તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નું વિશ્લેષણ:કોરોનાને કારણે 45 ટકા લોકો વારંવાર મૂડ પરિવર્તન એટલે કે ‘બાયપોલર ડિસઓર્ડર’નો ભોગ બન્યા, ઘણા મહિના સુધી ઉદાસ રહે છે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • દુ:ખના સમયે નકારાત્મક વિચારો અને વધારે ખુશીનાં કારણે મનમાં મોટા- મોટા વિચારો આવે છે
  • લોકો ઉપચારથી આ વિકૃતિમાંથી સાજા થઈ સારી રીતે કાર્ય કે અભ્યાસ કરી શકે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને કરેલા સ્ટડી કેસમાં જાણવા મળ્યું છે કે, કોરોનામાં લોકો બાયપોલર ડિસઓર્ડર શિકાર બન્યા છે. મનોવિજ્ઞાન ભવનમાં આવેલ બીજી લહેરમાં 3690 કોલના વિશ્લેષણના આધારે કહી શકાય કે 45% લોકો મહામારીને કારણે મૂડ ડિસઓર્ડરનો ભોગ બન્યા છે. વ્યક્તિ ક્યારેક ખુશ હોય તો ક્યારેક ઘણા મહિના સુધી ઉદાસ થઈ બેસી રહે છે.

આ રોગમાં હવામાન પલ્ટાની મહત્વપૂર્ણ ભૂમિકા
બાયપોલર ડિસઓર્ડર એક પ્રકારની જટિલ માનસિક બિમારી છે. જેમાં દર્દીનું મન ખૂબ જ ઉદાસી રહે છે અથવા ઘણા મહિનાઓ કે અઠવાડિયા સુધી સતત ખુશ રહે છે. આ રોગને મેનિક ડિપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ચક્રીય વિકાર છે. જેમાં પીડિતાનો મૂડ એકાંતરે બે જુદી જુદી અને વિરોધી સ્થિતિમાં જતો રહે છે. આ રોગમાં માનવીના વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. કેટલીકવાર તેનો મૂડ ખૂબ ખુશ હોય છે અને કેટલીકવાર તે વાત કર્યા વિના ખૂબ જ દુ:ખી હોય છે. દુ:ખના સમયે નકારાત્મક વિચારો અને વધારે ખુશીનાં કારણે મનમાં મોટા- મોટા વિચારો અને વધારે આનંદની સ્થિતિમાં આવે છે. આ રોગમાં હવામાન પલ્ટાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પાનખર અને શિયાળા દરમિયાન દર્દીમાં તાણના લક્ષણો જોઇ શકાય છે.

બાયપોલર ડિસઓર્ડરને ગહન ખિન્નતા પણ કહેવાય
કોઈ પણ પ્રકારની મહામારી આવે ત્યારે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ કથળતું હોય છે. કોરોનાને કારણે જુદાં જુદાં પ્રકારના આવેગો અનુભવવાને કારણે વારંવાર મૂડ પરિવર્તન અને હતાશાગ્રસ્ત સ્થિતિ વ્યક્તિમાં આવ્યા કરે છે. ક્યારેક પોતાને શક્તિવાન કે ઊર્જાવાન સમજે છે તો ક્યારેક શક્તિ હિનતા અનુભવવા લાગે છે. તેના મુડમાં સમયાંતરે સતત પરિવર્તન થયા કરે છે. બાયપોલર ડિસઓર્ડરને ગહન ખિન્નતા પણ કહેવામાં આવે છે. જે વારંવાર મૂડ પરિવર્તનનું કારણ બને છે. જેમાં વ્યક્તિનું ભાવનાત્મક સ્તર ઊંચું અથવા નિમ્ન હોય છે.

મુડમાં પરિવર્તન અઠવાડિયામાં કેટલીય વખત થઈ શકે
જ્યારે આપણે હતાશા ગ્રસ્ત હોઈએ છીએ ત્યારે પોતાને નિરાશ કે ઉદાસ અનુભવ કરીએ છીએ અને મોટેભાગે આપણી ગતિવિધિઓથી પોતાની રુચિ ખોઈ બેસીએ છીએ. જ્યારે મૂડ બીજી દિશા તરફ બદલાય છે ત્યારે તે પોતે પોતાને ખુશી અને ઊર્જાથી ભરપૂર છે તેવા અહેસાસનો અનુભવ તેને થાય છે. મુડમાં પરિવર્તન અઠવાડિયામાં કેટલીય વખત થઈ શકે છે. સામાન્ય લોકોના અનુભવની તુલનામાં બાયપોલર ડિસઓર્ડરથી પીડિત લોકો પોતાને વધારે ગંભીર, નબળા અને અસમર્થ અનુભવે છે. કેટલાક લોકોમાં મતિભ્રમ, ખરાબ સપના જોવા વગેરે લક્ષણો પણ હોઈ શકે છે. લોકો ઉપચાર દ્વારા આ વિકૃતિમાંથી સાજા થઈ સારી રીતે કાર્ય કે અભ્યાસ કરી શકે છે અને સક્ષમ જીવન જીવી શકે છે.

મહિનાઓ સુધી વ્યક્તિ ઉદાસ રહે છે.
મહિનાઓ સુધી વ્યક્તિ ઉદાસ રહે છે.

બાયપોલર ડિસઓર્ડર એક હાનિકારક અને દીર્ઘકાલીન સ્થિતિ
કેટલાંક અભ્યાસ પ્રમાણે બાયપોલર ડિસઓર્ડરથી ગ્રસ્ત લોકોની રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો થઇ શકે છે. જોકે મૂડ પરિવર્તન તેને કોઈ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા કે કોઈ પરી યોજના અનુસાર કાર્ય કરવામાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. પરિણામ સ્વરૂપ વ્યક્તિ કોઈ પ્રોજેક્ટ કે કામની શરૂઆત કરી દે છે, પરંતુ તેને પૂર્ણ કરી શકતો નથી. બાયપોલર ડિસઓર્ડર એક હાનિકારક અને દીર્ઘકાલીન સ્થિતિ છે. આપને યોજના અનુસાર મૂડ પરીવર્તનને અટકાવી શકીએ છીએ. મોટે ભાગે બાયપોલર ડિસઓર્ડરને દવાઓ અને મનોવૈજ્ઞાનિક પરામર્શની મદદથી નિયંત્રિત કરી શકીએ છીએ.

ક્યારે થાય છે બાયપોલર ડિસઓર્ડર?
બાયપોલર ડિસઓર્ડર લગભગ 100માંથી 1 વ્યક્તિને જિંદગીમાં ક્યારેક થવાની શક્યતાઓ હોય છે. બાયપોલર ડિસઓર્ડર સામાન્ય રીતે 15થી 20 વર્ષની વચ્ચે શરૂ થાય છે અને પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાનરૂપે અસર કરે છે. પરંતુ હાલમાં મહામારીને કારણે તેનું પ્રમાણ ખુબ જ વધ્યું છે.

બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો
1. ભારે ઉદાસી.
2. કોઈ પણ કાર્યમાં અણબનાવ
3. ચીડિયાપણું અને ગભરાટ
4. ભવિષ્ય વિશે વિચારવું
5. નિરાશા, શરીરમાં ઉર્જાનો અભાવ અને પોતાના પર નફરત
6. ઉંઘનો અભાવ અને મનમાં રડવાની ઈચ્છા
7. આત્મવિશ્વાસનો સતત અભાવ
8. સતત મગજમાં આત્મહત્યાના વિચારો
9. વજનમાં વધારો અથવા ઘટાડો
10. દર્દીનો વાસ્તવિકતા સાથેનો સંબંધ તૂટી જાય છે
11. દર્દી કોઈ કારણ વિના કાનમાં અવાજો સાંભળવાનું શરૂ કરે છે
12. ઝડપી વાણી અથવા વાત કરવાની સતત વિનંતી
13. એક વિચાર થી બીજાની મદદ માટે પૈસા વધારે વાપરવા, જરૂરિયાત માટે ઘણો સમય વિતાવવો, પીડિત વ્યક્તિ પોતાને ખૂબ મોટો સમજવા લાગે છે.
14. અતિશય વ્યસ્તતાને લીધે દોડતા રહે છે તેના લીધે ઊંઘ અને ભૂખ ઓછી થાય છે. આ ઉપરાંત અસામાન્ય રીતે ઉત્સાહિત, ચીડ ચિડ્યુ વર્તન કે અજીબ હરકત કરવી, શક્તિ કે વ્યાકુળતામાં વધારો, નિંદ્રાની જરૂરિયાત ઓછી અનુભવવી, કારણ વગર વધારે બોલવું, કંઇક ને કંઇક વિચારતા રહેવું, નિર્ણય લેવામાં તકલીફ, ઉદાસ મૂડ, ખાલીપણું, નિરાશાજનક અને દુઃખ અનુભવવું, કોઈપણ પ્રકારની ક્રિયાઓમાં કોઈ રૂચિ કે ઈચ્છા ન રાખવી, વજનમાં વધારો કે ઘટાડો, ક્યારેક ભૂખ વધારે લાગવી કે ઓછી લાગવી, અનિંદ્રા કે વધારે પડતી ઊંઘ આવવી, અજંપો અનુભવવો, ધીમે ધીમે કામ કરવું, થાકી જવું કે શક્તિમાં ઘટાડો અનુભવવો, વિચારમાં કે ધ્યાન આપવામાં ઘટાડો થવો, આત્મહત્યા કરવાની યોજના બનાવવી કે પ્રયાસ કરવો.

3690 કોલના વિશ્લેષણના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને તારણ કાઢ્યું.
3690 કોલના વિશ્લેષણના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને તારણ કાઢ્યું.

બાયપોલર ડિસઓર્ડરનાં કારણો
આનુવંશિક: સંશોધનમાં જાણવા મળ્યું છે કે બાયપોલર ડિસઓર્ડર પણ આનુવંશિક છે. જો કોઈના માતા અથવા પિતાને આ રોગ છે તો પછી તેમના બાળકોમાં પણ આ રોગ થવાની સંભાવના છે.
તાણ: તાણ પણ આ રોગનું એક કારણ છે. જીવનમાં વધુ તાણ જેવા કે ઘરે આર્થિક સમસ્યા અથવા અન્ય કોઈ માનસિક તાણ પણ આ રોગને જન્મ આપી શકે છે.
ન્યુરોકેમિકલ પરિબળો: શરીરમાં નોરેપીનેફ્રાઇન, સેરોટોનિન જેવા રસાયણો (ન્યુરોટ્રાન્સમીટર) ની નિષ્ક્રિયતા પણ આનું એક મુખ્ય કારણ છે.
વ્યસન: સંશોધન મુજબ જે લોકો વધુ માદક દ્રવ્યોનું સેવન કરે છે તેમને આ રોગ થવાની સંભાવના વધારે હોય છે. આલ્કોહોલ અથવા અન્ય કોઈ ડ્રગનો વ્યસન પણ બાયપોલર ડિસઓર્ડરનું કારણ બની શકે છે.

બાયપોલર ડિસઓર્ડરની સારવાર
બાયપોલર ડિસઓર્ડરની સારવાર માટે ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે. આ પ્રકારની દવાને મૂડ સ્ટેબ્લાઇઝિંગ દવા કહેવામાં આવે છે. પરંતુ ડોક્ટરની સલાહ વિના કોઈ પણ દવા લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણી વખત આ રોગના લક્ષણો પોતાની જાતે જ સમાપ્ત થાય છે અને દર્દી સામાન્ય બને છે. પરંતુ જો સમસ્યા વધી છે તો તરત જ મનોચિકિત્સક અથવા ડોક્ટર પાસે જવું. થોડી બેદરકારી પાછળથી મોટી સમસ્યામાં ફેરવી શકે છે. આ સિવાય દર્દીએ તેના પરિવાર અને મિત્રો સાથે વધુ વાત કરવી જોઈએ અને સારા સંબંધો જાળવવા જોઈએ. સકારાત્મક સંબંધો માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.

સારવાર માટેના ઉપાયો
ચેતવણીના સંકેતો પર ધ્યાન આપવું, દારૂ અને કેફી દ્રવ્યોનું સેવન ન કરવું, સૂચના મુજબ દવાઓ લેવી, અન્ય દવાઓ લેતા પહેલા તપાસ કરવી, સંકેત કે લક્ષણોની તપાસ, માનસિક ઉપચાર કરાવવો જેમ કે બોધનાત્મક વર્તન મનોઉપચાર, આંતર વૈયક્તિક સામાજિક રિધમ ઉપચાર, સામાજિક રીતે જોડાયેલા રહો, તમારી જાત માટે કંઈકને કંઈક કામ કરતા રહો, હળવી કસરત કરવી, મસાજ શરીરને કરાવવો, મેડિટેશન, ધ્યાન, યોગ ઉપરાંત ઓટોસજેશન થકી મનને કન્ટ્રોલમાં રાખી શકાય, હળવું મ્યુઝિક સાંભળો, ફોટો થેરાપીનો ઉપયોગ કરો, ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવો.

અન્ય સમાચારો પણ છે...