શહેરના કોઠારિયા રોડ પર આવેલી બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની રોકડ ચોરી ગયા છે. હુડકો ક્વાર્ટરમાં રહેતા સંજયભાઇ જયસુખભાઇ કક્કડ નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ કોઠારિયા રોડ પર શ્રીનાથજી ટ્રેડિંગના નામની દુકાન ધરાવે છે. શનિવારે રાતે સાડા નવ વાગ્યે પોતે અને પિતરાઇભાઇ સાથે દુકાન વધાવી ઘરે ગયા હતા.
બાદમાં રાબેતા મુજબ રવિવારે સવારે આઠ વાગ્યે પિતરાઇભાઇ સાથે દુકાને પહોંચ્યા હતા. દુકાનનું શટર ખોલી અંદર જતા દુકાનમાં પડેલી ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. ત્યારે વેપારીઓને પેમેન્ટ ચૂકવવાના રોકડા રૂ.4 લાખ શનિવારે દુકાનમાં જ રાખ્યા હોય તુરંત જ્યાં રૂપિયા રાખ્યા હતા. ત્યાં તપાસ કરતા ચાર લાખની રોકડ જોવા મળી ન હતી. ચોરી થઇ હોવાની શંકાએ દુકાનમાં તપાસ કરતા ઉપરના માળે અગાશીનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો.
આ જ સમયે બાજુમાં જ આવેલી ગાયત્રી સિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા હિતેષભાઇ ધર્મેશભાઇ વસદાણી દુકાને આવ્યા હતા. અને તેમની દુકાનની અગાશીનો દરવાજાનો નકૂચો તોડી તસ્કર અંદર પ્રવેશી ચીજવસ્તુઓ વેરણછેરણ કરી કાઉન્ટરના ખાનામાં રાખેલા રોકડા રૂ.35 હજારની ચોરી થઇ હોવાની વાત કરી હતી. હિતેષભાઇની વાત સાંભળ્યા બાદ તેમને ત્યાં પણ આવી જ રીતે ચાર લાખની રોકડની ચોરી થઇ હોવાની વાત કરી હતી. બે દુકાનમાં ચોરી થયા અંગે ભક્તિનગર પોલીસમાં જાણ કરી હતી.
ક્રાઇમ બ્રાંચની ટીમ જામનગર રોડ, ઘંટેશ્વર પાર્ક હોટેલ પાસે વાહનચેકિંગ કરી રહી હતી. આ સમયે પસાર થયેલું એક ડબલસવારી બાઇકને પોલીસે અટકાવ્યું હતું. બાઇકસવાર બંને શખ્સની પૂછપરછ કરતા એક મચ્છાનગરમાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ ભનુભાઇ ચૌહાણ અને બીજો ભગીરથ સોસાયટીમાં રહેતો સંજય મનસુખ જોશી હોવાનું તેમજ બંને કલરકામની મજૂરી કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે વાહનના કાગળો અંગે પૂછપરછ કરતા બંને ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા. જેથી પોલીસે લાલ આંખ કરતા બંનેએ એક મહિના પહેલા કોઠારિયા રોડ, ગોકુળનગરના ગેટ પાસેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.