સજા સાથે દંડ:રાજકોટમાં પ્રેમલગ્ન મુદ્દે અપહરણ કેસમાં 5 આરોપીને 3 -3 વર્ષની સજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુનાહિત કાવતરું રચ્યાનું માની સજા સાથે દંડ પણ કર્યો

શહેરમાં વધી રહેલા મારામારી, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ સામે અદાલત પણ આકરું વલણ અપનાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાના હુકમ કરી રહી છે. ત્યારે પ્રેમલગ્નના મુદ્દે શહેરના યુવાનનું અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલા જામનગર જિલ્લાના વાંકિયા ગામના મેહુલ ઘનશ્યામ સિંધવ, કિરીટ જીવા ડાભી, મનીષ છગન ગડારા, કિશોર ગોરધન ગડારા અને વિપુલ નારણ ગડારાને અદાલતે દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સજા અને પાંચેય આરોપીઓને રૂ.5-5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે

જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો આદેશ કર્યો છે. રાજકોટ રહેતા આશિષ રામનારાયણગીરી ગોસાઇ નામના યુવાને વાંકિયા ગામના જીવરાજભાઇ ગડારાની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે પ્રેમલગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હોય ખાર રાખી ઉપરોક્ત આરોપીઓ રાજકોટ આવી આશિષના મોટાભાઇ સંજયગીરીનું કારમાં અપહરણ કરી લઇ ગયા હતા.

બાદમાં સંજયગીરીને ગોંધી રાખી આરોપીઓએ આશિષ અને યુવતી અંગેની પૂછપરછ કરવા બેફામ માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ જ્યોત્સનાબેનને પણ ફોન ઉપર તમારા પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓના સગડ મેળવી ઝડપી લઇ અપહૃત યુવાનને છોડાવ્યો હતો.

આરોપીઓની ધરપકડ બાદ કેસ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ડી.પી.કનાડા, એડવોકેટ શૈલેષગીરી કે.ગોસ્વામીએ પુરાવાઓ સાથે દલીલ કરી આરોપીઓને સજા કરવાની રજૂઆત કરી હતી. બંને પક્ષની રજૂઆત બાદ અદાલતે પુરાવાઓને ધ્યાને રાખી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અપહરણ કર્યું હોવાનું માની તકસીરવાન ઠેરવી સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...