ચૂંટણી પૂરી, ચેકિંગ શરૂ:ગોંડલ અને જામનગરમાં 48.38 લાખની વીજચોરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 104 ટીમના દરોડા, 209 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ

ચૂંટણી પૂરી થતાં જ પીજીવીસીએલ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાઓ પર પાવરચેકિંગ શરૂ કરી દીધું છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલની 104 ટીમે સોમવારે સવારથી જ દરોડા પાડવાનું શરૂ કરી દીધું હતું અને આખા દિવસ દરમિયાન ત્રણેય જિલ્લામાંથી કુલ 48.38 લાખની વીજચોરી પકડાઈ છે. વીજકંપનીની ટીમે ગોંડલ, જામનગર અને સુરેન્દ્રનગરમાંથી 209 વીજકનેક્શનમાંથી પાવરચોરી થતી હોવાનું પકડી પાડ્યું છે.

પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયું છે કે, સુરેન્દ્રનગર સર્કલ હેઠળના લીંબડી, ચુડા, સાયલા સબ ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાં સોમવારે 38 ટીમે દરોડા પાડ્યા હતા. આ વિસ્તારમાં કુલ 519 વીજકનેક્શન તપાસતા તેમાંથી 63 કનેક્શનમાં ગેરરીતિ થતી હોવાનું માલૂમ પડતા ચેકિંગ ટીમે રૂ. 19.96 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ રૂરલ સર્કલમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 31 ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ કર્યું હતું.

ગોંડલ વિસ્તારમાં કુલ 882 વીજકનેક્શન ચેક કરાયા હતા જેમાંથી 90માં ગેરરીતિ બહાર આવતા 14.1 લાખનો દંડ ફટકારાયો છે. જ્યારે જામનગર ગ્રામ્ય અને ખંભાળિયામાં 35 ટીમોએ વીજચેકિંગ કર્યું હતું. 354 વીજકનેક્શન તપાસતા 56માં પાવરચોરી થતી હોવાનું બહાર આવતા વીજચોરી કરનારાઓને 14.32 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...