તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્લેષણ:45% યુવાનો કોરોનાકાળમાં ધીરજની કમી અને જીવનલક્ષ્ય સાધવામાં નબળા પડ્યા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોએ કહ્યું, તણાવમાં જીવવું કે ધ્યેય નક્કી કરવો કાંઈ સમજાતું નથી

કોરોના મહામારીના સમયમાં 15થી 25 વર્ષના યુવાનો સાઇકોલોજી ડિપાર્ટમેન્ટની હેલ્પલાઈનમાં ફોન કરીને કહી રહ્યા છે કે, તેઓ આ મહામારીમાં જીવનલક્ષ્ય સાધવામાં નબળા પડી રહ્યા છે. સાઇકોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિની નિશા પુરોહિતે આ અંગે હેલ્પલાઈનમાં આવેલા કોલના આધારે વિશ્લેષણ કર્યું જેમાં 45 ટકા યુવાનો જીવનલક્ષ્ય સાધવામાં નબળા હોવાનું બહાર આવ્યું હતું. કિશોરાવસ્થા અને યુવાવસ્થા માનવીના જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉંમરમાં જીવનનું ધ્યેય નક્કી થાય છે.

સાથે માનસિક સંઘર્ષ પણ અનુભવાય છે. આકર્ષણની ઉંમર અને સાથે કરિયર પસંદગીની પણ. આ અવસ્થામાં ઘણા ફેરફાર થતા જોવા મળે છે તેથી એક તણાવ જોવા મળે છે. આજકાલ યુવાનોમાં ધીરજની કમી તથા કૌટુંબિક વાતાવરણથી અણગમો થવો, મિત્રો જ ગમવા, અલગ દુનિયામાં રાચવું, પોતાની જ જીદ અને હઠ સાચી એવા ઘણા ચડાવ ઉતાર જોવા મળે અને જેથી ઘણા યુવાનો તણાવનો ભોગ બને છે. આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ખૂબ પ્રભાવ પડી રહ્યો છે. સોશિયલ મીડિયાના લીધે યુવા લોકો પોતાના ઘરના સભ્યો તેમજ મિત્રોથી ઘણા દૂર જતા જાય છે અને માત્ર સોશિયલ મીડિયાના સંબંધોમાં જ રચ્યાપચ્યા રહે છે. ડો. જોગસણ જણાવે છે કે, યુવાવસ્થામાં તણાવ દૂર કરવા માટે ચોક્ક્સ ધ્યેય સાથે જીવવું, માતાપિતાએ આ ઉંમરમાં થતા ફેરફારોની પૂરતી જાણકારી આપવી.

ઘરના સભ્યો સાથે સમાયોજન સાધવાની કોશિશ કરવી. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ન કરવો. સમાજના નિયમોને સમજવાના પ્રયત્નો કરવા. બેરોજગારીમાંથી બચવા નાની રોજગારી મેળવી. જેથી મનોબળ મજબૂત બને, ટાઈમ મેનેજમેન્ટ કરવું, વ્યસની મિત્રોથી દૂર રહેવું, વસ્તુ કે વ્યક્તિ કોઈનું વ્યસન થાય તે પહેલા તેને કન્ટ્રોલ કરવું, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ સાથે સંબંધ રાખવો, મનને મજબૂત રાખવાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...