અબ મુશ્કીલ નહીં કુછ ભી:પ્રેરણાત્મક મ્યુઝિક સાથે મ્યુકોરમાયકોસિસના 41 દર્દીને સમરસ હોસ્ટેલમાં દાખલ કરાયા, સર્જરી બાદ પૂરક સારવાર આપવામાં આવશે

રાજકોટ5 મહિનો પહેલા
સમરસ ખાતે દર્દીઓ માટે મોટી સંખ્યામાં બેડ અને સ્ટાફ ઉપલબ્ધ.
  • અટેન્ડન્ટે દાખલ થનાર દર્દીઓનું 'અબ મુશ્કીલ નહીં કુછ ભી' ગીતથી વેલકમ કર્યું

રાજકોટમાં હાલ મ્યુકોરમાયકોસિસના કેસ પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સિવિલમાં મ્યુકોરમાયકોસિસમાં દર્દીઓની સર્જરી બાદ પૂરક સારવાર સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે કરવામાં આવશે, જેથી આજે 41 જેટલા પોસ્ટ ઓપરેટેડ દર્દીઓને સમરસ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં દાખલ થનાર દર્દીઓનું અટેન્ડન્ટે પ્રેરણાત્મક ગીત 'અબ મુશ્કીલ નહીં કુછ ભી' થી વેલકમ કર્યું હતું.

આ વ્યવસસ્થા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી
કોરોના બાદ મ્યુકોરમાયકોસિસની મહામારી આવતાં હાલ રાજકોટ સિવિલમાં 490થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને રાઉન્ડ ધી ક્લોક તેમનાં ઓપરેશન્સ કરવામાં આવે છે. આવા દર્દીઓને એક સપ્તાહ જેટલો સમય સિવિલમાં રાખ્યા બાદ આગળની સારવાર માટે સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટર ખાતે સ્થળાંતર કરી સિવિલ ખાતે અન્ય દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ રાખવા આ વ્યવસ્થા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. સમરસ ખાતે આજ રોજ 41 જેટલા પોસ્ટ ઓપરેટેડ દર્દીને લાવવામાં આવ્યા હતા, જેમનું સ્ટાફ દ્વારા ગીત-સંગીતની ધૂન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓની જેમ આ દર્દીઓને પણ સારવાર સાથે હળવાફૂલ રાખવા અહીંનો સ્ટાફ તત્પર હોવાનું પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે.

સમરસ ખાતે દર્દીઓ માટે મોટી સંખ્યામાં બેડ અને સ્ટાફ ઉપલબ્ધ.
સમરસ ખાતે દર્દીઓ માટે મોટી સંખ્યામાં બેડ અને સ્ટાફ ઉપલબ્ધ.

અન્ય 41 દર્દીને પણ રાજકોટ સિવિલમાંથી લાવવામાં આવશે
સમરસ ખાતે કોરોનાના અનેક દર્દીઓને સારવાર સાથોસાથ કાઉન્સેલિંગ, મ્યુઝિક થેરપી, ફિઝિયોથેરપી સહિતની સુવિધા અપાઈ રહી છે. હાલ સમરસ ખાતે આ દર્દીઓ માટે સારવાર તેમજ ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ રહી છે. આ પહેલાં અહીં 19 દર્દીને લાવવામાં આવ્યા હતા. હજુ બીજા 41 દર્દીને પણ રાજકોટ સિવિલમાંથી લાવવામાં આવશે તેમ અધિકારી ચેતન દવેએ જણાવ્યું છે. સમરસ ખાતે દર્દીઓ માટે મોટી સંખ્યામાં બેડ અને સ્ટાફ ઉપલબ્ધ હોઈ સિવિલમાંથી પ્રાથમિક સારવાર બાદ સમરસ ખાતે દર્દીઓને ટ્રાન્સફર કરવા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલમાંથી પ્રાથમિક સારવાર બાદ સમરસ ખાતે દર્દીઓને ટ્રાન્સફર કરાયા.
સિવિલમાંથી પ્રાથમિક સારવાર બાદ સમરસ ખાતે દર્દીઓને ટ્રાન્સફર કરાયા.