રાજકોટમાં થોડા દિવસ પહેલા જ મયુરનગરમાં આવેલા સાડીના કારખાનામાં ચોરી થઈ હતી. બાદમાં વધુ એક ચોરીની ઘટન આ વિસ્તારમાં સામે આવી છે. ફરી મયુરનગર મેઈન રોડ પર ક્રિષ્ના સિલ્વર નામના બંધ પડેલા કારખાનામાં તસ્કરો રૂ. 4.55 લાખની કિંમતનો ચાંદીનો મુદ્દામાલ ચોરી ગયાની ઘટના બનતા થોરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મંદીને કારણે કારણે દોઢ મહિનાથી કારખાનું બંધ હતું
વકીલાતનો વ્યવસાય કરતા કેયુરભાઈ કિશોરભાઈ કેરાળિયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પોતાના મયુરનગર મેઈન રોડ પર આવેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાં ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મંદીના કારણે છેલ્લા દોઢેક મહિનાથી તેનું કારખાનું બંધ હાલતમાં હતું. જોકે, હાલમાં જ તેઓ પોતાના કારખાને ગયા હતા. અહીં પહોંચતા તેમને ખ્યાલ આવ્યો હતો કે, કારખાનામાં ચોરી થઈ છે. કારખાનાના બાજુમાં બિલ્ડિંગનું બાંધકામ ચાલતું હોય તે તરફની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો કારખાનામાં ઘૂસ્યા હતા અને કારખાનાના ડેલાનું તાળુ તોડ્યું હતું.
કારખાનાના શટરનું તાળુ તોડી ચોરી કરી
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાં ચાંદીનું કાસ્ટિંગ, ચાંદીની ચેઈન અને ચાંદીની ઘુઘરી બનાવવાનું અગાઉ કામ થતું હતું. કારખાનામાં ઘૂસેલા તસ્કરોએ ડેલાનું તાળુ તોડ્યા બાદ ઓફિસમાં જવા માટે લોખંડનું શટર હતું તેનું તાળુ તોડ્યું હતું. ઓફિસમાં પ્રવેશી તસ્કરોએ રૂ.5 હજારની કિંમતનું LCD ટીવી ચોરી કર્યું હતું. ત્યારબાદ ઓફિસમાં લાકડાના ટેબલમાં ચાંદીના દાગીના બનાવવાની પેટર્ન (માસ્ટર પીસ) જે આશરે બેથી અઢી કિલોના હતા અને તેની કિંમત આશરે 45 હજાર થતી હતી તે ચોરી કરી લઈ ગયા હતા. ત્યારબાદ ત્રીજી ઓફિસમાં બે લોખંડના કબાટ અને લાકડાના ટેબલના ખાનામાંથી ચાંદીના દાગીના બનાવવાની અલગ અલગ પેટર્ન આશરે સાડા બાવીસ કિલો ચાંદી જેની કિંમત આશરે 4.05 લાખ થતી હોય તે તસ્કરો ચોરી ગયા હતા.
પોલીસે પાંચ શખસને સકંજામાં લીધા
આમ કુલ 4,55,000નો મુદ્દામાલ ચોરાયા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તસ્કરો ડીવીઆર અને ઓફિસમાં રાખેલા લેપટોપમાં નુકસાની કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે થોરાળા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે IPC કલમ 454, 457, 380, 427 મુજબ ગુનો દાખલ કરી PI જે.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI જી.એસ. ગઢવીએ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણભેદુઓએ જ ચોરી કર્યાની શંકા જતા પોલીસે પાંચેક આરોપીઓને સકંજામાં લઈ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
ગોંડલમાં વાડીનાં ગોડાઉનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
ગોંડલ સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.કે. ચૌહાણ અને કોન્સ્ટેબલ અમરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે પર ખોડલ દીપ હોટેલ પાછળ આવેલ પ્રવિણ કેશુ સાટોડીયાની વાડીના ગોડાઉનમાં ચાલતા જુગારધામમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવીણ કેશુ સાટોડીયા, ધીરુ પોપટ ભુવા, પ્રવીણ ગોવિંદ પટોળીયા, શૈલેષ મનસુખ સીદીપરા, યોગેશ હંસરાજ સાટોડીયા અને અરવિંદ રામજી લાખાણીને રૂ.46 હજારની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પતિએ ઝઘડો કરી પત્ની અને સાળા ઉપર છરીથી હુમલો કર્યો
રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પતિએ તેની પત્ની અને સાળા ઉપર છરીથી હુમલો કરતા પોલીસ દોડી ગઇ હતી. ઇજાગ્રસ્ત બંને વ્યકિતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પ્રદ્યુમનનગર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા કુસુમબેન આશિફભાઇ મકવાણા (ઉ.વ.25, રહે. હાલ પોપટપરા, કૃષ્ણનગર, શેરી નં.6, મુળ વાંકાનેર) એ જણાવ્યું કે, ગઇકાલે તેનો પતિ આશિફ ઉર્ફે આશકી રસુલભાઇ મકવાણા અને તે બંને રેસકોર્ષ રોડ પર ફન વર્લ્ડ પાસે હતા. ત્યારે પતિએ ઝઘડો કરી મારામારી કરી હતી. જેના કારણે કુસુમબેનનો ભાઇ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આરોપીએ પત્ની અને સાળા બંનેને અપશબ્દો કહી છરી વડે હુમલો કરતા બંનેને ઇજા પહોંચી હતી. બનાવના પગલે બંનેને સારવારમાં ખસેડાયા હતા. પોલીસે ફરીયાદ પરથી સાસીફની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.