રાજકોટ શહેરમાં હાલ વાઇરલ રોગચાળાએ ભરડો લીધો છે. ગત સપ્તાહે મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસના 436 કેસ નોંધાયા હતા પણ ફેબ્રુઆરી માસના સપ્તાહમાં જ આ આંક 481 થયો છે. આ સાથે 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં 1877 કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા ઉલટી અને સામાન્ય તાવ કેસમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે.
મનપા હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં જ દરરોજના 70 જેટલા દર્દીઓ ફક્ત શરદી ઉધરસની તકલીફ ધરાવતા આવી રહ્યા છે. જ્યારે નાની ક્લિનિકમાં જ દરરોજની ઓપીડી 150થી 200 થઈ રહી છે અને સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. સામાન્ય રીતે શરદી-ઉધરસની અસર એકાદ સપ્તાહ સુધી જ રહે છે પણ આ વખતના ટ્રેન્ડમાં 15થી 20 દિવસ સુધી દર્દીઓને શરદી રહેવી, ખાંસી, શરીરમાં તૂટ થવી જેવી સમસ્યાઓ થઈ રહી છે.
આ અંગે આરોગ્ય વિભાગ જણાવે છે કે, થોડા થોડા વર્ષે શરદી-ઉધરસના વાઇરસમાં પરિવર્તન આવતું હોય છે તેથી આવું થાય છે ગંભીર કોઇ બાબત નથી. શરદી-ઉધરસ ઉપરાંત આ સપ્તાહે ડેન્ગ્યુના કેસે પણ દેખા દીધી છે. સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં જ મચ્છરજન્ય રોગનો અંત આવે છે અને તેથી જ એક માસમાં ફક્ત 3 જ કેસ નોંધાયા હતા પણ ફેબ્રુઆરી શરૂ થતાં જ બે નવા દર્દી નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.