કામગીરી:રાજકોટમાં મહિનામાં 4,500 નોન-ક્રીમિલેયર સર્ટિ. નીકળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 8.30થી રાત્રે 10 વાગ્યા સુધી કામગીરી

પોલીસ વિભાગમાં ભરતી જાહેર થતાં બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ માટે યુવાનોની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં અધધધ 4,500 યુવક- યુવતીએ નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવ્યું છે. ત્યારે વિકસતી જાતિના નાયબ નિયામકે જણાવ્યું હતું કે, સતત વધતી ભીડને ધ્યાનમાં રાખી સવારે 8.30થી રાત્રે 10 વાગ્યા સુધી સર્ટિફિકેટની કામગીરી શરૂ છે.

કોરોનાને કારણે લાંબા સમયથી સરકારી ભરતીઓ અટકી પડી હતી. ત્યારે હવે ફરી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી શરૂ થઈ છે. પોલીસ વિભાગની જાહેર થયેલ ખાલી જગ્યાઓ પર હાલ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યાં છે. જોકે અનામતનો લાભ લેવા માટે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જેથી રાજકોટ બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર માટે યુવાનોની ભીડ જોવા મળી રહી છે. વિકસતી જાતિના નાયબ નિયામક એમ.એમ. પંડ્યાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેરમાં 4,500 યુવક-યુવતીઓના નોન-ક્રીમિલેયર સર્ટિ. કાઢવામાં આવ્યાં છે. હજુ પણ યુવાનોની ભીડ સતત વધી રહી છે. જેથી કુલ 6 હજાર નોન-ક્રીમિલેયર સર્ટિ. નીકળે તેવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...