રેકોર્ડ બ્રેક ઓપરેશન:રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 400 ઓપરેશન, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું - મારા ધ્યાનમાં નથી દેશમાં આટલા ઓપરેશન બીજે થયા હોય

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દરરોજ 6 ટેબલ ઉપર 18-20 જેટલા ઓપરેશન કરી ડિસ્ચાર્જ થતાં દર્દીઓને મોંઘી દવા અપાય છે
  • રાજકોટ સિવિલમાં 40 ટકા દર્દી રાજકોટ શહેર અને 60 ટકા દર્દી રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લાના
  • કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં પણ સિવિલના તબીબોની કાબીલેદાદ કામગીરી

દેશભરમાં સૌથી વધુ બ્લેક ફંગસના 400 દર્દીના ઓપરેશન રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે, મારા ધ્યાનમાં નથી કે દેશમાં આટલા ઓપરેશન બીજે થયા હોય. કોરોના બાદ વકરેલી મ્યુકોરમાઈકોસિસની મહામારી સાથે વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ત્યારે કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસની મહામારી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની સૂઝબૂઝ સામે હારી હોય તેમ રાજ્યમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે. કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના કહેરથી દર્દીઓને બચાવવા તબીબો રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલમાં મ્યુકોર માઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. એક સમયે 500 બેડ ફુલ થઈ જતાં તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે પણ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 494 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 193 દર્દી દાખલ છે. આ ઉપરાંત સિવિલમાં દરરોજ 30 થી વધુ દર્દીઓની ઓપીડી છે. જેમાંથી 9 થી 10 દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.

હજુ 500 દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં
સુપ્રિટેન્ડન્ટે વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન કરી દરરોજના 18 થી 20 ઓપરેશન થઈ રહ્યા છે. જ્યારે હજુ 500 દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધીમાં મ્યુકોર માઈકોસિસથી રાજકોટમાં પાંચ દર્દીના મૃત્યુ નીપજ્યા છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને બે પ્રકારના ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે. જેમાં કન્સલ્ટન્ટ તબીબની સલાહ મુજબ જરૂરીયાત મુજબ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. રાજકોટ સિવિલમાં આવતા દર્દીઓ પૈકી 40 ટકા દર્દી રાજકોટ શહેરી વિસ્તારમાં જ્યારે 60 ટકા જેટલા દર્દી રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લામાંથી આવતા હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી દર્દીઓને મોંઘી દવાઓ અપાઈ
હાલમાં રાજ્યના સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના 687 દર્દી રાજકોટમાં નોંધાયા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 494 અને સમરસમાં 193 દર્દી સારવાર લઈ રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસમાં ફરજ બજાવતા તબીબોની ટીમ દરરોજ 6 ઓપરેશન ટેબલ ઉપર 18થી 20 જેટલા સફળ ઓપરેશન કરી દર્દીઓને નવજીવન આપી રહ્યા છે. સાથોસાથ ડિસ્ચાર્જ થતાં બ્લેક ફંગસના દર્દીઓને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોંઘી દવાઓ પણ આપવામાં આવી રહી છે.

ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ
રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ દર્દીના 400થી વધુ રેકોર્ડબ્રેક ઓપરેશન કરી રાજકોટ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે રાજ્ય કક્ષાએ નામના મેળવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટરમાં આજે પણ 494 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 193 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઇક્રોસિસની દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે.