રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં જે નેતાઓએ આવી સ્થિતિમાં પણ ભીડ ભેગી કરવાનો લહાવો લીધો હતો તેવા ભાજપના 5 નેતા કોરોનાગ્રસ્ત થયા છે. રાજકોટમાં 10 દિવસ પહેલા યોજાયેલા રોડ શોમાં તેમજ સભામાં હાજરી આપનાર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા કોરોનાગ્રસ્ત થયા છે જ્યારે પ્રશિક્ષણ શિબિરો અને કાર્યક્રમો કરતા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા તેમજ હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ હાલ હોમ આઈસોલેટ થયા છે તેઓના સંપર્કમાં અનેક કાર્યકરો આવ્યા હતા તેથી સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા છે.
સોમવારે રાજકોટ શહેરમાં નવા 191 અને ગ્રામ્યમાં 58 સહિત કુલ 249 કેસ નોંધાયા છે. આ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા શહેરમાં 1273 અને ગ્રામ્યમાં 342 સહિત જિલ્લામાં 1615 થઈ છે. જિલ્લામાં હાલ સૌથી વધુ કેસ ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવી રહ્યા છે 58માંથી 30 તે જ વિસ્તારના છે. જ્યારે રાજકોટ શહેરમાં બે કોરોના પોઝિટિવ દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સાધુવાસવાણી રોડ પર રહેતા 79 વર્ષ અને 81 વર્ષના બે વૃદ્ધ યુ.એ.ઈ. માંથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ આવતા જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ લેવાયા હતા જેમાં ઓમિક્રોન હોવાનું ખુલ્યું છે. હવે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવા માટે કાર્યવાહી કરાઈ રહી છે.
ગ્રામ્યમાં ફરી કેસ જાહેર કરવામાં રમત, 11માંથી 7 તાલુકામાં શૂન્ય કેસ
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ પોતાની નબળી કામગીરી માટે જાણીતું છે. કેસ વધે ત્યારે સૌથી પહેલા આંકડાની રમત ત્યાં જ શરૂ કરી દેવાય છે. તેવી રમત ફરી શરૂ કરી દેવાઈ છે તેવી શક્યતા છે કારણ કે, રવિવારે જે કેસ જાહેર થયા છે તેમાં ધોરાજીમાં 30 જ્યારે રાજકોટ તાલુકામાં 3, ઉપલેટામાં 6, જેતપુરમાં 19 કેસ જાહેર થયા છે આ સિવાયના તમામ તાલુકાઓ જસદણ, વીંછિયા સહિતમાં 0 કેસ આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 500થી વધુ કેસ
રાજકોટમાં 245 કેસ નોંધાયા છે છેલ્લા 3 દિવસથી આ જ સ્થિતિમાં કેસ આવી રહ્યા છે જ્યારે સૌરાષ્ટ્રના અન્ય મથકોમાં કેસની સંખ્યા ક્રમશ: વધવા લાગી છે અને તે સાથે જ સૌરાષ્ટ્રમાં નવા પોઝિટિવ કેસનો આંક 547 થયો છે. જેમાં ભાવનગર શહેરમાં 93 અને ગ્રામ્યમાં 15, મોરબીમાં 51, જામનગર શહેરમાં 47 અને ગ્રામ્યમાં 11, જૂનાગઢ શહેરમાં 33 અને ગ્રામ્યમાં 11, ગીર સોમનાથ જિલ્લામાં 27, અમરેલી જિલ્લામાં 23 અને દ્વારકામાં 10 કેસ આવ્યા છે. જ્યારે પોરબંદર એક જ સૌરાષ્ટ્રનો એવો જિલ્લો બાકી રહ્યો છે જ્યાં એકપણ કેસ સોમવારે નોંધાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.