વીજચોરોની ખેર નથી:રાજકોટમાં વીજચોરી ઝડપી લેવા PGVCLની 44 ટીમો 30થી વધુ વિસ્તારોમાં ઉતરી, ચેકીંગ ડ્રાઈવ શરુ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન - Divya Bhaskar
PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન
  • બોટાદમાં રૂ.93 લાખ અને માંગરોળમાં રૂ.5 લાખની વીજચોરી ઝડપાઇ

રાજકોટમાં આજે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ 44 ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ સીટી ડિવિઝન 3 હેઠળ PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

30થી વધુ વિસ્તારોમાં 44 ટીમો કાર્યરત
થોડા સમયના વિરામ બાદ આજે ફરી રાજકોટ શહેરના ડિવિઝન 3 હેઠળ PGVCL દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. 30થી વધુ વિસ્તારોમાં 44 ટીમો દ્વારા આજે સવારે 8 વાગ્યા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાવડી, ખોખડદળ, રૈયારોડ અને માધાપર સબ ડિવિઝનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સીતારામ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી, તિરુપતિ સોસાયટી, ગણેશ સોસાયટી, પરાશરપાર્ક, વોરા સોસાયટી, રૈયાધાર, આરએમસી ક્વાર્ટર્સ, ગોપાલ સોસાયટી વગેરે સમાવેશ થાય છે.

બોટાદમાં રૂ.93 લાખની વીજચોરી ઝડપાઇ
બોટાદ ડીવીઝન હેઠળના બોટાદ ટાઉન-2 સબ ડીવીઝનના વીજ ગ્રાહક ઇન્દુલાલ એન. પટેલ ના કારખાનાનું વીજ જોડાણ ચકાસતા કુલ 81.07 KW લોડ જોડેલ હતો. જેની ચકાસણી કરતાં મીટર પેટી ઉપરના સીલ સાથે ચેડા જણાયેલ અને ટર્મિનલ કવરનું સીલ હયાત ન હતું. આ મીટર તા.22-04-2022ના રોજ મીટર ટેસ્ટીંગ લેબમાં ગ્રાહકની હાજરીમાં વિશેષ ખરાઈ કરતાં મીટર સાથે ચેડા કરવામાં આવેલ હોવાની જાણ થતા PGVCL દ્વારા ગ્રાહકને અંદાજે રૂ.93 લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.

30થી વધુ વિસ્તારોમાં 44 ટીમો દ્વારા ચેકીંગ ડ્રાઇવનું આયોજન
30થી વધુ વિસ્તારોમાં 44 ટીમો દ્વારા ચેકીંગ ડ્રાઇવનું આયોજન

ચોરવાડમાં વીજચોરી કરતાં રંગે હાથે વીજ ગ્રાહક ઝડપાયા
જયારે માંગરોળ ડીવીઝન હેઠળના ચોરવાડ સબ ડીવીઝનના વિસ્તારમાં વીજ ગ્રાહક માલદે મેરામણ કાતરિયાના ફ્લોર મિલ/ધંટીના વીજ જોડાણની તા.23-04-2022ના રોજ તપાસણી કરતાં કુલ 6.41 KW લોડ જોડવામાં આવેલ. આ વીજ જોડાણ પાસે આવેલ એલ.ટી. પોલ ઉપરથી વધારાનો કેબલ લગાડી સીધો વીજ વપરાશ સાથે જોડી મીટર બાયપાસ કરી વીજચોરી કરતાં રંગે હાથે પકડાઈ ગયેલ. PGVCL દ્વારા ગ્રાહકને આશરે રૂ.5 લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું હતું

એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી
ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 માં ફક્ત માર્ચ-22 એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. PGVCL દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી.

1298 વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું
વાવડી શહેરી સબ ડિવિઝન, માધાપર સબ ડિવિઝન, ખોખડદળ સબ ડિવિઝન, રૈયારોડ સબ ડિવિઝનની 44 ટીમ ચેકિંગમાં ઉતરી હતી. જેમાં 1298 વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 155 વીજ કનેક્શનમાં ચોરી થતાનું માલુમ પડતા 31.71 લાખની રકમના બિલ ફટકાર્યા હતા. સીતારામ સોસા., હરિદ્વાર સોસા., કૈલાશપાર્ક સોસાયટી, સોમનાથ સોસા., ગણેશ સોસા., તિરુપતિ સોસા., પરાશર પાર્ક, ગાંધી સોસાયટી, વોરા સોસાયટી, RMC ક્વાર્ટર્સ, અને ગોપાલ સોસાયટીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.