ભાસ્કર એનાલિસિસ:ખાડા ખીલ્યા: સ્માર્ટ સિટી રાજકોટના પહોળા માર્ગોમાં 46200 ચો.મી. રોડ ખખડધજ, સરેરાશ દર 20 મીટરે આવે છે એક ખાડો!

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60 ફૂટ કે તેથી પહોળા રસ્તાઓની જ તપાસ કરી તો કથળેલી સ્થિતિ જોવા મળી, રાજકોટમાં સૌથી વધુ પ્રમાણ 40 ફૂટના રોડનું છે તેનો હિસાબ મનપાએ હજુ નથી કર્યો

રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રસ્તાઓ ખખડધજ થવા નવી વાત નથી પણ નવી વાત એ છે કે, દર વખતે જે જગ્યાએ ખાડા પડ્યા હોય ત્યાં જ વારંવાર ખાડા પડે છે અને તંત્રએ હજુ સુધી ઉકેલ શોધ્યો નથી આ પરિણામે રાજકોટના રસ્તાઓ એટલા ખખડધજ થયા છે કે, વાહનચાલકોને સેરરાશ દર 20 મીટરે એક ખાડો ખમવો પડે છે.

રાજકોટ શહેરમાં 60 ફૂટ કે તેથી પહોળા રસ્તાઓનું 68 કિ.મી.નું નેટવર્ક છે આ તમામ મુખ્ય માર્ગ અને રાજમાર્ગ છે અને આ રોડ સૌથી સારી સ્થિતિમાં હોવા જોઈએ કારણ કે શહેરની ઓળખ છે પણ આ રસ્તાઓ ચોમાસામાં બિસ્માર બની ગયા છે. મનપાના જ સરવે મુજબ રાજકોટ શહેરના આ મુખ્યમાર્ગો પર 46235 ચોરસ મીટર જેટલો રસ્તો ચોમાસામાં ખાડાગ્રસ્ત બન્યો છે અને ત્યાં રિપેર કરવો પડે છે અને જ્યાં સુધી વરસાદ આવશે ત્યાં સુધી દર વખતે રિપેરિંગ કરવું પડશે.

અહીં એ જણાવીએ કે રાજકોટના મુખ્ય માર્ગોનું ક્ષેત્રફળ ગણીએ તો 1240380 ચોરસ મીટર થાય છે તે પૈકી 46235 ચોરસ મીટરમાં ખાડા પડ્યા છે તેની સરેરાશ કાઢીએ તો શહેરના આ મુખ્ય માર્ગોમાં દર 20 મીટરના અંતરે એક એક ખાડો વાહનચાલકોને જોવા મળે. જો આટલી કથળેલી સ્થિતિમાં પણ મનપા સબસલામતનો દાવો કરતી હોય તો બે બાબત મહત્ત્વની છે. રાજકોટમાં 30, 40 અને 50 ફૂટના રસ્તાઓનું પ્રમાણ ઘણું વધારે છે અને તેમાં ખાડા પડવાની સમસ્યા પણ વધારે હોય છે તેને જો ગણવામાં આવે તો આ સરેરાશ 20 મીટરના બદલે દર 10 મીટરે પહોંચી શકે છે.

ઈસ્ટ ઝોનની હાલત સૌથી ખરાબ જ્યાં રસ્તામાં ખાડા નહિ પણ ખાડામાં રસ્તા હોય તેવો ઘાટ, કારણ ધરે છે ખોદાણ
રાજ્યની દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક તંત્રએ દર વર્ષે જે તે વિસ્તારના રસ્તાની વિગત અને તેમાં નુકસાનીનો અહેવાલ તૈયાર કરવાનો હોય છે અને ગાંધીનગર મોકલવાનો હોય છે. મનપાએ આ અહેવાલ બનાવવાનો ચાલુ કર્યો છે જેમાં સૌથી પહેલા 18 મીટર(60 ફૂટ) અને તેનાથી પહોળા રસ્તાનો સમાવેશ કરાયો છે જેમાં 46235 ચોરસ મીટર નુકસાની બતાવાઈ છે પણ તેમા નુકસાનીના કારણમાં વરસાદને છેલ્લું ગણાવી જુદા જુદા ખોદાણને પહેલો બતાવી પોતાનો બચાવ કર્યો છે.

મનપાએ નોંધ્યું છે કે, યુટિલિટી ડક્ટ, પાણીની લાઈન, ગેસની લાઈન અને પીજીવીસીએલના જૂના ખોદાણ તથા ભારે વરસાદને કારણે ખાડા પડ્યા છે. આ કારણમાં પણ મનપાનો વાંક નીકળે છે કારણ કે જુદી જુદી લાઈન તેમજ યુટિલિટી ડક્ટ માટે ખાડા ખોદાયા હોય તો તે ખાડા બુરાયા બાદ રસ્તો સમથળ અને મજબૂત ફરી બનાવવાની જવાબદારી પણ તંત્રની જ છે.

માત્ર મેટલ-બ્લોકમાં 2 કરોડ ખર્ચાયા
રિપેરિંગ માટે ચોમાસામાં ફક્ત મેટલ નખાય છે અને જ્યાં જરૂર હોય ત્યાં જ સિમેન્ટ બ્લોકથી ખાડા બુરાય છે. રસ્તામાં મેટલ મોરમ કરવામાં જ રૂ.2.15 કરોડ ખર્ચાઈ ગયા છે અને હજુ પણ કામ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...