ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં કોરોનાથી સત્તાવાર 458નાં મોત, સહાય માટેનાં 1028 ફોર્મ ઊપડી ગયાં, મોત સત્યને ઉજાગર કરશે?, લોકોએ કહ્યું-બે દિવસથી ધક્કા ખાઈએ છીએ

રાજકોટ2 મહિનો પહેલા
સહાયના ફોર્મ માટે રાજકોટ મનપા કચેરીએ લોકોની લાંબી લાઇન લાગી.
  • બે દિવસથી લોકો લાઈનમાં ઊભા રહે છે, પણ વારો ન આવતાં પારાવાર મુશ્કેલી
  • ફોર્મ ભરવાની કામગીરી સાવ ગોકળ ગતિએ થતી હોવાનો લોકોનો આક્ષેપ

હવે કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોનાં પરિવારજનોને સહાય આપવા માટે સહાયના ફોર્મના વિતરણની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેને લઈ છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં મોટી સંખ્યામાં પરિવારજનો ફોર્મ ભરવા માટે મનપા કચેરીએ આવી રહ્યા છે. આ અંગે દિવ્યભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે, જેમાં મૃતકનાં પરિવારજનો લાઈનમાં બેસીને ક્યારે વારો આવે એની રાહ જોતાં નજરે પડે છે. કોરોનાએ સિસ્ટમની નબળાઈઓ ખુલ્લી પાડી દીધી છે. સૌથી પહેલા સારવાર માટે દર્દીઓની લાઈનો જોવા મળી હતી, પછી મૃત્યુ વધતાં સ્મશાનોમાં લાઈન લાગી હતી અને હવે સહાય માટે લાઈનો જોવા મળી રહી છે. આ લાઈનોનો ક્યારે અંત આવશે?

મનપાના ચોપડે સત્તાવાર શહેરમાં 458 મોત બતાવવામાં આવ્યાં છે, જ્યારે સહાય માટેનાં 1028 ફોર્મ ચપોચપ ઊપડી ગયાં છે, એટલે કે મૃત્યુ કરતાં ફોર્મ બેથી વધુ ગણા ચાર દિવસમાં ઊપડ્યા છે. આમાં કોરોનાથી કેટલાં મોત થયાં એ સત્ય બહાર આવશે. એમાં સરકાર ફસાશે અથવા તો લોકો. મનપા કચેરીએ દિવ્યભાસ્કરે સહાય માટે વલખા મારતાં પરિવારજનો સાથે વાત કરી હતી, જેમાં એક યુવાને કહ્યું હતું કે બે દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ વારો આવતો નથી.

ફોર્મ ભરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં કોવિડના મૃતક દર્દીનું પ્રમાણપત્ર આપવા માટે ચાલતા ફોર્મ વિતરણમાં આજે પણ લોકોની ભીડ જોવા મળી હતી. મનપા હજુ આ સાદા ફોર્મ ઓનલાઇન મૂકવા વિચારી રહી છે. ત્યારે લોકોને ધક્કા ખાવાને બદલે આ સામાન્ય ફોર્મની ઝેરોક્સ કરાવી લેવાનો અનુરોધ પણ તંત્રવાહકોએ કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં મનપામાંથી આવા 1028 ફોર્મ ઊપડ્યાં છે.

લોકો બે દિવસથી ધક્કા ખાય છે, પણ વારો આવતો નથી.
લોકો બે દિવસથી ધક્કા ખાય છે, પણ વારો આવતો નથી.

વિનામૂલ્યે મળતા આ ફોર્મ ખૂબ સાદા રૂપમાં છે
સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન ખાતે સિવિક સેન્ટરમાં આ ફોર્મ લોકોને અપાઇ રહ્યાં છે. વિનામૂલ્યે મળતા આ ફોર્મ ખૂબ સાદા રૂપમાં છે. વ્હોટ્સએપમાં પણ એ ફરી રહ્યા છે. કોઇ વ્યકિત ઝેરોક્સ કરાવીને પણ કોરોના ડેથ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે, આથી સિવિક સેન્ટરમાં ધક્કો ખાવાની કોઇ જરૂર દેખાતી નથી, પરંતુ મનપાના તંત્રવાહકો સત્તાવાર રીતે આવી જાહેરાત કરતા ન હોઈ, નાગરિકો સહાયની પ્રાથમિક અરજી માટે લાઇન લગાવે છે, બાકી મૂળ કામગીરી તો કલેક્ટર ઓફિસમાં કરવાની છે.

ફોર્મ માટે લોકોની પડાપડી.
ફોર્મ માટે લોકોની પડાપડી.

આજ સુધીમાં આવા 1028 ફોર્મ ઊપડ્યાં
આજે સવારે 11.30 સુધીમાં તો 1028 ફોર્મ ઊપડી ગયાં છે, પરંતુ સર્ટિફિકેટ ક્યારથી અપાશે એ પણ કોઇ કહેતું નથી. આ પ્રમાણપત્ર પરથી જ કલેક્ટર કચેરીમાં સહાય અરજી કરવાની છે. કોર્પોરેશનમાં હજુ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. કચેરીમાંથી ઝેરોક્સ, ફોર્મ ડાઉનલોડ સહિતનાં 20 હજાર ફોર્મ આવવાની આશા છે.

વારો ન આવતાં યુવાનો રોષ ઠાલવી રહ્યા છે.
વારો ન આવતાં યુવાનો રોષ ઠાલવી રહ્યા છે.

આજે વધારાનો સ્ટાફ પણ ફાળવ્યો: મેયર
મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે રાજકોટની અંદર અત્યારસુધીમાં કુલ 1038 લોકોએ ડેથ સર્ટિફિકેટને લઇ અરજી કરી છે. આજે વધારાનો સ્ટાફ પણ ફાળવ્યો છે, જેથી કામગીરી વહેલામાં વહેલી તકે કામગીરી થઈ શકે. આ માટે કોરોનામાં મૃત્યુ થયું હોય તેવું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહે છે. એવા લોકો હશે, જેના પરિવારજનના ડેથ સર્ટિફિકેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો તેમણે સિવિલ હોસ્પિટલમાં તેમનું ડેથ કોરોનાથી થયું હોય એવું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

ફોર્મ ભરવાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાનો લોકોનો આક્ષેપ.
ફોર્મ ભરવાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાનો લોકોનો આક્ષેપ.

ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે
ફોર્મ સાથે અરજદારે મૃતકનું મૃત્યુનું પ્રમાણપત્ર, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યું છે એ અને સાથે અરજદાર અને મૃતકના ફોટો-આઈડી, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સમાંથી કોઈપણ એક રજૂ કરવાનું રહે છે. મૃતકના સ્વજનને મૃત્યુની નોંધણી સમયે ડોક્ટર તરફથી રજૂ કરવામાં આવેલું મરણ અંગેનું પ્રમાણપત્ર નમૂનો ફોર્મ નં-4 રજૂ કરવાનું રહેશે. હાલની રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ મુજબ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનનાં પ્રમાણપત્રો વેસ્ટ ઝોનના જન્મ-મરણ વિભાગો દ્વારા ઇસ્યુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...