કોરાના સામે ઝૂક્યા:ખોડલધામ પાટોત્સવમાં 400 લોકો મહાયજ્ઞ અને મહાઆરતી કરશે, VIPને આમંત્રણ નહીં, નરેશ પટેલ વર્ચ્યુઅલ સમાજ જોગ સંદેશ આપશે, મહાસભા મોકૂફ

રાજકોટ6 મહિનો પહેલા
પ્રેસ-કોન્ફરન્સ યોજી નરેશ પટેલે પાટોત્સવ અંગે માહિતી આપી.
  • 20 લાખ લોકોને એકઠા કરવાની અપેક્ષા હતી, મહાસભા મોકૂફ રાખવામાં આવી
  • સમાજની લાગણીને કારણે મહાસભા કોરોનાની સ્થિતિ થાળે પડે ત્યારે યોજાશે

કોરાનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ખોડલધામના નરેશ પટેલ ઝૂક્યા છે. ગઇકાલે પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં એને લઇને ટ્રસ્ટીઓ અને નરેશ પટેલમાં અસંમજસ ચાલતી હતી. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી. બાદમાં તેમણે પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

20 લાખ લોકોને એકઠા કરી યોજાનારી મહાસભા મોકૂફ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.

રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.
રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.

પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાજની લાગણી હશે તો રાજકારણમાં જોડાઇશ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજની લાગણી હશે તો રાજકારણમાં જોડાઇશ, 4 મહિનાના પ્રવાસમાં અનેક લોકોએ મને રાજકારણમાં જોડાવવા માટે આગ્રહ કર્યો હતો. મહાસભામાં હું રાજનીતિમાં પ્રવેશ કરીશ કે નહીં એ અત્યારે કહી શકાય એમ નથી.

રાજકોટના સરદાર ભવન ખાતે ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી.
રાજકોટના સરદાર ભવન ખાતે ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી.

108 કુંડી યજ્ઞને બદલે એક જ મહાયજ્ઞ યોજાશે
નરેશ પટેલે મહાયજ્ઞ વિશે જણાવ્યું હતું કે પહેલાં 108 કુંડી યજ્ઞનું આયોજન હતું, પરંતુ હવે એક જ હવનકુંડ દ્વારા મહાયજ્ઞ યોજાશે. મહાયજ્ઞ, મહાઆરતી અને સમાજ જોગ સંદેશ નિહાળવા માટે રાજ્યનાં અલગ અલગ સ્થળો પર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. અહીં પણ 400 લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ મુજબ એકઠા કરવામાં આવશે. કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.

મંદિરમાં ખોડિયાર માતાજીની સાથે અન્ય 20 દેવી-દેવતાઓ બિરાજમાન છે
આ ભવ્ય મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બૂટભવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

બેઠક બાદ પાટોત્સવના કાર્યક્રમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠક બાદ પાટોત્સવના કાર્યક્રમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખોડલધામ મંદિરની વિશેષતા
કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મુકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે, જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી, જેનો વિચાર નરેશ પટેલને 2002માં મિત્રો સાથે વાત કરતાં આવ્યો હતો.

બેઠકમાં ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ
ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ અને 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ છે. જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઊંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે.