તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:45% વાલીએ બાળકનો ધો.1માં પ્રવેશ લીધો નથી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ જિલ્લામાં દર વર્ષે ધો.1માં 60 હજાર બાળકો પ્રવેશ લે છે, હજુ સુધી અંદાજિત માત્ર 33 હજાર જ થયા
  • કેટલાક માતા-પિતાએ કહ્યું કે, સ્કૂલને બદલે ઘેર બેસીને ભણવાથી બાળકોનો પાયો જ કાચો રહી જાય છે
  • વાલીઓએ કહ્યું, હાલ શાળાએ જવાનું નથી અને RTEમાં હજુ પ્રવેશની પ્રક્રિયા શરૂ નથી થઈ

શાળાઓમાં હાલ જુદા જુદા ધોરણમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ ધો.1માં હજુ 45 ટકા જેટલા વાલીઓએ પોતાના બાળકને પ્રવેશ નથી લેવડાવ્યો. કારણ કે, વાલીઓ માને છે કે હાલ બધા ધોરણમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે. ઓનલાઈન અભ્યાસમાં બાળક હાલ જે ધોરણમાં ભણે તેનો પાયો પાકો થાય પછી જ ધો.1માં પ્રવેશ લેશે. ઘણા વાલીઓ બાળકને હજુ બીજી વખત હાયર કેજીમાં રાખવા માગે છે. બીજી બાજુ મોટી સંખ્યામાં વાલીઓ એવા છે જેમને પોતાના બાળકનો ધો.1માં પ્રવેશ RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ કરાવવો છે તેથી જ હજુ સુધી કોઈ અન્ય ખાનગી શાળામાં પ્રવેશ લીધો નથી.

રાજકોટના ઘણા વાલીઓ હજુ આરટીઈ હેઠળ પ્રવેશ લેવડાવવાની રાહ જોઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ સહિતની તમામ સ્કૂલમાં દર વર્ષે અંદાજિત 60 હજાર બાળકોનો ધો.1માં પ્રવેશ થાય છે પરંતુ હજુ સુધી આશરે માત્ર 55 ટકા એટલે કે 33 હજાર વાલીએ પ્રવેશ લીધો છે, 45 ટકા એટલે કે 27 હજાર વાલીએ પ્રવેશ લીધો નથી.

દર વર્ષે ફેબ્રુઆરીમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે હજુ થઈ નથી

કિસ્સો-1 : RTE માટે ખૂબ રાહ જોઈ, આખરે પ્રવેશ લઇ લીધો
છેલ્લા ત્રણેક મહિનાથી અમે આરટીઈ હેઠળ બાળકને પ્રવેશ લેવડાવવાની પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ. હજુ ક્યારે આ પ્રક્રિયા થશે તે નક્કી નથી, આરટીઈની રાહ જોવામાં ક્યાંક ખાનગી સ્કૂલમાં પણ એડમિશન ફુલ થઇ જાય તો બાળકને ક્યાં પ્રવેશ લેવડાવવો? તેથી અમે નાછૂટકે ખાનગી સ્કૂલમાં ધો.1માં પ્રવેશ લઇ લીધો. > ક્રિષ્નાબેન નિમાવત, વાલી

કિસ્સો-2 : પાયો કાચો રહ્યો, ફરી HKG કરાવીશું
કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. અમારું બાળક એચકેજીમાં અભ્યાસ કરે છે પરંતુ ઓનલાઈન શિક્ષણમાં કેટલીક બાબતો સમજવા બાળકો સક્ષમ નથી હોતા અને ઓનલાઈન શિક્ષણને કારણે બાળકનો એચકેજીનો પાયો કાચો રહી ન જાય તે માટે અમે ધો.1માં પ્રવેશ લેવાને બદલે ફરી એચકેજી કરાવવાનું નક્કી કર્યું છે. > ભૂષણભાઈ પટેલ, વાલી

વાલી ખાનગી શાળામાં ધો.1માં હંગામી પ્રવેશ લઇ શકે
જે વાલીને પોતાના બાળકનું ધો.1માં આરટીઈ હેઠળ પ્રવેશ લેવો છે તેઓ ખાનગી શાળામાં હંગામી ધોરણે ટોકન ફી ભરીને પ્રવેશ લઇ શકે છે. જો તે બાળકને આરટીઈ હેઠળ પ્રવેશ મળે તો ટોકન ફી પરત મળી શકે અને પ્રવેશ ન મળે તો એ જ સ્કૂલમાં બાકીની ફી ભરી એડમિશન કન્ફર્મ કરી શકે છે. ખાનગી શાળાએ આ પ્રમાણે હંગામી પ્રવેશ આપવો જોઈએ. - ડી.વી. મેહતા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

RTEમાં પ્રવેશ પાત્રતા ધરાવતા વાલી રાહ જોઈ શકે છે
આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અંગે હજુ કોઈ સૂચના મળી નથી પરંતુ જે વાલીઓ આરટીઈની ગાઈડલાઈન અને નિયમો પ્રમાણે પાત્રતા ધરાવતા હોય, બધા ડોક્યુમેન્ટ પૂરતા હોય તે વાલી આરટીઈમાં પ્રવેશ માટે રાહ જોઈ શકે છે. આગામી દિવસોમાં પ્રવેશ પ્રક્રિયા થશે. - બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...