્યા હોય તો જનરલ સીટ ગણવી કે અનામત? આવી અનેક બાબતો મુદ્દે ગડમથલ પ્રવર્તી રહી છે જેનું માર્ગદર્શન યુનિવર્સિટી સરકાર પાસે માંગશે.

અન્ય સમાચારો પણ છે...