રાજકોટના હેમુગઢવી હોલ ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી મળનાર છે. એ પૂર્વે કોંગ્રેસના 5 દિગ્ગ્જ નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. પરંતુ આ મુલાકતમાં સંતોષકારક જવાબ ન મળતા કોંગી નેતા નારાજ થયા હોય તેવું સામે આવ્યું છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે લૂલો બચાવ કરતા મીડિયાને જણાવ્યું હતું કે,'નરેશ પટેલ સાથે માત્ર ચા પાણી પીવા આવ્યા હતા અને આ એક શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટીની કોઈ ચર્ચા થઈ નથી.
કોંગ્રેસ હવે ગંગા જેવી નિર્મળ થઈ ગઈ છે: ધાનાણી
જયારે કોંગી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમે આજે પટેલ સમાજના મોભીને મળવા આવ્યા હતા. નરેશભાઈ અમારા વડીલ છે.અમે સામાજિક આગેવાન આજે ચા-પાણી નાસ્તો કરવા આવ્યા હતા. હવે કોંગ્રેસ પવિત્ર ગંગા જેવી નિર્મળ થઈ ગઈ છે. જેથી સારા લોકો કોંગ્રેસમાં આવે તેવું અમે ઇચ્છીએ છીએ.
માત્ર 10 મિનિટની બેઠક યોજાઈ
આજે નરેશ પટેલના રાજકોટ સ્થિત ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગી નેતા પરેશ ધાનાણી, MLA લલિત વસોયા, MLA લલિત કગથરા અને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પહોંચ્યાં હતા. માત્ર 10 મિનિટની બેઠક બાદ કોંગી આગેવાનો તાબડતોબ રવાના થયા હતા. જેથી એવી ચર્ચા ઉઠી હતી કે ખોડલધામ 'નરેશ' તરફથી સંતોષકારક જવાબ ન મળતા કોંગી નેતા નારાજ થઈને જતા રહ્યા હતા.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેનો હાર્દિકને ભય હતો
ઉલ્લેખનીય છે કે આજની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠકમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનો આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરશે. ગઈકાલે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે,નરેશ પટેલને પોતે અવારનવાર મળ્યા છે, ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો પોતાનું રાજકીય સ્થાન જોખમાઇ શકે તેવો ભય હાર્દિકને લાગતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.